ફરાળી બટેટા વડા – ચટણી

નવરાત્રિ આવે છે. જો વ્રત કરો છો, તો ગરબાં રમવા માટે ઉત્સાહ વધારવા ફરાળ પણ કરવો જરૂરી છે. ફરાળ હેલ્ધી અને ટેસ્ટી પણ હોવો જરૂરી છે. ચાલો બનાવીએ ફરાળી બટેટા વડા અને સાથે ચટણી!!

વડા માટે સામગ્રીઃ

  • બે બટેટા બાફીને મેશ કરેલા
  • 1-2 લીલાં મરચાં
  • 3 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • 1 ટે.સ્પૂન ખમણેલું આદુ
  • 1 કપ રાજગરાનો લોટ
  • 1 ટી.સ્પૂન જીરૂં
  • ¼ ટી.સ્પૂન મરી પાવડર
  • સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું – Rock Salt) સ્વાદ મુજબ
  • 1 ટે.સ્પૂન લીંબુનો રસ (optional)

ફરાળી ચટણી માટે સામગ્રીઃ

  • 1 કપ કોથમીર
  • 1 કપ શીંગદાણા
  • 1 ટી.સ્પૂન બારીક સુધારેલું આદુ
  • સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ટે.સ્પૂન લીંબુનો રસ

રીતઃ એક કઢાઈમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરો. એમાં જીરૂ નાખીને તતડાવો. મીઠું સ્વાદ મુજબ ઉમેરો. ત્યારબાદ આદુની પેસ્ટ ઉમેરી દો. થોડીવાર સાંતડીને બટેટાનો માવો તેમજ કોથમીર અને લીલાં મરચાં સુધારીને ઉમેરી દો. 2-3 મિનિટ સાંતડીને મિશ્રણને એક થાળીમાં કાઢી લો. મિશ્રણ ઠંડું થાય એટલે વડા માટે ગોળા વાળી લો.

એક બાઉલમાં રાજગરાનો લોટ લો. એમાં સ્વાદ મુજબ મીઠું તેમજ મરી પાવડર ઉમેરો. પાણી નાખીને ઘટ્ટ ખીરૂં બનાવો.

વડા તળવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે 1 ટે.સ્પૂન તેલ ખીરામાં નાખીને મિક્સ કરી લો. વડા માટેના ગોળા થોડાં નાખીને વડા તળી લો. વડા તેલમાં નાખ્યા બાદ થોડીવાર બાદ, નીચેથી ગોલ્ડન થયા બાદ હળવેથી ઉથલાવો. બીજી સાઈડ પણ ગોલ્ડન થાય એટલે તેલ નિતારીને ઉતારી લો.

આ વડા ફરાળી લીલી ચટણી સાથે પીરસો.

ચટણી માટે કોથમીર ધોઈને સુધારી લો. એમાં બાકીની સામગ્રી ઉમેરીને મિક્સીમાં ચટણી પીસી લો.