પાતરાં

પાતરાં બનાવવા એટલે બહુ મહેનત માગી લેનારું કામ છે. પણ જો જો, ઘરમાં બનાવેલાં પાતરાંનો સ્વાદ તો ઘરનાં સભ્યોને દાઢે વળગશે!

સામગ્રીઃ

  • 10-12 અળવીનાં પાન
  • 2 કપ ચણાનો લોટ
  • ½ કપ ચોખાનો લોટ
  • 1 ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
  • ¼  ટી.સ્પૂન હળદર
  • 1 ટે.સ્પૂન લાલ મરચાં પાવડર
  • 2 ટે.સ્પૂન ધાણાંજીરૂં પાવડર
  • ખમણેલો ગોળ 2 ટે.સ્પૂન
  • આમલીનો પલ્પ (ગર) 2 ટે.સ્પૂન (આમલીના બદલે લીંબુ વાપરી શકો છો)
  • ચપટી હીંગ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ½ ટી.સ્પૂન અજમો
  • 1 ટી.સ્પૂન જીરૂં
  • 1 ટી.સ્પૂન આખી મેથીનાં દાણાં
    વઘાર માટેઃ
  • રાઈ 1 ટી.સ્પૂન
  • તલ 2 ટી.સ્પૂન
  • ખમણેલું નાળિયેર ટે.સ્પૂ
  • ઝીણી સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
  • 2 ટે.સ્પૂન તેલ

રીતઃ સહુ પ્રથમ અળવીનાં પાન ધોઈને કોરાં કરી લો. અને પાનની પાછળનાં ભાગમાં આવેલી નસો ચપ્પૂ વડે કાઢી લો. પાનને એક બાજુએ મૂકી રાખો.

1 ટી.સ્પૂન જીરૂં અને 1 ટી.સ્પૂન આખી મેથીનાં દાણાંને તવામાં હલકાં ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લો. અને એને નીચે ઉતારીને બારીક પાવડર બનાવી લો.

હવે એક મોટા બાઉલમાં ચણાંનો લોટ તેમજ ચોખાનો લોટ લો. એમાં બાકીની સામગ્રી ઉમેરી લો. થોડું પાણી ઉમેરીને એકદમ જાડું ખીરૂં (પાન ઉપર ચોપડતી વખતે નીચે ના પડે એવું) બનાવી લો.

પાતરાંના પાનમાંથી એક એક પાન લેતાં જાવ. પહેલું પાન સૌથી મોટું લઈ, એનો અણીવાળો ભાગ તમારી તરફ રાખો. તેમજ પાનનો લીસો ભાગ નીચે તરફ રાખવો. આ નસ કાઢેલાં ભાગ ઉપર ખીરૂં ચોપડો. બીજું પાન થોડું નાનું લો. એનો પણ લીસો ભાગ નીચે તરફ રાખો. અને પહેલાં પાનની વિરુદ્ધ દિશામાં એનો અણીવાળો ભાગ ગોઠવો. એના ઉપર પણ ખીરૂં ચોપડી લો.

આ જ રીતે 6 થી 7 પાન ગોઠવાઈ જાય એટલે ગોઠવેલાં પાનની ડાબી બાજુએથી એક ઈંચ જેટલો ભાગ ફોલ્ડ કરી દો. એની ઉપર ખીરૂં ચોપડી લો. ત્યારબાદ જમણી બાજુ પણ ફોલ્ડ કરી એની ઉપર ખીરૂં ચોપડી લો. હવે ઉપરના ભાગેથી પાન ફોલ્ડ કરીને ઘટ્ટ રોલ વાળી લો. બાકીના રોલ પણ આ જ રીતે તૈયાર કરો.

સ્ટીમરમાં (ઢોકળાં બાફવાનું વાસણ), તેલ ચોપડેલી થાળીમાં બધાં રોલ ગોઠવી લો. વાસણ ઢાંકીને 20-25 મિનિટ ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ત્યારબાદ રોલને સ્ટીમરમાંથી કાઢી એમાંથી અડધો ઈંચનાં ટુકડાં કરી લો.

એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ મૂકીને રાઈનો વઘાર કરો. રાઈ તતડે એટલે તલ ધીરેથી નાંખી દો. (તલ નાખતી વખતે ગેસની આંચ ધીમી રાખવી અને કઢાઈ અડધી ઢાંકવી. કેમ કે ગરમ તેલમાં તલ નાંખતાં એ ચારે બાજુ ઊડે છે. જેથી દાઝવાનો ભય રહેલો છે.) એમાં પાતરાંનાં ટુકડાં નાખીને હલાવી લો. 2-3 મિનિટ બાદ કઢાઈ નીચે ઉતારી, એની ઉપર કોથમીર અને કોપરાંની છીણ ભભરાવી દો.

પાતરાં તીખી-મીઠી ચટણી સાથે પીરસો.