આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રોડા કોણે નાખ્યા?

0
7581

છેલ્લા ચાર મહિનામાં બે વાર અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી એક મંચ પર જોવા મળ્યા છે. આકરા મિજાજના અરવિંદ કેજરીવાલ રાજકીય સ્પર્ધા જેમની સામે કરે તેમની સામે ઑલમોસ્ટ દુશ્મની જેવો વ્યવહાર કરે છે. 2014માં નરેન્દ્ર મોદી સામે ભીડાઈ જવાની ભૂલ કરીને કેજરીવાલ થોડા કોરાણે થઈ ગયા હતા, પણ તે પછી તેમણે સ્વભાવમાં પરિવર્તન લાવીને વધારે વાસ્તવિક રાજકારણ પણ ધ્યાન આપ્યું. પંજાબ અને ગોવામાં ધારી સફળતા ના મળી તે પછી એકલા હાથે નહિ, પણ જોડાણ કરીને શક્તિ એકઠી કરવી પડશે તે વાત પણ સમજ્યા લાગે છે. બીએસપીએ જુદા જુદા બધા જ પક્ષો સાથે જોડાણ કરી અને પછી તોડીને મજબૂતી મેળવી છે અથવા તાકાત ટકાવી રાખી છે.

દિલ્હીમાં અભૂતપૂર્વ એવી સફળતા પછી અને પંજાબમાં સામાન્ય સફળતા પછી આમ આદમી પાર્ટીએ નવેસરથી પાટીમાં આંક માંડવાના છે. તેથી મહાગઠબંધનમાં કોઈ જગ્યાએ સ્થાન મળે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ ગયા અઠવાડિયે એક ઘટના બની અને મામલામાં ઘોંચ પડી ગઈ છે. કોંગ્રેસના નેતા સજ્જનકુમારને દિલ્હી હાઇ કોર્ટે 1984ના શીખ રખમાણ માટે આજીવન કેદની સજા ફટકારી. તે પછી દિલ્હી વિધાનસભામાં એક ઠરાવ પસાર થયો તેમાં હાથે લખેલું એક વાક્ય ઉમેરી દેવાયું હતું કે રાજીવ ગાંધીને આપવામાં આવેલો ‘ભારત રત્ન’ પરત લઈ લેવો જોઈએ. ભારે હોબાળો થયો અને આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય અલકા લાંબાને રાજીનામું આપી દેવાનું કહેવાયું છે તેવા સમાચારો પણ વહેતા થયા. બીજી બાજુ પક્ષના સિનિયર નેતાઓએ ખુલાસા કરવાનું શરૂ કરી દીધું કે આવો કોઈ ઠરાવ પસાર થયો નથી. વિધાનસભામાં જે ઠરાવ પસાર થયો તે મૂળ ઠરાવ જ છે, તેમાં કોઈએ હાથેથી ઉમેરેલું વાક્ય વિધાનસભાના સત્તાવાર રેકર્ડમાં ગયું નથી.

આ બધી ઔપચારિકતા છે. આ મામલે જે રાજકારણ થવાનું હતું તે થઈ ગયું. આમ આદમી પાર્ટી દિલ્હીના શીખોની ભાવનાને સમજીને કોંગ્રેસની ટીકા કરવા માગતી હતી તે થઈ ગઈ, પણ વાસ્તવિકતા એ છે કે દિલ્હી, પંજાબ અને હરિયાણામાં આમ આદમી પાર્ટી કોઈનો સહારો શોધી રહી છે. તે પ્રયાસોમાં ફાચર લાગી ગઈ છે. એક તબક્કે એવી શક્યતા વ્યક્ત થવા લાગી હતી કે લોકસભાની દિલ્હીની સાત બેઠકો છે, તેમાંથી પાંચ આમ આદમી પાર્ટી લડે અને બે પર કોંગ્રેસ લડે તવી સમજૂતિ થઈ શકે છે. બીએસપી સાથે ગોઠવણ થાય તો કદાચ એક બેઠક માટે બીએસપી પણ પ્રેશર કરી શકે છે. તેના બદલામાં બીએસપીની મદદ પંજાબમાં મળે તો આમ આદમી પાર્ટી પંજાબમાં પોતાની ચાર બેઠકો જાળવી શકે, ઉપરાંત એકાદ બેઠક વધારે મળે તો જીતવાની અપેક્ષા રાખી શકે.

બધા જ પક્ષો હાલમાં ક્યાં ગઠબંધન અને ગોઠવણ થઈ શકે તેની ફિરાકમાં છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ ગણતરી માંડતા હોય તેમાં નવાઈ નથી. પણ નવાઈની વાત એ છે કે દિલ્હીમાં આપના અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે સ્પર્ધા એટલી વણસી ગઈ છે કે સમજૂતિ ના થાય તેમાં કેટલાક નેતાઓને રસ છે. આપ અને કોંગ્રેસ બંનેમાં એવા નેતાઓ છે જેમને પોતપોતાના કારણોસર સમજૂતિ ના થવા દેવામાં રસ છે. બીજી બાજુ આપ અને કોંગ્રેસના મોવડીઓને 2019ને ધ્યાનમાં રાખીને સમજૂતિ કરી લેવામાં રસ છે તેવું લાગે છે.

અજય માકન છેલ્લા પાંચ વર્ષથી સતત આપની સામે ટક્કર આપી રહ્યા છે. હવે લોકસભા માટે આપ અને કોંગ્રેસની સમજૂતિ થાય તો વિધાનસભા માટે પણ થઈ શકે છે. વિધાનસભા માટે સમજૂતિ થાય તો કોંગ્રેસે અહીં પણ નાના ભાઈની ભૂમિકામાં રહેવું પડે. 90માંથી 87 બેઠકો જીતી ગયેલો આપ બહુ બહુ તો 20 બેઠકો છોડવા માટે તૈયાર થાય. તે સંજોગોમાં અજય માકન જેવા નેતાઓ માટે દિલ્હીમાં મુખ્ય પ્રધાન બનવા માટેના સપનાને પાંચ વર્ષ સુધી છોડી દેવું પડે.

અજય માકન

આ તરફ આપમાં પણ હલચલ મચી ગઈ છે. સમજૂતિ થાય તેનો અર્થ એ કે 20 જેટલા ધારાસભ્યો ચૂંટણી પહેલાં જ હારી જાય. આપે પોતાના જીતેલા વિધાનસભ્યોનો ભોગ લઈને બેઠકો કોંગ્રેસને આપવી પડે. આમ જોકે દર વર્ષે બેના હિસાબે આપમાંથી નેતાઓ જુદા પડી રહ્યા છે અને 97 ટકા જેટલી સફળતા બીજી વાર મળવાની નથી તે પણ સ્પષ્ટ છે. પરંતુ ચૂંટણી લડીને હારવાની વાત જુદી છે, અને ચૂંટણી પહેલાં જ ટિકિટ કપાઇ જાય તે વાત જુદી છે. આપના મોવડી માટે આ સ્થિતિ સાનુકૂળ છે. 20 બેઠકો જે હારી શકાય તેમ હોય તે કોંગ્રેસને આપી શકાય અને જીતવા જેવી બેઠકો જાળવી શકાય, પરંતુ આપમાં સત્તા માટે ભેગા થયેલા નેતાઓ પોતે ક્યાંયના ના રહે. તેથી એક જૂથ કોંગ્રેસ સાથે સમજૂતિ ના થાય તેમ ઈચ્છે છે.

પંજાબમાં પણ આપનું એક જૂથ એવું છે, જેમને લાગે છે કે કોંગ્રેસ અને ભાજપ બંનેના વિરોધના કારણે જ તેમને પગ મૂકવાની જગ્યા મળી છે. હવે કોંગ્રેસ સાથે સમજૂતિ કરી લેવાથી તેમનું બ્રેકેટ બ્રેક થઈ જાય તેવું છે. પંજાબના નેતાઓમાં બીજો એક અસંતોષ એ પણ છે કે રાજ્યના રાજકારણનો દોરીસંચાર દિલ્હીથી વધારે થાય છે. ભાજપ અને કોંગ્રેસના મોવડીમંડળને ભાંડનારા આપના પંજાબી નેતાઓને સમજાઈ રહ્યું છે કે તે બંને કરતાંય પોતાનું મોવડીમંડળ વધારે આપખુદ છે. પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર કરતાંય મોટા કેપ્ટન રાહુલ ગાંધીને સીધા રિપોર્ટ કરી રહ્યા છે. કોંગ્રેસમાં આંતરિક અસંતોષ છે ત્યારે તેનો લાભ લેવા માટે આપે એકલાએ લડવું જોઈએ તેવી લાગણી વચ્ચે પંજાબમાં તેની સાથે જ સમજૂતિની વાતથી પંજાબી આપ નેતાઓ વિચારમાં પડી ગયા છે.

આવી સ્થિતિમાં દિલ્હી વિધાનસભામાં કંઈક રાતોરાત કંઈક એવું થઈ ગયું કે આપના મોવડીઓ જોતા જ રહી ગયા. જાણકારો કહે છે કે અરવિંદ કેજરીવાલ કે નાયબ મુખ્ય પ્રધાન સીસોદીયા સહિત કોઈને કશી ગંધ પણ આવી નહોતી. કેજરીવાલ હાજર નહોતા અને સીસોદીયા થોડી વાર માટે ગૃહની બહાર ગયા ત્યારે ખેલ પડી ગયો. વિપક્ષના ત્રણ જ સભ્યો છે, જે ભાગ્યે જ હાજર રહેતા હોય છે. તે વખતે આ ત્રણ સભ્યો પણ હાજર નહોતા. બાકી રહેલા સિનિયરોમાંથી સૌરભ ભારદ્વાજ વિધાનસભ્યોનું સંકલન કરી રહ્યા હતા ત્યારે કોઈએ ઠરાવમાં એક લાઈન ચૂપચાપ ઉમેરી દીધી. સ્પીકર જરનૈલ સિંહને પણ કશી ગંધ આવી નહિ અને તેમણે ઠરાવ પસાર થાય છે તેવી જાહેરાત કરી દીધી.

તે સાથે જ વિવાદ ભડકી ઉઠ્યો. બંને પક્ષોએ પોતપોતાની રીતે ખુલાસા કરવાના કામમાં લાગી જવું પડ્યું. સમજૂતિના બદલે હવે ઝઘડો વધવા લાગ્યો. આપના મોવડીઓએ કોણે આવું કાવતરું કર્યું તેની તપાસ શરૂ કરી છે. પણ તપાસમાં જે નીકળે તેનાથી તાત્કાલિક કોઈ ફરક પડે તેવો નથી. રાજીવ ગાંધીના નામે વિવાદના કારણે રાહુલ ગાંધી માટે હવે નજીકના સમયમાં આપ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી મુશ્કેલ બની ગઈ છે. આપના નેતા સંજય સિંહે ભાજપના નારાજ નેતા યશવંત સિંહાની મધ્યસ્થીથી કોંગ્રેસ સાથે વાતચીતનો દરવાજો ખોલ્યો હતો. યશવંત સિંહા માને છે કે ભલે ગમે તેવી ચર્ચા થતી હોય, ભાજપ અને એનડીએની સ્થિતિ એટલી બધી નબળી પણ નથી. હજી પણ નરેન્દ્ર મોદી ફરી જીતી શકે છે. ભાજપને અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને હરાવવા માટે એક માત્ર ઉપાય છે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને પ્રાદેશિક પક્ષો છે તેવા રાજ્યોમાં ભાજપ સામે એક જ સંયુક્ત ઉમેદવાર હોય. ભાજપ સામે જ્યાં પણ બે ઉમેદવાર હશે, ત્યાં ભાજપ માટે જીતવું આસાન છે. તેથી જ યશવંત સિંહા દિલ્હી અને પંજાબમાં આપ અને કોંગ્રેસના બબ્બે ઉમેદવારો ભાજપ સામે ના હોય તેવી ઈચ્છાથી મધ્યસ્થી કરવાની કોશિશ કરી હતી. પરંતુ હાલ પૂરતી વાત અટકી પડી છે.

હવે નરેન્દ્ર મોદીએ મહાગઠબંધનમાં પોતપોતાના રાજ્યોમાં અને કેન્દ્રમાં પણ લૂંટ કરનારા પક્ષોની ટોળકી કહી છે. એક તરફ આ ટોળકી છે અને એક તરફ જનતા છે એવી વાત નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પ્રથમ સ્ક્રીપ્ટેડ ઇન્ટરવ્યૂમાં કહી છે ત્યારે ગઠબંધનના નેતાઓએ નવી લાઈન લેવી પડશે. જનતાની સામે ગઠબંધન ઊભું થયું છે તેવી વાત કરીને વડાપ્રધાને પોતે અને જનતા જાણે એક હોય એવી વાત કરી છે ત્યારે વિપક્ષના નેતાઓ શું જવાબ આપે છે તે પણ જનતા જોશે.