જાપાનમાં પૂરપ્રકોપઃ મરણાંક વધીને 141

0
231

ટોકિયો – છેલ્લાં ત્રણ દાયકા દરમ્યાન પણ ન જોવા મળેલી અતિવૃષ્ટિનો સામનો હાલમાં જાપાન કરી રહ્યું છે.

પશ્ચિમ જાપાનમાં આવેલા ભયાનક પૂર તેમજ તેના લીધે અનેક ઠેકાણે ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં મરણાંક 141 સુધી પહોંચ્યો છે.

જાપાન સરકારે મંગળવારે જણાવ્યું કે બચાવ કાર્ય માટે 70,000થી વધુ માણસો કાર્યરત છે. જેમાં, અગ્નિશમન દળ તેમજ લશ્કરી દળ પણ રાહત કાર્યમાં ખડે પગે એકજૂટ થયા છે.

બીબીસી રિપોર્ટ પ્રમાણે આશરે 20 લાખ જેટલાં લોકોનું નદી કિનારાના વિસ્તારથી અન્ય સુરક્ષિત ઠેકાણે  સ્થળાંતર કરાવાયું છે. લોકોને રહેવા માટે સત્તાવાળાઓએ શાળા તેમજ જીમ્નેશિયમ માટેના હોલ આપ્યાં છે. ઊંચાણવાળી જગ્યાએથી  ભારે વરસાદને કારણે હજી પણ ભૂસ્ખલન થવાની શક્યતાઓ છે. અને આવી ભયાનક પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે ત્યાંના વડાપ્રધાન શિન્જો એબેએ એમની વિદેશી મુલાકાતો કેન્સલ કરી દીધી છે.

એબેએ બચાવ ટુકડીની હિંમત વધારતાં કહ્યું કે, ‘આપણે સહુ સાથે મળીને તેમજ રાજય સરકારનો સમન્વય સાધીને ત્વરિત મદદ પહોંચાડવાના બનતાં પ્રયત્નો કરવાના છે.’

જાપાનના દક્ષિણી પ્રાંત ઓકાયામા તેમજ અમુક ભયજનક વિસ્તારો માટે પૂરની ચેતવણી હજુ પણ આવી રહી છે. પણ આગામી દિવસોમાં બાકીના સ્થળો માટે હવામાન અનુકૂળ રહેશે. જેથી રાહત કાર્ય ઝડપી બનશે.