એલ. કે. અડવાણીને અલવિદા લેતાં પણ આવડ્યું નહીં

0
8051

લતે, ચલતે, મેરે યે ગીત, યાદ રખના, કભી અલવિદા ના કહેના… કભી અલવિદા ના કહેના…
લાલ કૃષ્ણ અડવાણીને ફિલ્મો જોવાનો શોખ હતો. વડા પ્રધાન તો કદી ના બની શક્યા, પણ પરાણે ધરાર નાયબ વડાપ્રધાન બન્યા હતા, તે પછીય સમય કાઢીને ફિલ્મ જોઈ લેતા હતા. કભી અલવિદા ના કહેના ગીત કદાચ તેમને દિલમાં બરાબર ઉતરી ગયું હશે. રાજકારણી ખરાને, પાક્કા રાજકારણી, એટલે સત્તા અને હોદ્દા દૂર જતા હોય ત્યારે પણ અલવિદા કહેવું, આપણું ગુજરાતી આવજો કહેવું. ફરી ફરીને આવજો. સત્તા ફરી ફરી આવ જો, હોદ્દા ફરી ફરી આવ જો.

ભારતમાં ક્યારેય કોઈ રાજકારણી નિવૃત્ત થતો નથી. ભારતમાં રાજકારણી માત્ર હારી જાય છે કે તેમને હોદ્દા પરથી હટાવી દેવામાં આવે છે. અડવાણીને સાંસદપદથી રીતસર હટાવી દેવાયા છે. 91 વર્ષે પણ કમ ખાવ અને ગમ ખાવની ફિલોસોફી પ્રમાણે અડવાણી ફિટ રહ્યા હતા. તેમનાથી નાની ઉંમરના મનમોહન સિંહને પગથિયું ચડાવવા માટે હાથ પકડવો પડે છે. અડવાણી હજીય કટકટ દાદરા ચડી જાય છે. સૌથી મોટી ઉંમરે સંસદ બનવાનો વિક્રમ તેમના નામે થવાનો હતો. તે વિક્રમથી પણ તેમણે જ પાળીપોષીને મોટી કરેલી પાર્ટીએ તેમને વંચિત રાખ્યા છે. તેમના જ ચેલાઓ ગુરુને આશ્રમમાંથી ઊંચકીને આખરે ઘરે મૂકી આવ્યા છે.

ભારતમાં કોઈ રાજકારણી નિવૃત્ત થતો નથી, તેથી અડવાણીને દોષ દેવો યોગ્ય લાગતો નથી. પણ વિશ્લેષણ અવશ્ય થઈ શકે છે કે તેમણે પોતાની અલવિદાને યોગ્ય રીતે પ્લાન ના કરી. જીવનભર વડાપ્રધાન બનવા માટે ઘોડા ઘડતા રહેતા લાલ કૃષ્ણ અડવાણી પોતાની રાજકીય કારકિર્દીનો અંત કેવી રીતે આવશે તેનું પ્લાન ના કરી શક્યા. દેશના રાજકારણ પર તિક્ષ્ણ નજર રાખતા અડવાણી, પોતાના જ પક્ષમાં ચાલતા રાજકારણને પારખવામાં થાપ ખાઈ ગયા હતા. 2002ની સાલ પછી ગોવામાં ભારતીય જનતા પક્ષનું અધિવેશન મળવાનું હતું. તેમાં નરેન્દ્ર મોદીને ગુજરાત મુખ્ય પ્રધાનપદેથી ના હટાવવા માટે મોદી મોદી એવા નારા લાગ્યા હતા. અડવાણી જેવા સમજદાર નેતા માટે એ અગમચેતી હતી, પણ કદાચ અડવાણી આપણે માનીએ છીએ તેટલા સમજદાર અને શાર્પ નેતા નહોતા.

અત્યંત શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં કોઈ હોદ્દેદાર અંગે નિર્ણય લેવાનો હોય ત્યારે ટોળાશાહી કરીને નેતાઓને નિર્ણય લેવાનું ટાળવાની ફરજ પાડવામાં આવે ત્યારે પક્ષની નવી પેઢી કેવી ઊભી થઈ છે તે સમજવાની જરૂર વાજપેયી અને અડવાણીની હતી. પણ તેમના માટે જવાબદાર પણ આ બે નેતાઓ જ હતા એટલે કદાચ સમજદાર ના બની શક્યા. આ બે જણની ટોળીએ ભૂતકાળમાં બલરાજ મધોકને હાંકી કાઢ્યા હતા. મુરલી મનોહર જોષીને હળવેકથી કોરાણે કરી દીધા હતા, ઉમા ભારતીનું કદ ના વધે તેવી વ્યવસ્થા કરી હતી, ગોવિંદાચાર્ય કે સુબ્રમણિયમ સ્વામી જેવા બોલકા નેતાઓને બંધ કરાવી દીધા હતા. અડવાણીએ જોયું હતું કે હરેન પંડ્યાનું શું થયું અને સંજય જોષીની સીડી કેવી રીતે બની અને કેવી રીતે શંકરસિંહ વાઘેલાને હટાવીને ગુજરાતમાં મેદાન સાફસૂફ કરાયું હતું.
અડવાણી કદાચ આ સમજી શક્યા નહિ કે સમજવા માગતા નહોતા. તેઓ કદાચ પોતાને સવાયા ચાણક્ય સમજતા હશે. છોટે સરદાર કહેવાનો શોખ દેખાડતા રહ્યા હતા, પણ કદ આખરે એટલું છોટું થઈ ગયું કે તેઓ પોતાની ટોળીના પણ સરદાર ના રહી શક્યા.

સીતારામ કેસરી

નિયતીના ખેલ અજબ હોય છે અને નેતાઓ તેને સૌથી વધુ નજીકથી જોઈ શકતા હોય છે. તેમ છતાં તેને સમજી શકતા નથી. સીતારામ કેસરીને કોંગ્રેસીઓએ દિલ્હીના રિંગ રોડ પર દોડાવી દોડાવીને ભગાડ્યા અને અખિલેષ યાદવે પિતા મુલાયમસિંહ યાદવને ઘરમાં બેસાડી દીધા. એકલા હાથે કોંગ્રેસને હરાવનારા કલાકાર એન.ટી. રામ રાવનો રોલ જમાઈ ચંદ્રાબાબુ નાયડુએ કાપી નાખ્યો હતો. જયલલિતાએ એમ. જી. રામચંદ્રનની પત્ની પાસે વિધવા તરીકેની સહાનુભૂતિ પણ ના રહેવા દીધી અને દ્વવિડ પાર્ટીનો સંપૂર્ણ કબજો કરી લીધો હતો. અણ્ણા હજારેને એમ લાગ્યું કે પોતાના કારણે દેશભરમાં દીવાઓ બળે છે. તેમને ખ્યાલ નહોતો કે તેમાં તેલ પુરવાનું કામ અરવિંદ કેજરીવાલ આણી મંડળી અને સંઘ વગેરે કરી રહ્યા છે. તેલ ખૂટી પડ્યું એટલે અણ્ણા વતન ભેગા થઈ ગયા. યાદ કરો ગુંગી ગુડિયા… કે. કામરાજ, આપણા મોરારજી દેસાઈ વગેરેને લાગ્યું કે આ બહુ સારી કઠપૂતળી છે. હરિફ નેતા ફાવી ના જાય અને સત્તાનો દોર પોતાના હાથમાં રહેશે અને પોતે કઠપૂતળીના ખેલ કરશે એમ સમજનારા એ બધા નેતાઓનો બરાબરનો ખેલ થઈ ગયો હતો… યાદ છેને…

મોરારજી દેસાઈ

ટૂંકમાં રાજકારણમાં નિવૃત્તિ લેવી સહેલી નથી. બહુ ઓછા નેતાઓ સ્વંય નિવૃત્ત થઈને નવી પેઢીને આગળ કરે છે… નામ યાદ આવતા હોય તો અહીં યાદ કરી લો… રાબેતા મુજબ આવી બધી બાબતોમાં માત્ર નેતાઓને દોષ દેવાના બદલે આપણે સ્વંય તરફ દૃષ્ટિ કરવી જોઈએ. આપણે કોઈ કશું છોડી દેવા માટે ઇચ્છતા હોતા નથી. મોટા મોટા સંત પણ લગભગ મૃતપાય હોય ત્યાં સુધી તેમને ગાદીએ ગોદડું વીંટાળીને બેસાડી રાખવામાં આવે છે. આપણે ત્યાં પાળિયાના જોરે જંગ જીતાઈ જતો હોય ત્યારે અસહાય અવસ્થામાં શ્વસતો માણસ પણ ચેલાઓમાં જોમ પૂરતો રહે છે. સાચી વાત કે નહિ?

અડવાણીને યાદ કરીને વાત પૂરી કરીએ. 2009માં અડવાણીની આગેવાની હેઠળ ચૂંટણી લડવામાં આવી હતી. તેમના માટે તે છેલ્લો જંગ હતો તે તેમણે સમજી લેવાની જરૂર હતી. પક્ષ અને સંઘ થાક્યા હતા. હવે યેનકેનપ્રકારેણ સત્તા મેળવવી જરૂરી બની હતી. 2012 પછી જે રીતે વાતાવરણ ઊભું કરાયું હતું, ત્યારે જ અડવાણીએ સમજદારી દાખવીને સ્વંય માર્ગદર્શક બની જવાની જરૂર હતી. તેમણે નરેન્દ્ર મોદીને પ્રચાર સમિતિના કન્વીનર બનાવવાનો અને તેમનું નામ વડાપ્રધાન પદના દાવેદાર તરીકે જાહેર કરવાનો વિરોધ કરીને રાજીનામાં આપીને જે ત્રાગાં કર્યાં તે પછી તેમનું માન વધ્યું નહોતું, ઘટ્યું હતું.

રાજીનામું આપ્યું ત્યાં સુધી ઠીક હતું, પાછું પણ લીધું અને ચૂંટણી પણ લડ્યા અને પાંચ વર્ષ સુધી સંસદમાં ચૂપચાપ બેસીને તમાશો જોતા રહ્યા, તેમાં તેઓ ખુદ તમાશો બની ગયા. રાજીનામું પાછું લેવાના બદલે 2014માં જ ઘરે બેસી રહ્યા હોત તો આજે કદાચ તેમના માટે થોડી સહાનુભૂતિ પણ વ્યક્ત થતી હોત. તેમની જગ્યાએ અમદાવાદમાં અમિત શાહને ટિકિટ આપી દેવાઈ. તે સાથે સત્તાવાર રીતે અડવાણી યુગનો અંત આણી દેવાયો. પણ ભાગ્યે જ કોઈએ કશી સહાનુભૂતિ વ્યક્ત કરી.

તા.ક. એ યુગ અડવાણી યુગ હતો કે વાજપેયી યુગ હતો તેનું વિશ્લેષણ ભવિષ્યમાં થશે. અડવાણીનું એનેલિસિસ એવું પણ થશે કે તેમનો બધાએ ઉપયોગ જ કર્યો, પહેલાં વાજપેયીએ અને પછી ચેલાઓએ…