Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાહુલ-વિજય વચ્ચે 91 રનની ભાગીદારી

રાંચી – અહીં રમાતી ત્રીજી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસને અંતે ભારતે પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમના પહેલા દાવના 451 રનના જવાબમાં લોકેશ રાહુલ (67)ની વિકેટ ગુમાવીને 120 રન ક્યા હતા.

મુરલી વિજય 42 રન અને ચેતેશ્વર પૂજારા 10 રન સાથે દાવમાં હતો.

ભારત ઉપર હજી 331 રનનું દેવું છે, પરંતુ રાહુલ-વિજયની જોડીએ ઠીક કહેવાય એવો દાવનો પ્રારંભ કરાવી આપ્યો છે.

રાહુલ અને વિજયે પહેલી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. બંનેએ 31.2 ઓવર સુધી ભારતની પહેલી વિકેટ ટકાવી રાખી હતી. ત્યારબાદ કમિન્સની બોલિંગમાં રાહુલ વિકેટકીપર વેડને કેચ દઈ બેઠો હતો. વર્તમાન સિરીઝમાં રાહુલની આ ચોથી હાફ સેન્ચૂરી છે. એણે 102 બોલનો સામનો કર્યો હતો અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા.

ગઈ કાલે પહેલા દિવસે 117 રન કરીને નોટઆઉટ રહેનાર કેપ્ટન સ્ટીવ સ્મીથે આજે પોતાનો દાવ આગળ વધારીને 178 રન કર્યા હતા અને તે છેવટ સુધી આઉટ થયો નહોતો. જ્યારે અન્ય નોટઆઉટ બેટ્સમેન ગ્લેન મેક્સવેલે આજે પોતાની સદી પૂરી કરી હતી. તે અંતે વ્યક્તિગત 104 રનના સ્કોર પર આઉટ થયો હતો. 4 વિકેટે 299 રનના સ્કોર પરથી આજે આગળ રમવાનું શરૂ કર્યા બાદ 331 રનના સ્કોર પર મેક્સવેલ પહેલો આઉટ થયો હતો.

મેક્સવેલના આઉટ થતાં જ સ્મીથ સાથે પાંચમી વિકેટ માટે બંને વચ્ચેની 191 રનની ભાગીદારીનો અંત આવી ગયો હતો.

વિકેટકીપર મેથ્યૂ વેડ 37, પેટ કમિન્સ ઝીરો, સ્ટીવ ઓકીફ 25, નેથન લિયોન 1 અને હેઝલવૂડ ઝીરો પર આઉટ થયો હતો.

ભારતનો બેસ્ટ બોલર રહ્યો છે ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા. 49.3 ઓવરમાં 124 રન આપીને એણે પાંચ વિકેટ ઝડપી હતી.  ફાસ્ટ બોલર ઉમેશ યાદવે 106 રન આપ્યા હતા અને 3 બેટ્સમેનને આઉટ કર્યા હતા.

ગઈ કાલે મેચના પહેલા દિવસે, સ્મીથે ટીમનો મોરચો સંભાળ્યો હતો અને દિવસને અંતે તેની ટીમે 4 વિકેટે 299 રન કર્યા હતા. ભારતના બોલરોએ પણ ખાસ્સી એવી મહેનત કરી હતી અને ઓસ્ટ્રેલિયાની ચાર વિકેટ પાડી હતી. સ્મીથે 244 બોલના દાવમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા, તો મેક્સવેલે 147 બોલમાં ફટકારેલા 82 રનમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો. આ બંને બેટ્સમેને 47.4 ઓવરનો સામનો કર્યો હતો, જેમાં સ્મીથનું યોગદાન 67 રન અને મેક્સવેલનું 82 રનનું હતું.

સ્મીથે ભારત સામે આ છઠ્ઠી સદી ફટકારી છે અને વર્તમાન શ્રેણીમાં તેની આ બીજી સદી છે. એણે કારકિર્દીમાં પોતાના 5000 પૂરા પણ કરી લીધા છે. એણે 53 ટેસ્ટ મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

ઓસ્ટ્રેલિયાએ ગઈ કાલે ગુમાવેલી ચાર વિકેટ છેઃ ડેવિડ વોર્નર (19), મેટ રેન્શો (44), શોન માર્શ (2) અને પીટર હેન્ડ્સકોમ્બ (19).

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મીથે સવારે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ચાર-મેચની ટેસ્ટ સિરીઝમાં હાલ બંને ટીમ 1-1થી સમાન છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS