Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – ઈન્ડિયા-A ટીમ બીજી અને છેલ્લી વોર્મ-અપ મેચમાં આવતીકાલે અહીંના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડનો સામનો કરશે ત્યારે આશાસ્પદ બેટ્સમેન ઋષભ પંત અને વિકેટકીપર ઈશાન કિશન રાષ્ટ્રીય પસંદગીકારોને પ્રભાવિત કરવા માટે સરસ દેખાવ કરવાનો પૂરો પ્રયત્ન કરશે.

ગયા વર્ષે અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત રનર્સ-અપ દેખાવમાં પંતે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈંગ્લેન્ડ સામે આાગમી ટ્વેન્ટી-20 સિરીઝ માટેની ટીમમાં પસંદગી પામવા માટે ઝડપી સફળતા મેળવી છે.

દિલ્હીના 19 વર્ષીય બેટ્સમેન પંતે હાલની રણજી ટ્રોફી મોસમમાં ચાર સદી ફટકારી હતી. એમાંની એક તો ટ્રિપલ સદી હતી, જે તેણે મહારાષ્ટ્ર સામેની મેચમાં ફટકારી હતી. જ્યારે ઝારખંડ સામેની મેચમાં તેણે 48 બોલમાં સદી ફટકારી હતી.

પસંદગીકારોની નજર આવી જ રીતે એક અન્ય આશાસ્પદ ખેલાડી – ઈશાન કિશન પર રહેશે. ઝારખંડનિવાસી કિશને ગયા વર્ષે બાંગ્લાદેશમાં યોજાઈ ગયેલી અન્ડર-19 વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું. ફાઈનલમાં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે પરાજય થયો હતો. પરંતુ કિશને સ્થાનિક સ્પર્ધાઓમાં કેટલીક શાનદાર ઈનિંગ્ઝ ખેલી હતી જેને લીધે પસંદગીકારો તેનાથી પ્રભાવિત થયા છે.

પંત અને કિશન ઉપરાંત આવતી કાલની મેચમાં સુરેશ રૈના કેવું રમે છે એની ઉપર પણ પસંદગીરોનું ધ્યાન રહેશે. રૈનાએ ઘણા વખતે કમબેક કર્યું છે.

ઈંગ્લેન્ડની ટીમે મંગળવારે પહેલી મેચમાં ઈન્ડિયા-A ટીમને ત્રણ-વિકેટથી પરાજય આપ્યો હતો. ઈન્ડિયા-A ટીમે પોતાની 50 ઓવરમાં પાંચ-વિકેટે 304 રન કર્યા હતા. તેના જવાબમાં ઈંગ્લેન્ડે 48.5 ઓવરમાં 7 વિકેટના ભોગે 305 રન કરીને મેચ જીતી લીધી હતી.

ઈન્ડિયા-A ટીમ વતી અંબાતી રાયડુએ 100 રન કર્યા હતા તો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 68, શિખર ધવને 63 અને યુવરાજ સિંહે 56 રન કર્યા હતા.

ઈંગ્લેન્ડની જીતમાં સેમ બિલીંગ્સ (93), જેસન રૉય (62), જોસ બટલર (46), લિઆમ ડાઉસન (41), એલેક્સ હેલ્સ (40)નું યોગદાન રહ્યું હતું. ઈંગ્લેન્ડના બેટ્સમેનોના જીતના મક્કમ નિર્ધારને કારણે રાયડુની સદી અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવના પાંચ વિકેટના દેખાવ પર પાણી ફરી વળ્યું હતું.

બંને ટીમ આ મુજબ છેઃ

ઈન્ડિયા-A: અજિંક્ય રહાણે (કેપ્ટન), ઋષભ પંત, સુરેશ રૈના, દીપક હુડા, ઈશાન કિશન (વિકેટકીપર), શેલ્ડન જેક્સન, વિજય શંકર, શાહબાઝ નદીમ, પરવેઝ રસુલ, વિનય કુમાર, પ્રદીપ સાંગ્વાન, અશોક ડિન્ડા.

ઈંગ્લેન્ડઃ ઈયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોની બેરસ્ટો, જેક બોલ, સેમ બિલિંગ્સ, જોસ બટલર (વિકેટકીપર), લિઆમ ડાઉસન, એલેક્સ હેલ્સ, લિઆમ પ્લન્કીટ, આદિલ રશીદ, જેસન રૉય, બેન સ્ટોક્સ, ડેવિડ વિલી અને ક્રિસ વોક્સ.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS