Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

હોંગ કોંગ – આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેવાનું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી જેની પર દબાણ થઈ રહ્યું છે એ પાક ટીમના કેપ્ટન મિસ્બાહ-ઉલ-હકે હોંગ કોંગ T20 બ્લિટ્ઝ સ્પર્ધામાં હોંગ કોંગ આઈલેન્ડ યૂનાઈટેડ ટીમ વતી રમતાં હન્ગ હોમ જેગ્વાર્સ ટીમ સામે સતત છ બોલમાં છ સિક્સર ફટકારી હતી.

મિસ્બાહ પર એના દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા દબાણ થઈ રહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ સામે આગામી ટેસ્ટ સિરીઝ શરૂ થાય એ પહેલાં તે નિવૃત્તિ લઈ લે. પરંતુ મિસ્બાહે એ દબાણને વશ ન થવાનું નક્કી કર્યું છે અને ટ્વેન્ટી-20 મેચમાં છ બોલમાં છ સિક્સ ફટકારીને પોતાની બેટિંગ તાકાતનો પરચો બતાવી દીદો છે.

42 વર્ષના મિસ્બાહની ટીમે 18.4 ઓવરમાં 6 વિકેટે 175 રન કર્યા હતા. ત્યારે બેટિંગ કરતા મિસ્બાહે ઈમરાન અરીફે ફેંકેલી 19મી ઓવરના છેલ્લા બે બોલમાં સિક્સર ફટકારી હતી.

ત્યારબાદ એશ્લે કેડ્ડીએ ફેંકેલી 20મી ઓવરમાં બીજા બોલમાં મિસ્બાહને ફરી રમવાનો મોકો મળ્યો હતો અને એણે ચાર સિક્સર અને એક બાઉન્ડરી ફટકારી હતી.

મિસ્બાહની બેટિંગના જોરે તેની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 216 રન કર્યા હતા. જેમાં મિસ્બાહ 37 બોલમાં 82 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. હરીફ ટીમ, 20 ઓવરમાં 8 વિકેટે 183 રન કરી શકી હતી અને 33 રનથી પરાજય થયો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતના ઓલરાઉન્ડર યુવરાજ સિંહે વર્લ્ડ T20 સ્પર્ધાની મેચમાં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં છ બોલમાં છ સિક્સ ફટકારી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS