Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બેંગલુરુ –  ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલી રમત છે, અને એમાં પણ ટી-20ની ટૂંકી ફોર્મેટમાં કોઈ પણ ટીમ ગમે ત્યારે બાજી પલટી શકે છે. જોકે આંકડાઓનું ગણિત અને માઈન્ડ ગેમ પણ પોતાનો ભાગ ભજવતી હોય છે. આજે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલ-10ની બીજી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ  અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે.

આજની મેચ જે ટીમ જીતશે એ 21મીના રવિવારે હૈદરાબાદમાં રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ફાઈનલ મેચમાં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ સામે રમશે. પહેલી ક્વોલિફાયર મેચમાં પુણે ટીમે રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ટીમને પરાજય આપ્યો હતો.

આજની મેચ પહેલાં અમુક રેકોર્ડ પર નજર કરીએ તો મુંબઈનું પલડું ભારે દેખાઈ રહ્યું છે.

મુંબઈ – કોલકાતા હેડ ટુ હેડ

IPLની વાત કરીએ તો અત્યાર સુધીમાં MI અને KKR વચ્ચે કુલ 20 મેચ રમાઈ છે. જેમાંથી 15માં મુબઈ ઈન્ડિયન્સનો વિજય થયો છે જ્યારે ફક્ત 5 મેચમાં KKRની જીત થઈ છે. જેથી કહી શકાય કે અંકગણિત મુંબઈના પક્ષમાં છે. IPLની છેલ્લા ત્રણ સિઝનની વાત કરીએ તો, વર્ષ 2015 પછી આ બન્ને ટીમ વચ્ચે કુલ 6 મેચ રમાઈ છે  જેમાં મુંબઈનો 5 મેચમાં વિજય થયો છે અને  KKR ફક્ત એક મેચ જીતવામાં સફળ રહ્યું છે.

KKRના કેપ્ટન ગંભીરનું ‘ગંભીર’ નિવેદન

જોકે આ બધી માઈન્ડ ગેમ વચ્ચે KKRના કેપ્ટન ગૌતમ ગંભીરે એક મહત્વનું નિવેદન કર્યું છે, જેમાં તેણે જણાવ્યું છે કે, ‘હું જાણું છું કે, મુંબઈ સામે અમારો રેકોર્ડ સારો નથી, પરંતુ અમે ઈતિહાસનું પુનરાવર્તન થતું અટકાવવા ચોક્કસ પ્રયાસ કરીશું’.

કેપ્ટનની ટક્કરમાં કોણ આગળ?

બંને કેપ્ટન પોતપોતાના નેતૃત્વમાં તેમની ટીમને બે-બે IPL ખિતાબ અપાવી ચૂક્યા છે. ગંભીરની કેપ્ટનશિપમાં કોલકાતાએ વર્ષ 2012 અને 2014 ખિતાબ મેળવ્યો હતો, જ્યારે રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈએ 2013 અને 2015માં ખિતાબ જીત્યો છે. આ ઉપરાંત મુંબઈએ વર્ષ 2011 અને 2013માં ચેમ્પિયન્સ લીગ ટી-20નો ખિતાબ પણ જીત્યો છે. વર્તમાન ફોર્મની વાત કરવામાં આવે તો અહીં ગંભીર રોહિત કરતાં ઘણો આગળ છે. ગંભીરે 15 મેચમાં 486 રન બનાવી સૌથી વધુ રન બનાવવાના મામલામાં બીજા નંબરે છે, જ્યારે રોહિત માટે વર્તમાન IPL સારી નથી રહી અને તે 15 મેચમાં માત્ર 283 રન બનાવી શક્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS