Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કોલંબો – ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ અહીં શ્રીલંકા સામે રમાતી બીજી ટેસ્ટ મેચમાં ગઈ કાલે પહેલા દિવસે સદી ફટકારીને પહેલા દાવમાં ભારતનો સ્કોર 3 વિકેટે 344 રને પહોંચાડીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી છે.

પૂજારા એની 50મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે અને એણે 13મી સદી ફટકારી છે તો રહાણેએ 9મી સદી ફટકારી છે. બંને વચ્ચે ગઈ કાલે દિવસની રમતના અંત સુધીમાં 211 રનની ભાગીદારી થઈચૂકી હતી.

પૂજારાએ અત્યાર સુધીમાં 225 બોલનો સામનો કરીને 128 રન ફટકાર્યા છે જેમાં 10 ચોગ્ગા અને એક છગ્ગો છે. સામે છેડે 39મી ટેસ્ટ મેચ રમતા રહાણેએ તેના 168 બોલના દાવમાં 12 ચોગ્ગા સાથે 103 રન કર્યા છે.

પૂજારા માટે ગઈ કાલનો દિવસ યાદગાર રહેશે. એણે શ્રીલંકા સામે સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારી અને સાથોસાથ એને અર્જૂન એવોર્ડ માટે નામાંકિત પણ કરવામાં આવ્યો છે.

પહેલા દાવમાં પહેલા દિવસે પડેલી ભારતની ત્રણ વિકેટ આ છેઃ શિખર ધવન (35), લોકેશ રાહુલ (57) અને કેપ્ટન વિરાટ કોહલી (13).

ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ જીતીને ભારત શ્રીલંકા પર 1-0ની સરસાઈ ધરાવે છે.

જો શ્રીલંકાની ટીમ કોઈ ચમત્કારિક દેખાવ નહીં કરે તો એની હાલત પહેલી ટેસ્ટ મેચની જેવી જ – પરાજયવાળી થશે.

ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે પૂજારા છેલ્લા એક વર્ષથી ભારતની ટેસ્ટ ટીમનો મહત્વનો બેટ્સમેન બની ગયો છે. ટીમની સફળતામાં એનું યોગદાન ઘણું રહ્યું છે.

ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલના પ્રમુખ ગાંગુલીએ નોંધ લીધી છે કે ભારતીય ટીમના વિદેશ પ્રવાસોમાં પૂજારા બેટિંગમાં ખાસ ઝળકતો હોય છે. એની રન-ભૂખ ગજબની છે. એને આટલા બધા રન કરતો જોવામાં આનંદ થાય છે. મારી શુભેચ્છા છે કે પૂજારા આવનારા સમયમાં પણ ઘણા બધાં રન કરે અને રન કરવાની ગતિ જાળવી રાખે.

કોલંબોમાં શ્રીલંકા સામે રમાતી બીજી ટેસ્ટ મેચના 3 ઓગસ્ટ, ગુરુવારે પહેલા દિવસે ભારતીય ટીમે પહેલા દાવમાં 3 વિકેટના ભોગે 344 રન કર્યા હતા. ચેતેશ્વર પૂજારા 128 રન અને અજિંક્ય રહાણે 103 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 211 રનની ભાગીદારી થઈ ચૂકી હતી. 3-મેચની સિરીઝમાં પહેલી ટેસ્ટ જીતીને ભારત 1-0થી સરસાઈમાં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS