Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાષ્ટ્રની રક્ષાની ફિકર કરવી, પ્રશંસા કરવી એ સારી વાત છે પણ તેને સક્રિય ભૂમિકાએ લઇ જઇ સુરક્ષા દળમાં પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપવાનું હોય ત્યારે ફક્ત ચિંતા અને વિચારો જ કામમાં નથી આવતાં, નૉલેજ એન્ડ ફિઝિકલ ફિટનેસ પણ જરુરી અંગ બની જાય છે. ભારત જેવો દેશ જ્યાં કેટલાક લોકો એમ પણ દ્રઢપણે માનતાં હોય કે સ્ત્રીએ તો ઘરખૂણે ઘરના કામો જ કરવામાં શોભા છે ત્યાં એવો વર્ગ પણ અસ્તિત્વ ઘરાવે છે કે જેઓ સ્ત્રીશક્તિના સર્વોચ્ચ સ્વીકાર સાથે માનભેર એવું સ્થાન આપે છે જ્યાં શૌર્યની તમામ સરહદો ભેગી મળી જતી હોય. ભારતના 68માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય સેનાની ત્રણેય પાંખમાં ભારતીય સ્રીશક્તિનો પરચમ લહેરાવનાર કેટલીક સન્નારીઓનો પરિચય આજના યુવા ટેલેન્ટમાં…

ભારતીય સેનામાં 1992 પછી સ્ત્રીઓને મહત્ત્વની પોસ્ટ  અને કામગીરી સોંપાવાનું શરુ થયું. જેમાં સબમરીનથી લઇ રણમેદાન સુધી તેની ભૂમિકા વિસ્તરી છે. ભારતીય સેનામાં જ્યાં દાયકાઓ સુધી પુરુષપ્રધાન વ્યવસ્થા અને ભૂમિકા રહી ત્યાં સ્ત્રીઓને કોમ્બેટ રોલ સોંપાયો તે નાનીસૂની ઘટના નથી પણ યુગપ્રવર્તક બાબત છે. ભારતીય સેનામાં સ્ત્રીઓની ભૂમિકા જ્યારે તીરછી નજરે વિચારાતી ત્યારેપણ કેટલીક એવી વીરાંગનાઓ છે જેમણે વર્ષો પહેલાં પોતાના સામર્થ્યનો ડંકો વગાડ્યો હતો. જેમાં સૌપ્રથમ સ્મરણીય છે પુનિતા અરોરા.

યુપીના સહારનપુરમાં, ભાગલા બાદ શરણાર્થી તરીકે આવેલાં પંજાબી ફેમિલીના પુનિતા એવાં પ્રથમ ભારતીય મહિલા છે જેમણે સેકેન્ડ હાઇએસ્ટ રેન્ક- લેફ્ટનન્ટ જનરલ ઓફ ઇન્ડિયન આર્મ્ડ ફોર્સીસનો હોદ્દો, તેમ જ વાઇસ એડમિરલ ઓફ ઇન્ડિયન નેવીનો હોદ્દો શોભાવ્યો છે.તેઓ આર્મ્ડ ફોર્સીસ મેડિકલ કોલેજના કમાન્ડન્ટ, એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વિસીસનો પદભાર પણ સંભાળી ચૂક્યાં છે.આર્મીમાંથી નેવીમાં એએફએમએસ તરીકે પણ ગયાં.

એવું એક ગૌરવશાળી નામ છે પદ્માવતી બંદોપાધ્યાય કે જેઓ પ્રથમ મહિલા ભારતીય વાયુસેના એર માર્શલ હતાં. તેઓ 1968માં આઇએએફ જોડાયા અને 1978માં સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ અભ્યાસક્રમ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બન્યાં. એટલું જ નહીં, તેઓ સૌપ્રથમ એવિએશન મેડિસિન સ્પેશિયાલિસ્ટ અધિકારી, પ્રથમ મહિલા ઉત્તર ધ્રુવ પર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરનાર,અને પ્રથમ મહિલા એર વાઇસ માર્શલ ક્રમ બઢતી મેળવનાર મહિલા છે. તેમની સૈન્ય કારકિર્દીમાં શિરમોર સમું સ્થાન તે 1971ના ભારત-પાક સંઘર્ષ દરમિયાન પ્રશંસાપાત્ર સેવા માટે વિશિષ્ટ સેવા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

લેફટનન્ટ કર્નલ સોફિયા કુરેશી એક એવું નામ છે જેમણે સૈન્યક્ષેત્રમાં રેર એવું ઐતિહાસિક સ્થાન મેળવ્યું છે. ભારતીય ભૂમિસેનમાં ફોર્સ 18માં સ્થાન મેળવનાર પ્રથમ મહિલા અધિકારી છે. આસિયાનની વૈશ્વિક ફિલ્ડ ટ્રેનિંગમાં જોડાનાર એકમાત્ર મહિલા સૈન્ય અધિકારી હતાં. 35 વર્ષીયાં સોફિયા પીસકીપિંગ ટ્રેઇનર તરીકે ભારતીય કોન્ટીજન્ટ તરીકે પણ માન મેળવી ચૂક્યાં છે.

લેફ્ટનન્ટ કર્નલ મિતાલી મધુમિતા માટે ફેબ્રુઆરી 2011 માં મળેલો શૌર્ય માટેનો સેના મેડલ એક અદભૂત શણગાર છે. જે મિતાલીને જમ્મુ-કાશ્મીર અને ઉત્તર સરહદની કામગીરી દરમિયાન અનુકરણીય હિંમત માટે અપાયો હતો.આ સન્માન મેળવનાર ભારતની પ્રથમ મહિલા અધિકારી બની ગયા.મધુમિતા કાબૂલમાં આર્મીના ઇંગ્લિશ ભાષા તાલીમ ટીમના અગ્રણી હતાં ત્યારે કાબૂલની ભારતીય એમ્બેસીમાં ફેબ્રુઆરી 2010માં આત્મઘાતી બૉમ્બરે હુમલો કર્યો હતો. સંકટની એ ઘડીઓમાં નિઃશસ્ત્ર હોવા છતાં 2 કિમી સુધી દોડી જઇ હુમલાના સ્થાને પહોંચનાર પ્રથમ અધિકારી હતા,અને આર્મી તાલીમ ટીમના 19 અધિકારીઓ જે કાટમાળમાં ફસાયાં હતાં તેમને એકલપંડે બહાર કાઢી હોસ્પિટલ લઇ ગયાં હતાં.

21 વર્ષની ઉંમરે 244 સ્પર્ધકોને પાછળ છોડીને બેસ્ટ ઓલરાઉન્ડ કેડેટનો ખિતાબ જીતનાર દિવ્યા અજીથકુમાર સ્વોર્ડ ઓફ ઑનર મેળવનાર પ્રથમ મહિલા હતાં. આ ખિતાબ હાંસલ કરવા માટે એકએવી મેરિટયાદીમાં સ્થાન મેળવવું પડે છે જેમાં પીટી, ઉચ્ચ પીટી પરીક્ષાઓ, તરણ કૌશલ્ય, ફિલ્ડ ટ્રેનિંગ,સેવાક્ષેત્રો,અવરોધ તાલીમ,કવાયતો, આંતરદેશીય બાબતો અનિવાર્યપણે જોવાતાં હોય છે.તમને યાદ હશે કે 2015ની પ્રજાસત્તાક પરેડમાં 154 મહિલા અધિકારીઓની કોન્ટિજન્ટ લઇને ચાલનાર કેપ્ટન દિવ્યા અજીથકુમાર હતાં.

ભારતીય સૈન્યના ઇતિહાસમાં જેમનું અવિચળ સ્થાન બન્યું છે તેવા પ્રિયા ઝિઘન ભારતીય સેનામાં 21 સપ્ટેમ્બર, 1992 ના રોજ,  001 તરીકે પ્રવેશ મેળવ્યો હતો એટલે કે- ભારતની સેનામાં જોડાનાર પ્રથમ મહિલા કેડેટ. કાયદા સ્નાતક, પ્રિયાને હંમેશા આર્મીમાં જોડાવાનું સપનું હતું. 1992માં પ્રિયાએ આર્મી ચીફને એક પત્ર લખ્યો હતો.તેના એક વર્ષ બાદ મહિલાઓને ભરતીમાં આવવાની મંજૂરી અપાઇ. પ્રિયા ઝિઘાન અને અન્ય 24 સ્ત્રીઓની પ્રથમ ભરતી થવા સાથે તેમનો સૈન્યપ્રવાસ શરુ થયો હતો. જ્યારે તેઓ નિવૃત્ત થયાં તો તેમણે જણાવ્યું હતું કે, “છેલ્લાં 10 વર્ષ એક સ્વપ્ન સમાન હતાં..”

આ ઉપરાંત ભારતીય સૈન્યમાં મહિલાઓના ઉત્તમ પ્રદાન વિશે પૂછવામાં આવે તો ગૌરવભેર જેમનું નામ લઇ શકાય એવી વીરાંગનાઓ છે જેમાં વાયુદળના સર્વપ્રથમ અધિકારી જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો તેવાં ફ્લાઇટ લેફ્ટનન્ટ નિવેદિતા ચૌધરી હતાં જેઓ રાજસ્થાનથી આ પ્રકારની ભૂમિકામાં દેખા દેનાર પ્રથમ મહિલા હતાં. ભારતીય સૈન્યમાં સર્વપ્રથમ ગોલ્ડ મેડલ મેળવનાર મહિલા અધિકારી તરીકે નામ દર્જ કરાવનાર અંજના ભાદોરિયા, આર્મી જવાનની શહીદી બાદ આર્મીમાં જ દેશસેવા માટે જોડાનાર જવાનની પત્ની પ્રિયા સેમવાલ, સેનાની હેલિકોપ્ટર એરોબેટિક ટીમ સારંગમાં જોડાનાર પ્રથમ આઈએએફ મહિલા અધિકારી દીપિકા મિશ્રા, નાથુલા પાસની 63 બ્રિગેડના કેપ્ટન સ્વાતિ સિંઘ, અપ્રતિમ શારીરિક ક્ષમતાની પરીક્ષાઓમાં કીર્તિમાન સ્થાપનાર સ્વર્ગસ્થ સપ્પર શાંતિ તિગ્ગા જેમણે 35 વર્ષની વયમાં બે બાળકની માતા બન્યાં બાદ જોઇન કર્યું હતું અને અનેક કીર્તિમાન રચ્યાં હતાં. આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ ગનેવી લાલજી, કારગિલ યુદ્ધ દરમિયાન વૉર ઝોનમાં ઉડ્ડયન કરનાર ફ્લાઈટ ઓફિસર ગૂંજન સક્સેના પણ જાણીતાં નામ છે જેમણે ભારતીય સ્ત્રીશક્તિના શૌર્યના અદભૂત દર્શન કરાવ્યાં છે. આ તમામ નામ સાથે એક અલગ પ્રકરણ આલેખાય તેમ છે અહીં સ્થળસંકોચના કારણે તેમના નામોલ્લેખ માત્ર છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS