Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કુદરત પણ ક્યારેક એવી ફાંકડી દેખાય છે કે જ્યાં ભણવા માટે ઉત્તમોત્તમ માહોલ હોય ત્યાં બાળકોને ભણવામાં દિલચશ્પી ન હોય ને જ્યાં સંસાધનોની ઉણપ હોય ત્યાં એવું તેજસ્વી બાળક હોય કે દુનિયાની ટોચની યુનિવર્સિટીઝ તેને પ્રવેશ આપવા આતુર હોય. એટલું જ નહીં, તેને ભણવા માટે બે કરોડ રુપિયા પણ આપે…!

હા હું વાત કરું છું લખનૌના લક્ષ્ય શર્માની, જે તાજેતરમાં તેની ટેલેન્ટને લઇને ખૂબ લાઇમલાઇટમાં આવી ગયો છે.

લખનૌના લક્ષ્ય શર્માને યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનિયાએ સો ટકા સ્કોલરશિપના રુપિયા 2 કરોડ આપી પોતાના એન્જીનિયરિંગ ઇન કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ ફીઝિક્સમાં એડમિશન આપ્યું છે. તમને જણાવું કે આ આઈવી લિગ યુનિવર્સિટી વિશ્વની શ્રેષ્ઠ આઠ યુનિવર્સિટીઝમાં સ્થાન ધરાવે છે. આ યુનિવર્સિટી દ્વારા લક્ષ્ય શર્માને એડમિશન ઉપરાંત ભણતરનો તમામ ખર્ચ અને અન્ય વ્યવસ્થા માટે રુપિયા બે કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. ઇટ સેલ્ફ અ અચીવમેન્ટ… એ નક્કી જ છે કે તેનો અભ્યાસ પૂર્ણ કરીને બહાર આવશે ત્યારે દેશનું નામ વધુ રોશન કરીને આવશે.

લક્ષ્યનું લક્ષ્યાંક પાર પડ્યું…

સ્વાભાવિક જ લક્ષ્યને પોતાની આ સફળતા માટે અત્યંત આનંદ છે. કહે છે, “આ સ્કોલરશિપ મેળવવાની લાગણી, તેમાંય વિશ્વની ટોચની મનાતી પેનસિલ્વેનિયા યુનિવર્સિટીથી મેળવવી  ખૂબ જ રોચક છે”

દેશના હજારો વિદ્યાર્થીઓની જેમ તેણે પણ રાજસ્થાનના કોટા શહેરના એક ટ્રેનિંગ સેન્ટરમાં પ્રવેશ મેળવી આઈઆઈટીમાં જવાની તૈયારી શરુ કરી હતી. પણ ટૂંકા સમયમાં જ લક્ષ્યે લક્ષ્ય બદલ્યું ને નક્કી કર્યું કે તે ફક્ત ભારતની જ નહીં, વિશ્વની ટોપમોસ્ટ યુનિવર્સિટીમાં ભણવાનો પ્રયત્ન શરુ કરશે. આમ નક્કી કર્યાં પછી સ્ટેપ બાય સ્ટેપ પોતાના પ્રોફાઇલ બિલ્ડિંગ સર કરવાનું શરુ કર્યું કે જેથી તેને અમેરિકાની ટોપ રેન્ક યુનિવર્સિટીમાં પ્રવેશ માટે મદદરુપ નીવડે. આ માટે તેના માર્ગદર્શક, સૂત્રધાર બન્યાં સંજીવ પાંડે. સંજીવ પાંડે લખનૌના ગોમતીનગરની સિટીમોન્ટેસરી સ્કૂલના હતાં. સંજીવ પાંડે પાસે લક્ષ્ય ધોરણ 10માં હતો, ત્યારથી એડમિશન પ્રક્રિયાની તૈયારીઓ માટે આવતો થઇ ગયો હતો. લક્ષ્યએ જણાવ્યું કે ‘એ મારું સારું નસીબ કે દસમા ધોરણથી જ હું સંજીવ સરના સંપર્કમાં આવ્યો. તેમણે જ મને USની યુનિવર્સિટીઝમાં એપ્લાય કરવાની સલાહ આપી, તેઓ મારા મેન્ટોર, ગાઇડ બની અને મારી દરેક તૈયારીમાં સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ માટે આગળ વધારતાં રહ્યાં. સ્પેશિયલી તેમણે મને અતિ કડકમાં કડક કહેવાય તેવી તાલીમ આપી અને જેના પરિણામે હું સફળ થયો છું.’

સફળતાની ગુરુચાવી…

લક્ષ્ય તેનું પોતાનું ભણવાનું અને એ સાથે વધારામાં અમેરિકાની યુનિવર્સિટીઝ માટે એપ્લિકેશન્સ પ્રોસેસ કરતો હતો. આ બંને વચ્ચે બેલેન્સ જાળવ્યું એ તેની સફળતાની ગુરુચાવી છે. લક્ષ્યનું કહેવું હતું કે આપણે ત્યાં કરતાં અમેરિકાની યુનિવર્સિટીઝ વધુ સાફલ્યવાદી અને લખાણની દ્રષ્ટિએ વધુ સઘન છે. મારે US યુનિવર્સિટીઝની એપ્લિકેશન પ્રોસેસની સાથેસાથે મારા ધોરણ 11 અને પછી 12ના ગ્રેડની ચિંતા કરવાની હતી. વળી જેઇઇ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત, ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડમાં ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડ-IJSO 2015 અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઓન એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફીઝિક્સ-IOAA 2016 માં પણ પરીક્ષાઓ આપતો રહ્યો હતો.

આટલું વાંચવામાં ઘણા હાંફી જાય ત્યાં આ 17 વર્ષના તેજસ્વી બાલુડાંએ સમયની યોગ્ય ફાળવણી દ્વારા ફાઇન બેલેન્સ જાળવ્યું ! ટાઇમ મેનેજમેન્ટ ઇઝ અ કી ટુ સકસેસ… અમથું નથી કહેવાયું.

વિશ્વખ્યાત સંસ્થા-પરીક્ષાઓમાં બન્યો અવ્વલ

ભણભણ કર્યું કે કંઇ મેડલ મળ્યો કે નહીં એમ પણ કોઇને થાય તો લક્ષ્યની આ સિદ્ધિ પણ, સ્વાભાવિક જ છે. 2015માં IJSO ગોલ્ડ મેડલ, IOAA નો 2015નો બ્રોન્ઝ મેડલ લઇ લીધો છે. તેમ જ કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના જેને KVPY કહેવાય છે તેમાં ઓલ ઇન્ડિયા રેન્કમાં 13 રેન્ક મેળવ્યો છે. ઉપરાંત, ACT જેવી સ્ટાડન્ડર્ડાઇ્ઝ પરીક્ષામાં ફુલ સ્કોર પ્રાપ્ત કર્યો છે.  તેમ જ ત્રણેત્રણ SAT સબ્જેક્ટ ટેસ્ટ પાસ. લક્ષ્યએ તેમાં ફીઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ-II માં પરફેક્ટ 800 માર્ક મેળવ્યાં છે. ACTમાં કોમ્પોસિટ સ્કોર 36માંથી 35 અને ટોફેલમાં સ્કોર છે. 120માંથી 115. ત્રણેત્રણ AP પરીક્ષાઓમાં પણ સફળતા મેળવી છે.

વિશ્વને આપી રત્નની ભેટઃ ગુરુના શબ્દ

આટલું બધું કર્યું હોય લક્ષ્યએ, પછી તેના ગુરુ સંજીવ પાંડેના આ શબ્દો કેવાં યથાર્થ લાગે… અમને ગૌરવ છે કે અમે તેને ઓળખ્યો, તૈયાર કર્યો અને ચમકાવીને વિશ્વને રત્નની ભેટ આપી છે. લક્ષ્યએ વિશ્વના શ્રેષ્ઠ બુદ્ધિશાળીઓની સ્પર્ધામાં સફળતા મેળવીને પોતાની ક્ષમતા સિદ્ધ કરી જ લીધી છે.

લક્ષ્યની આંતરિક નજર જાણે બાળપણથી જ આકાશ ભણી હતી. નાનપણથી જ તેને તારાઓને સતત નિહાળવાનો જબરો આનંદ આવતો. તેનું આ આકર્ષણ વર્ષો જતાં પેશન બની ગયું છે. લક્ષ્ય કહે છે, મને ગેલેક્સીનો સુંદર નજારો જોવાનું ખૂબ ગમે છે. મારા ટેલિસ્કોપમાંથી ખાસ કરીને ઓરિઅન નેબ્યુલા તેના ગોસ્મર ટેન્ડ્રીલ્સ અને આબેહૂબ રંગો સાથે નિહાળવી અદભૂત લાગે છે.”

આ છે લક્ષ્યના રીફ્રેશમેન્ટ ઓપ્શન્સ…

લક્ષ્ય ચોપડાઓમાંથી માથું જ ઊંચુ નહીં કરી શકતો હોય એવું કહો તો એ પણ ખોટું પડે. લક્ષ્ય  સિન્થેસાઇઝર ખૂબ જ સરસ વગાડે છે અને ક્વીઝ કોમ્પિટિશન્સમાં ભાગ લેવાની પણ એવી જ મઝા લે છે. રીલેક્સ અને રીફ્રેશ થવા માટે સિન્થેસાઇઝર વગાડે છે. જેમાં કીબોર્ડ પર બોલિવૂડ સોન્ગ્ઝ વગાડવાં ગમે છે. ઉપરાંત ક્વીઝ કોમ્પિટિશનમાં ભાગ લઇને પોતાની વૈજ્ઞાનિક વૃત્તિને સંતોષવા સાથે ઝડપ મેળવે છે. તેમાં પણ જેમ અઘરી ક્વીઝ તેમ તેને વધુ એન્જોયમેન્ટ મળે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS