Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

માર્ચ માસની શરુઆત થાય એટલે સ્વાભાવિક જ મહિલા દિવસની ઉજવણીના આયોજનો થઈ રહ્યાં છે ત્યારે ભારતની કેડી કંડારનાર નારીરત્નોમાંના એક અન્ના રાજમને ઓળખીએ યુવા ટેલેન્ટમાં..
આપણે ભારતની પ્રથમ મહિલા આઈપીએસ કોણ તેનું નામ અવશ્ય જાણીએ છીએ ખરુંને…પણ શું તમે એ નામ કહી શકશો જે ભારતની પ્રથમ મહિલા આઈએએસ હતાં…! એ યુગની આ ઘટના છે જ્યારે યુવતીઓ સિવિલ સર્વિસમાં જવાનો કોઇ પ્રયત્ન જ નહોતી કરતી ત્યારે લિંગ સમાનતાના કોઇ શોરબકોર વિના પણ અન્ના રાજમ મલહોત્રા મેદાનમાં આવ્યાં હતાં અને અઢળક અડચણોને પાર કરી સફળ આઈએએસ નીવડ્યાં હતાં. અન્ના રાજમ પ્રથમ આઈએએસ જ નહીં, ભારતમાં સૌપ્રથમ કેન્દ્રીય સચીવપદ શોભાવનાર મહિલા પણ હતાં.
17 જુલાઈ 1927ના રોજ  કેરળના નિરાનમ ગામના ઓ એ જ્યોર્જ અને અન્ના પોલના સંસારમાં તેમનો જન્મ. અન્ના રાજમના નાના પાઇલો પોલ મલયાલમ ભાષાના જાણીતાં લેખક હતાં. અન્ના રાજ્મ કાલિકટમાં મોટાં થયાં અને પ્રોવિડન્સ વુમન્સ કોલેજથી ઇન્ટરમિડિયેટ પાસ કરી મલાબાર ક્રિશ્ર્ચિયન કોલેજમાંથી બેચલર કર્યું અને મદ્રાસ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી કરી.

અન્ના રાજમે સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો 1950માં, અને ઇન્ટરવ્યૂમાં ક્વોલિફાઇ થઇ ગયાં. ત્યાં સુધી તેમને એવી ખબર ન હતી કે તેઓ એકમાત્ર અને પ્રથમ મહિલા ઉમેદવાર છે. 1951માં જ્યારે સિવિલ સર્વિસીસના ઇન્ટરવ્યૂના બીજા રાઉન્ડમાં પેનલની સમક્ષ ઉપસ્થિત થયાં ત્યારે તેમને હતોત્સાહ કરવામાં આવ્યાં હતાં કેમ કે ઇન્ટરવ્યૂ પેનલનું માનવું હતું કે આઈએએસનું પદ મહિલા માટે નથી. આ પેનલમાં ચાર આઈસીએસ અધિકારી હતાં અને તેની અધ્યક્ષતા કરતાં હતાં યુપીએસસી ચેરમેન આર એન બેનર્જી. શૂટેબલ ફોર વુમનના ટેગ સાથે અન્ના રાજમને ફોરેન સર્વિસીસ અને સેન્ટ્રલ સર્વિસીસ ઓફર કરવામાં આવી. પણ અન્ના રાજમે સતત પોતાનો પક્ષ મજબૂત કરતાં તર્કબદ્ધ દલીલ પેશ કરી ત્યારે તેમના રેન્કિંગ મુજબ આઈએએસ કેડર આપવામાં આવી અને ભારતના ઇતિહાસમાં પ્રથમવાર બનેલ એપોઇન્ટમેન્ટ લેટરમાં શર્ત મૂકવામાં આવી હતીઃ ઇન ધ ઇવેન્ટ ઓફ મેરિજ યોર સર્વિસ વીલ બી ટર્મિનેટેડ….વર્ષો બાદ આ કાયદો બદલાયો હતો. આ રીતે મળ્યાં હતાં ભારતના સૌપ્રથમ આઈએએસ મહિલા અધિકારી..

તેમના માટે ખરાખરીનો જંગ હવે શરુ થતો હતો. મદ્રાસ રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન જેના હાથ નીચે અન્ના રાજમે કામ કરવાનું હતું તે હતાં સી રાજગોપાલાચારી, જેઓ પબ્લિસ સર્વિસીસમાં મહિલાઓના પ્રવેશ પ્રત્યે સૈદ્ધાંતિક વિરોધની લાગણી ધરાવતાં હતાં. અધૂરાંમાં પૂરું તેમને અન્ય અધિકારીઓ તરફથી ભંભેરણી પણ થઈ કે એક મહિલા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં કામ નહીં કરી શકે, એટલે ડિસ્ટ્રિક્ટ સબ ક્લેક્ટરના આધિકારીક પદને બદલે અન્ના રાજમને સેક્રેટેરિયેટ ઓફિસ સોંપવામાં આવી. પણ અન્ના રાજન જેનું નામ…હોર્સ રાઇડિંગ, રાઇફલ, રીવોલ્વર શૂટિંગ કૌશલ્ય અને મેજેસ્ટેરિયલ સત્તાની ખાસિયતોની તાલીમમાંથી પસાર થઇને એ બરાબર જાણી ગયાં હતાં કે તેમના મેલ કાઉન્ટરપાર્ટ્સ કરતાં બધી રીતે તેમનો દેખાવ સર્વશ્રેષ્ઠ હતો. ફરીથી તેમણે પોતાનો પક્ષ રાખ્યો અને પોતાને સાબિત કરવાની હોડ બકી કે તેઓ આઈએએસ અધિકારી તરીકે ગમે તે સંજોગોને અન્ય પુરુષ અધિકારીઓની જેમ સંભાળી શકવા સક્ષમ છે. આખરે સરકારે ઝૂકવું પડ્યું અને તેમને હોસૂર જિલ્લાના સબ કલેક્ટર પદે નીમ્યાં..આ હતી અન્ના રાજમની પ્રથમ આઈએએસ અધિકારી તરીકેની ઓફિસ…

જોકે પદ સંભાળી લેવા માત્રથી બધું આસાન ન હતું બન્યું. ઘણા વર્ષો સુધી તેમને મહિલા તરીકે પુરુષવાદી માનસિકતાનો સામનો કરવો પડ્યો. મહિલા આઈએએસ તરીકેના પ્રારંભિક દિવસોમાં તેમને અજબગજબ અનુભવ થતાં તેમાંનો એક તેમને યાદ રહી ગયો છે કે જ્યારે તેઓ ઘોડા પર બેસીને હોસૂર જિલ્લાના નાનકડાં ગામમાં ગયાં ત્યારે મહિલાઓ તેમને મળવા માગે છે તેમ જણાવાયું. અન્ના તેમને મળ્યાં તો મહિલાઓ તેમને આસપાસ ઘેરીને ઊભી રહી ગઇ અને એક વૃદ્ધાએ નિસાસો નાંખીને કહ્યું કે આ તો આપણી જેવી દેખાતી મહિલા છે. અન્ના રાજમને આ ઘટનાથી જાણે અહેસાસ થયો કે લોકો મહિલા અધિકારી પાસેથી કંઇક વિશેષની અપેક્ષા ધરાવતાં હોય છે.

અન્ના રાજમને વહીવટીય કામોમાં નકારાત્મક અભિપ્રાયો આપતાં પુરુષ કર્મચારીઓ, મહિલા તરીકે કરેલાં હૂકમોનો અનાદર જેવી બાબતોનો સામનો કરવો પડતો.પણ અન્ના દરેક મહિલાવિરોધી માનસિકતાનો અડગપણે સામનો કરતાં રહ્યાં, કેડી કંડારતાં રહ્યાં. સ્વભાવે મૃદુ એવા અન્ના રાજમને પુરુષો સામે મોરચો નહોતો માંડવો, પરંતુ પરંપરાગત માનસિકતાના પિંજરાને તોડવામાં રસ હતો અને એ કાર્ય તેમણે પોતાના સક્ષમ કાર્યો થકી સાબિત કરતાં રહ્યાં. તેમની સફળતાનું પ્રતિબિંબ ત્યાં દેખાય છે કે જે રાજગોપાલાચારીએ તેમને અટકાવ્યાં હતાં તેમણે જ પોતાના ઓફિશિયલ રીપોર્ટમાં અન્નાને એપ્રિશિયેટ કર્યાં હતાં એટલું જ નહીં ત્રિચિનાપલ્લીની એક જાહેર મીટિંગમાં અન્ના રાજમને ભારતની પ્રગતિશીલ મહિલા તરીકે પ્રસ્તુત કર્યાં હતાં. આ મહિલા આઈએએસ અધિકારીની મોટી સફળતા જ હતી. તો જે યુપીએસસી ચેરમેને મહિલા હોવાના નાતે અન્ના રાજમને અન્ય કેડર આપી હતી તેમણે જ અન્ના રાજમની પ્રશાસકીય કુશળતાની નોંધ લઇને કહ્યું હતું કે મને કારણ મળ્યું છે કે આ સેવાઓમાં વધુને વધુ મહિલાઓને રીક્રૂટ કરું. અત્યંત સરળ અને નિરાભિમાની અન્ના રાજમે જોકે પોતાને ક્રાઇટેરિયા બનાવવાનો ઇનકાર કરતાં કહ્યું કે મહિલા અધિકારીઓની ભરતી માટે મેરિટને અગ્રતા અપાય, પોતાને ક્રાઇટેરિયા રુપે રાખવાથી અન્ય મહિલાને આ સેવામાં આવતી રોકવાનો ભય છે. અન્ના રાજમ સ્પષ્ટપણે માને છે કે મહિલાઓએ તેમના મેરિટ થકી જ અને યોગ્ય તક મારફતે જ પોતાની ક્ષમતા સિદ્ધ કરવી જોઇએ. પોતાના અધિકારીઓ જ નહીં, જનતા અને સહકર્મીઓમાં પણ અન્ના રાજમે પોતાની ગુણવત્તા થકી માગ મૂકાવી તે તેમની અપ્રતિમ સફળતા છે.

વર્ષોના વહાણાં વીતવા સાથે તેમણે સાત મુખ્યપ્રધાન સાથે કામ કર્યું. 1982ના એશિયાડ પ્રોજેક્ટને રાજીવ ગાંધીની સાથે સંભાળ્યો હતો. ઇન્દિરા ગાંધી સાથે તેમનો નાનકડો કાર્યકાળ રહ્યો પણ તે કૃષિક્ષેત્રના ઇનપુટ આપનાર તરીકે ઇન્દિરા ગાંધીના આઠ રાજ્યોના પ્રવાસ દરમિયાનની કામગીરીની નોંધરુપ બન્યો. ખાદ્ય ઉત્પાદન એ સમયે અતિ નીચલા સ્તરે હતું ત્યારે પરિસ્થિતિનો અંદાજો લઇ નવા ફેરફાર અમલમાં લાવવા માટે દેશ માટે નિર્ણાયક ભૂમિકા હતી. આ પ્રવાસ અન્ના રાજમને હાથે ફ્રેકચર થયું હતું એ સ્થિતિમાં પાર પાડ્યો હતો.
અન્ના રાજમને આઈએએસ બનવા મેરેજ નહીં કરવાનો કાયદો હતો ત્યારે શરુ કરેલી સર્વિસ રુલ તેમને યાદ હતો. જેથી બદલાવ બાદ,ઘણાં મોડાં તેમના લાંબા સમયના મિત્ર અને બેચમેટ તથા આરબીઆઈ ગવર્નર તરીકે નિમણૂક પામી ભારત પરત આવેલા આર એન મલહોત્રા સાથે તેમણે લગ્ન કર્યાં હતાં.

અન્ના રાજમની અનેકાનેક સિદ્ધિઓના શિરમોર સમું તેમનું કામ જાણવું હજુ બાકી છે. 70ના દાયકામાં દેશમાં બંદરોના વિકાસની વાતો હવામાં હતી અને નવા બંદરો વિકસાવવા સરકારને માટે પ્રાથમિકતા બની રહી હતી. બોમ્બે પોર્ટ તમામ કામકાજ સંભાળવામાં ઓછું પડતું હતું ત્યારે સરકારે ન્હાવા શેવા નામના ટાપુને બંદર તરીકે વિકસાવવા નિર્ણય લીધો હતો અને ભારતના પ્રથમ કન્ટેઇનર પોર્ટ ન્હાવા શેવા પ્રોજેક્ટનો ભાર પ્રથમ આઈએએસ અધિકારી અન્ના રાજમે લઇ લીધો હતો. ટાપુની સપાટ જમીન પર સવારના સાત વાગે બોટમાં બેસી આવી જતાં અન્ના રાજમ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી આ પ્રોજેક્ટની તરતપાસ કરવા આવતાં તેમને વિઝિટ કરાવતાં. એટલું જ નહીં અન્ના રાજમ તેમને માટે ભોજનની પણ વ્યવસ્થા કરતાં.

1989માં મે માસમાં ન્હાવા શેવા દેશનું પ્રથમ ગ્રીન ફિલ્ડ પોર્ટ તરીકે ખુલ્લું મૂકાયું. આ સિદ્ધિએ તેમને પદ્મભૂષણ એવોર્ડ પણ જીતાડી આપ્યો હતો. તેમની પથદર્શક તરીકેની ભૂમિકા છતાં અન્ના રાજમ તો પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ કામગીરી દેશના દૂરદરાજના ગામડાઓના લોકો સાથે ગાળેલ દિવસોને જ ગણે છે.

અન્ના રાજમ મલહોત્રા જેવી શખ્શિયત ભાગ્યેજ જોવા મળે, જાણવા મળે એટલા લો પ્રોફાઇલ તેઓ રહ્યાં છે. આઈએએસ અધિકારીના દોરદમામ સાથે નહીં પણ સાચેસાચ સિવિલ સર્વન્ટ તરીકે તેમનાં જેવાં અધિકારીઓ મહાભાગ્યે મળે.પરિશ્રમી અને લોહીના કણકણથી પ્રામાણિક એવાં આ સન્નારી એવું જીવન જીવ્યાં કે જે તેમના કાળની મહિલાઓને નસીબ ન હતું. તેમનું નામ સિવિલ સર્વિસીઝમાં આવતી તેમના પછીની પેઢીની યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ગયું હતું. દરેક પડકારોને ઝીલીને પાર પડનાર આ પ્રબળાં ઉદાહરણીય પ્રથમ ભારતીય મહિલા આઈએએસ ઓફિસર અન્ના રાજમે કરેલી દેશસેવાને મહિલા દિવસ નિમિત્તે યાદ કરતાં અવશ્ય ગૌરવ અનુભવાય….


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS