Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ફળતાને કરોડો રુપિયાની સંપત્તિ તરીકે જોઇ હોય તો એકવાત જરુર નોંધી હશે કે તેવી સફળતા પામનાર વ્યક્તિવિશેષોમાં એકવાત સમાનપણે જોવા મળશે. ગમે તેવા સંજોગોમાં હાર નહીં માનવાનું ટેમ્પરામેન્ટ અને કોઇ ક્ષેત્રમાં તેમની ધાર કાઢેલી પ્રતિભા..પરિશ્રમનો પરસેવો વહાવવામાં પણ આ વ્યક્તિઓ કદી પાછી પાની કરતી નથી. હાશ કરીને બેસવું તેમના સ્વભાવમાં હોતું નથી.. હવે કહો… આમ હોય તો નસીબ પણ એક તક તો આપે જ ને કે સપનાં સાકાર થાય. એ સ્વપ્ન પ્રજ્ઞાચક્ષુના હોય તો તેમાં સંઘર્ષનું જોમ કેટલું વધી જાય તે અનુભવવું સંવેદનાનો વિષય છે. સંવેદના અને સફળતાની આ સાફલ્યકથાના મુખ્યપાત્ર એવા ભાવેશ ભાટીયા આજના યુવા ટેલેન્ટમાં…

પ્રાથમિક અનુભવ બિઝનેસમાં પ્રિન્સિપલ ગાઈડન્સ બન્યો

ભાવેશ ભાટીયા જન્મજાત અંધ ન હતાં. પરંતુ રેટીના મસ્ક્યૂલર ડીટેરિઓરેશન નામના રોગના કારણે દ્રષ્ટિમાંદ્યતા ધરાવતાં હતાં, જે વય વધતાં સંપૂર્ણ અંધતા લાવે છે. તેનાથી પીડિત હતાં. જ્યારે 23-24 વર્ષે તેઓ સંપૂર્ણપણે અંધ બની ગયાં ત્યારે તેમના જીવનમાં આવનાર અંધકારની સાથે નિરાશાસભર જીવન પણ શરુ થઇ ગયું હતું. આમ બન્યું એ સમયે તેઓ એક હોટેલમાં મસાજર તરીકે કામ કરી રહ્યાં હતાં. અને અંતિમકક્ષાએ કેન્સરગ્રસ્ત માતાની સારવારની જોગવાઇમાં હતાં. માતાને બચાવવી ભાવેશ માટે પ્રાણથી પણ અધિકની જરુરિયાત જેવું હતું. કારણ કે એ જ તેમના જીવનનો આધારસ્થંભ હતી. ઘોર અંધકારભર્યાં જીવનમાં તેઓ જ જીવવા માટેનો આધાર હતાં. 48 વર્ષના ભાવેશ સંસ્મરણ યાદ કરે છેઃ  ‘હું શાળામાં અન્ય વિદ્યાર્થીઓની મજાકનું પાત્ર બનતો રહેતો. દરેક દિવસે ઘેર પાછો આવી માને કહેતો કે હું બીજે દિવસે શાળાએ નહીં જઉં. બધાં મને આંધળો છોકરો કહેતાં તે સહન ન થતું. મારાં માતા કોઇ જબરદસ્તી કર્યાં વિના કે મારી માગણીઓને ઠુકરાવ્યાં વિના મારા માથામાં હાથ ફેરવી કહેતાં કે એ બાળકો ક્રૂર નથી. તેઓ મારા મિત્ર બનવા માગે છે પણ મારા જુદાંપણાંને લીધે મને રીજેક્ટ કરે છે. તને ચીઢવીને તારું ધ્યાન આકર્ષિત કરવા માગે છે. હું તેમની આ વાત માની ન શકતો પરંતુ બીજા દિવસે મને ચીઢવનાર બાળકો જે વ્યવહારને લાયક હતાં તેને બદલે તેમને મારી મિત્રતાની ઓફર કરતો એમ તેમની વાત માનવાથી મને આજીવન મિત્રો મળ્યાં. જીવનનો આ પ્રાથમિક અનુભવ મને લાગે છે કે બિઝનેસમાં પણ પ્રિન્સિપલ ગાઇડન્સ બન્યો. મારી ગરીબી અને અંધત્વએ મારામાં પડકાર ઝીલવાની પુષ્કળ તકો ખડી કરી દીધી. પરંતુ દરેક વખતે મારા માતાએ શીખવેલાં ડહાપણે યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પૂરી પાડી’.

ભાવેશ ચંદુભાઇ ભાટીયા ‘સનરાઇઝ કેન્ડલ્સ’ના માલિક તરીકે આજે દેશવિદેશમાં  કરોડો રુપિયાનો બિઝનેસ ધરાવે છે, રાષ્ટ્રપતિના હસ્તે સન્માન સહિત અનેક સન્માનપત્રો અને શિલ્ડ તેમના ઘરની શોભા વધારી રહ્યાં છે, અનેક અખબારો-ચેનલોમાં તેમની સાફલ્યકથા આવી છે અને આવતી રહે છે. પરંતુ આ તમામમાં નિરાશાના ઘોર અંધકારમાંથી પોતાની ટેલેન્ટ અને ધૈર્યના ગુણોએ બદલેલી જિંદગીની શકલ જ મુખર બની રહે છે. કારણ કે બધું તેમના પોતાના જીવનના અનુભવોમાંથી પ્રાપ્ત થયું છે.

માતાની ચિરવિદાય ભાવેશ સાથે મોટો અન્યાય

એકતરફ આંખોની રોશની હંમેશ માટે બૂઝાઇ રહી હતી અને બીજી તરફ માતાને ગુમાવવાના સંજોગોએ તેમને તોડી નાંખ્યા હતાં. તેમને નોકરીમાંથી કાઢી મૂકાયાં. ગેસ્ટ હાઉસમાં કેરટેકર પિતાની નાનકડી કમાણી માતાની સારવારમાં હોમાઇ ગઇ હતી. જીવન ટકાવવાની કપરી સ્થિતિમાં તેઓ માતાને એવું કશું ન આપી શક્યાં જેની તેમને જરુર હતી. માતાનો જીવનદીપ ઝડપથી બૂઝાઇ ગયો. ભાવેશ માટે માતા વિના સામાન્ય રોજિંદું જીવન ગુજારવું પણ જાણે અસંભવ જેવું બની ગયું. બાળપણથી જ ખડકની જેમ મુશ્કેલીઓની સામે ઊભી રહેલી માતાની ઓથ સરી જતાં ભાવેશ લગભગ દિશાશૂન્ય બની ગયાં હતાં. પોતે એવી સફળતાને ઇચ્છતાં હતાં કે જે માતાની જિંદગી સુખચેનથી ભરી દે. પોતાને પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસ સુધી દોરી જનાર માતાને પોતે કંઇ આપી શકે તે પહેલાં માતાની ચિરવિદાયથી ભાવેશને લાગ્યું કે આખી દુનિયામાં આવો મોટો અન્યાય કોઇની સાથે નહીં થયો હોય.

‘એવું કર કે દુનિયા તારા તરફ જુએ’

એકસાથે આંખો, માતા અને જોબ ગુમાવનાર ભાવેશને અતિનિરાશાની સ્થિતિમાં, માતાના શબ્દોના સહારે કંઇક સારું થશેની રાહમાં ટકી જવામાં માતાની શીખામણના આ શબ્દો યાદ આવતાં… ‘શું થયું જો તું જગતને નથી નિહાળી શકતો, એવું કર કે દુનિયા તારા તરફ જુએ’… ખુદની દયામાં પડી જવાના બદલે ભાવેશે એવી શોધ આરંભી કે હું શું કરી શકું તો દુનિયા મને જુએ. આ મનોમંથનમાં બાળપણથી લાગેલો એક શોખ નજરે ચડ્યો. કહે છેઃ ‘પહેલેથી મારા હાથે કંઇક બનાવતાં રહેવાનો શોખ હતો. પતંગ, માટીના રમકડાં અને આંગળીઓ જે કંઇ બનાવી શકે તેવું ઘણું બધું. મેં કેન્ડલ મેકિંગમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું કારણ કે તે મારા સેન્સ ઓફ શેપિંગ એન્ડ સ્મેલને અનુકૂળ હતું, અને તેનાથી પણ વધુ આકર્ષિત કરતું પાસું એ હતું કે તે પ્રકાશ પાથરે છે. સ્વાભાવિક જ અંધ તરીકે મને પ્રકાશનું આકર્ષણ હોય.’

મને જે ગમે છે તે હું કરી રહ્યો હતો…

ધગધગતી મનોકામના તો હતી પણ એમ કંઇ બધું સરળ થોડું થઈ જાય છે ? તેની પાસે કોઇ રીસોર્સ ન હતાં. પરંતુ સમજણ પડી કે શરુઆત કેવી રીતે કરવી. તેણે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ, મુંબઇમાંથી 1999માં કેન્ડલ મેકિંગની અને મસાજની તાલીમ લીધી. ત્યાં સાદી મીણબત્તી કેવી રીતે બનાવવી તે શીખી લીધું. એ અનુભવ ભાવેશ યાદ કરે છેઃ ‘મારે રંગો, સુગંધ અને આકાર સાથે ખેલવું હતું, પરંતુ ડાઇઝ અને સેન્ટ ખરીદવા મારા બજેટની બહારની વાત હતી. ત્યારે આખી રાત જાગીને મારા હાથે મીણબત્તીઓ બનાવતો અને બીજા દિવસે મહાબળેશ્વરના હોલી ક્રોસ ચર્ચ પાસેના લોકલ માર્કેટના ખૂણે જઇને,  મિત્ર પાસેથી દિવસના 50 રુપિયાના ભાડે લીધેલી લારીમાં વેચતો. જે વેચાતી તેમાંથી પચીસ રુપિયા બીજા દિવસની મીણબત્તી બનાવવા માટેનો સામાન ખરીદવા એકબાજુ મૂકી દેવાના થતાં. જીવન ટકાવવાનો એ સમયગાળો અત્યંત એકાંકી અને ભાંગી નાખનારો હતો. તેમાં એક જ વાત સંતોષ પમાડતી કે મને જે ગમે છે તે હું કરી રહ્યો હતો.’

લાઈટ ઓફ માય લાઈફ

અને આખરે એ ક્ષણ તેના જીવનમાં આવી ગઇ જેનો તેને ઇતેંઝાર હતો. એ તકનું મળવું સાવ સામાન્ય હતું. શરુઆત ત્યારે થઇ જ્યારે મુંબઇ ભાયંદરની એક યુવતી મહાબળેશ્વર ફરવા આવી હતી અને તેની લારીમાંથી કેટલીક મીણબત્તી ખરીદી. પ્રજ્ઞાચક્ષુ ભાવેશ તેને જોઇ તો શકવાનો હતો નહીં પરંતુ એ યુવતીના મધુર હાસ્ય અને સૌહાર્દપૂર્ણ વ્યવહારની નોંધ લીધી. એ મુલાકાતમાં જ તેમની વાતચીત કલાકો સુધી ચાલી. જાણે પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ જાગી ગયો હોય. તેમનું કનેક્શન આત્માથી આત્માનું બની ગયું હતું. થોડીક મુલાકાતોમાં બંનેને મેરેજ કરવાનો વિચાર આવી ગયો અને નીતાએ મેરેજ પ્રપોઝલ મૂકી. એ સાથે પોતાના પરિવારને પણ કહ્યું કે તે ભાવેશ સાથે લગ્ન કરશે. સ્વાભાવિક જ કયો પરિવાર ઇચ્છે કે નિર્ધન, લારી પર મીણબત્તી વેચતાં પ્રજ્ઞાચક્ષુ યુવકને પોતાની લાડલી પરણે… ખૂબ વિરોધ થયો પણ નીતા એકની બે ના થઇ અને એક નાનકડાં રુમના ઘરમાં ભાવેશ સાથે જિંદગી વીતાવવા આવી પણ ગઇ. નીતા  આશાવાદી યુવતી હતી. તે જોતી કે  ભાવેશ પાસે નવાં કન્ટેનર લાવવાના પૈસા ન હતાં એટલે જે વાસણોમાં રસોઇ થતી તેમાં જ રાત્રે મીણ ઓગાળતો.  નીતા એક ટુ વ્હીલર લઇ આવી અને પોતાના પતિએ બનાવેલી મીણબત્તીઓ સાથે આખા મહાબળેશ્વરમાં ફેરવતી. તેમના સંજોગોમાં સુધારો થયો તેમ નીતા ફોરવ્હીલર શીખી અને વાન લાવી મોટા જથ્થામાં બનવા લાગેલી મીણબત્તીઓને વેચવા નીકળતી. હવે ભાવેશ એને લાઇટ ઓફ માય લાઇફ ન કહે તો બીજું શું કહે…!

નીતાના આવી જવાથી ભાવેશ માટે કંઇ બધું એકાએક સરળ થઇ નહોતું ગયું, પણ હવે તેનો બોજ વહેંચાઈ જતો હતો. આંખે દેખતાં લોકો માની નહોતાં શકતાં કે એક પ્રજ્ઞાચક્ષુ પોતાના પગ પર ઊભો હતો. કેટલાક હૈયાના બળેલાં લોકો તેની લારીમાંથી મીણબત્તીઓ ગટરમાં ફેંકી દેતાં હતાં. કોઇની કંઇ મદદ માગતો તો તેના મોં પર લોકો શબ્દોના ઝેરીલાં તીર ફેંકતા કે તું તો આંધળો છે તું શું સારું કરી શકવાનો… તેણે પ્રોફેશનલ કેન્ડલ મેકર્સનું માર્ગદર્શન મેળવવા પ્રયત્ન કર્યો પણ કોઇ મદદમાં આવ્યું નહીં. લોનપેપર્સને તરત જ રીજેક્ટ કરી દેવાતાં, નાણાંની મદદની માગણી તો ઠીક, બીજી કોઇ વિનંતી કરતો’ તો પણ નિષ્ઠુર વ્યવહાર સાથે ઠુકરાવી દેવાતી. ભાવેશને પ્રોફેશનલ એક્સપર્ટ પાસેથી કેન્ડલ ઉત્પાદન માટે જાણવું હતું પરંતુ જવાબમાં સામે મજાક અને ઠપકો મળતાં.

સૌ પહેલી લોન મળી રૂપિયા પંદર હજારની

હવે ભાવેશે શું કર્યું… જાણે હવે પોતાની સફળતા સ્વબળે મેળવી એમ ગૌરવપૂર્ણ સ્વરે કહી શકે તેવી સફળતાના રાહ પર નિયતિ પરિશ્રમનો હાથ ઝાલીને લઇ જઇ રહી હતી. ભાવેશ કહે છેઃ હું મારી પત્ની નીતા સાથે મોલ્સમાં જતો અને જુદીજુદી જાતની વધુ પડતાં ભાવે વેચાતી મીણબત્તીઓ સ્પર્શતો, મહેસૂસ કરતો. બજારમાં મીણબત્તી વેપારમાં જે અનુભવ્યું તેણે જાણે મારી ટેલેન્ટને પ્રજ્વલિત કરી મૂકી અને ક્રિએટિવિટીને સક્રિયરુપે ઠાલવવાનું શરુ કર્યું. તેની દિશાસૂઝ પડવા લાગી કે શું કરવું જોઇએ. પોતાના પ્રોડક્શનમાં મોટાપાયે ક્રિએટિવ ડિઝાઇન્સ મગજમાં આવવા લાગી. તેમાં સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવ્યો જ્યારે સતારા બેન્કે પંદર હજાર રુપિયાની લોન મંજૂર કરી. આ લોન એનબીએની પ્રજ્ઞાચક્ષુઓને પગભર કરવા માટેની ખાસ યોજના હતી તે અંતર્ગર્ત મળી. આ પંદર હજાર રુપિયામાં પંદર કિલો મીણ, બે ડાઇઝ અને હાથલારી લીધી. આ સંરજામ હતો ભાવેશના આજે ચાલતાં મલ્ટિક્રોર બિઝનેસ સાથેના પ્રેસ્ટિજિયસ કોર્પોરેટ ક્લાયન્ટ તરફ જવાનો.

સનરાઈઝ કેન્ડલ્સ નામની બ્રાન્ડના માલિક

આજે દેશભરમાં તેમ જ દુનિયામાં તેમની બસો કર્મચારીઓની ટીમ કે જે પોતે પણ વિઝ્યુઅલી ચેલેન્જ્ડ પીપલ છે તેની સાથે કેન્ડલ મેકિંગમાં ‘સનરાઇઝ કેન્ડલ્સ’ નામની બ્રાન્ડ વેલ્યૂના માલિક ભાવેશ ભાટીયા તરીકે ઓળખાય છે. ભાવેશ પોતાની આ જીવનયાત્રા તરફ પાછળ વળીને જુએ છે ત્યારે વધુ સંવેદનસભર થઈ જાય છે અને કહે છે… ‘જ્યારે લોકો મારી લોનની માગણી ઠુકરાવી દેતાં તે કેમ ઠુકરાવી દેતાં તે હું સમજી ગયો છું. વ્યાપાર જે રીતે થઇ રહ્યો છે તેમાં રુથલેસનેસ છે. બધાં તેમના દિમાગનું માને છે હૃદયનું નહીં. મને એવો અનુભવ મળ્યો કે સફળ બિઝનેસ ચલાવવા માટે હૃદયનું પણ સરખેસરખું સાંભળું છું. આમાં સમય લાગે છે, ઘણો સમય લાગે, અઢળક ત્યાગ અને અથાક મહેનત લાગે છે પરંતુ જો મારું હૃદય કહે એમ કરી લઉં છું તો એ અચિવ કરી લઉં છું જે મેળવવાનું નક્કી કર્યું હતું.’

એકસમય હતો જ્યારે ભાવેશને ખૂબ ભારે હૈંયે બીજા દિવસે મીણ ખરીદવા પચીસ રુપિયા બાજુમાં મૂકી દેવા પડતાં હતાં, ત્યાં આજે તેની ટેલેન્ટ અને પરિશ્રમથી ખડી થયેલી સનરાઇઝ કેન્ડલ્સમાં રોજના વીસથી પચીસ ટન મીણ વપરાય છે. તેમના ઉત્પાદનોમાં 9,000 ડિઝાઇન્સ છે અને સાદી, સેન્ટેડ અને એરોમાથેરાપી કેન્ડલ્સ બને છે. હવે તે પોતાની કેન્ડલ્સ માટે યુકેથી મીણ ઇમ્પોર્ટ કરે છે. તેમના જાણીતાં ગ્રાહકોમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રેનબક્સી, બિગ બાઝાર, નરોડા ઇન્ડસ્ટ્રીઝ અને રોટરી કલબ પણ છે.

દ્રષ્ટિવિહિન ભાવેશ માટે સપના અપરંપાર

દ્રષ્ટિવિહિનતાને જીવતાં ભાવેશની સંવેદનશીલતાએ તેમની કંપનીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે વિશેષ સ્થાન બનાવ્યું છે. ભાવેશની ટીમ પ્રજ્ઞાચક્ષુઓને કેન્ડલ મેકિંગની તાલીમ એવા ધ્યેયથી આપે છે કે ન કેવળ તેમની કંપનીમાં કામ કરે પરંતુ  તેઓ પણ એક દિવસ ઘેર પરત ફરીને બીજે દિવસે પોતાનો બિઝનેસ કરવાનું નક્કી કરે. ભાવેશ સનરાઇઝ કેન્ડલ્સની ક્રિએટિવ મેટર્સ સંભાળે છે, જ્યારે નીતા એડમિનિસ્ટ્રેશન સંભાળે છે. નીતા પ્રજ્ઞાચક્ષુ યુવતીઓને પગભર બનવામાં હરસંભવ કોશિશમાં પણ લાગ્યાં રહે છે. ભાવેશ ભાટીયા પણ સફળતામાં ઇતિશ્રી માનીને બેસી નથી ગયાં. વિશ્વની લાંબામાં લાંબી કેન્ડલ બનાવી વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનું કામ, પોતાની કેન્ડલ મેકિંગની સર્વોત્કૃષ્ટ પરિણિતીરુપે આપણાં દેશમાં વેક્સ મ્યૂઝિયમ ખડું કરવાનું સ્વપ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, સચીન તેન્ડુલકર સહિતના કુલ 25 જાણીતી સેલિબ્રિટીઝના લાઇફ સ્ટાઇલ વેક્સ સ્ટેચ્યૂઝ… ભાવેશ માટે સપનાં અપરંપાર…

ભાવેશ સારા સ્પોર્ટ્સમેન પણ છે…

કોઇને એમ લાગે કે કરોડોની કમાણી કરતી કંપનીના માલિક બન્યાં પછીનો તમામ સમય તેમનો બિઝનેસ લઇ લેતો હશે, તો વળી એકવાર આ જાણવું વિચારવું પડે ! સ્પોર્ટમેનશિપ પણ ભાવેશનો જન્મજાત રસ છે. અને તેઓ તેના માટે સમય ફાળવી જ લે છે. અંધતા તેમના રમતગમતના શોખને ખાળી શકી નથી. તેઓ ઘણાં સારા એથ્લિટ છે. બિઝનેસના શરુઆતના ગાળાને બાદ કરતાં આજે પણ તેઓ ડેઇલી ટ્રેનિંગ લે છે. શોર્ટ પુટ, ડિસ્કસ અને જ્વેલિન થ્રો તેમના માનીતાં સ્પોર્ટ્સ છે. તે પેરાલિમ્પિક સ્પોર્ટસના 109 મેડલ્સ જીતી ચૂક્યાં છે. રોજના 500 પુશઅપ્સ કરે છે. પોતાની ફેક્ટરીમાં જીમ બનાવ્યું છે. રોજના 8 કિલોમીટર દોડે છે. એ માટેનો આઇડિયા તેમની પત્ની નીતાનો છેઃ ‘નીતા પંદર ફિટ લાંબું નાયલોનનું દોરડું વાનની એકતરફ બાંધે અને બીજીતરફ  સપોર્ટ રાખે. પછી તે મારી ગતિએ વાન ચલાવે. મને તેનો બહુ જ ડર લાગે જ્યારે મેં તેની સાથે ઊંચા અવાજમાં વાત કરી હોય. એ દિવસે તેની વાનની સ્પીડ વધી ગઇ હોય છે.’

ભાવેશ ભાટીયાએ જે વાંચ્છ્યું એ મેળવી લીધું છે. શું તે સંતુષ્ટ છે ?  ‘સંતોષથી જોજનો દૂર છું. મારા ઘણાં સ્વપ્ન છે ધ્યેય છે. મારે માઉન્ટ એવરેસ્ટ ચડવો છે, મારા દેશ માટે પેરાલિમ્પકમાં ગોલ્ડ જીતવો છે. પરંતુ અબાઉ ઓલ, મારે એ સુનિશ્ચિત કરવું છે કે પ્રત્યેક પ્રજ્ઞાચક્ષુ ભારતીય પોતાના પગ પર ઊભો રહે તેવો બને.’

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS