Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભારતના બીજા નંબરના સર્વોચ્ચપદ પર દસ વર્ષ બિરાજમાન રહ્યાં પછી ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ વિદાયમાન વખતે રાજ્યસભા ટીવીને મુલાકાત આપી. ત્યારે ઉપરાષ્ટ્રપતિપદને લાંછન લાગે તેવું નિવેદન કરીને દેશમાં પોતાની આબરુ ઓછી કરી હોય તેવી લાગણી ઘણાંએ અનુભવી. માનસમ્માનમાં ઘટાડો કર્યો અને નવા વિવાદને જન્મ આપ્યો. હામીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિપદેથી ઉતર્યાં પછી તેમને ભારતમાં મુસ્લિમો અસુરક્ષિત લાગ્યાં. હામીદ અન્સારી મુલાકાતમાં બોલ્યાં કે  ‘દેશના મુસ્લિમ સમુદાયમાં ભય અને અસુરક્ષા પ્રવર્તી રહ્યાં છે. પરસ્પરની લાગણીઓને સન્માન આપવાની ભાવના પર ધમકી તોળાઈ રહી છે.’

અરે, આ શું બોલ્યાં અન્સારી… ગૌરક્ષાના નામે થયેલી હત્યા, ઘરવાપસી અને વિચારકોની હત્યાઓને ભારતીય મૂલ્યોમાં ભંગાણ સમાન ગણાવી હતી. તેમણે વર્તમાન સરકાર પર આરોપ પણ મુક્યો હતો કે દેશના વિવિધ પ્રદેશોમાં સત્તાવાળાઓ કાયદાનું પાલન કરાવવામાં ઉણા ઉતર્યાં છે. ભાઈચારા પર અત્યારે જોખમ પ્રવર્તી રહ્યું છે. તમારે રોજેરોજ રાષ્ટ્રીયતાના પુરાવા આપવાના ન હોય.

ભારત દેશે 1984માં હામીદ અન્સારીને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતાં. હામીદ અન્સારી ભારતના ઈતિહાસમાં એસ. રાધાક્રિશ્નન પછી બીજા ઉપરાષ્ટ્રપતિ છે જે બીજી વખત ચૂંટાયાં હતાં. 11 ઓગસ્ટ, 2017થી 10 ઓગસ્ટ, 2017 સુધી ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યાં,  નેશનલ સિક્યોરિટી એડવાઈઝરી બોર્ડના સભ્ય અને લઘુમતી અંગેના રાષ્ટ્રીય પંચના અધ્યક્ષ હતાં. અનેક દેશોમાં તેઓ રાજદૂત બનીને ગયાં છે, તે સિવાય પણ ભારત દેશે તેમને ઘણું બધું સમ્માન આપ્યું છે. તો પછી શા માટે વ્યક્તિ આવું ભૂલી જાય છે. આ અગાઉ પણ હામીદ અન્સારીએ આંતરરાષ્ટ્રીય એટોમિક એનર્જી એસોસિએશનમાં ઈરાન વિરુદ્ધ ભારતના વોટની આકરી ટીકા કરી હતી.

હામીદ અન્સારીના આવા નિવેદનોથી દેશભરના હિન્દુઓને ભારે આઘાત સાથે લાગણીને ઠેસ પહોંચી છે. સાથે કેટલાક મુસ્લિમ સમાજને પણ આ ઠીક નથી લાગ્યું. ભારતમાં મુસ્લિમો સુરક્ષિત છે અને વિકસિત પણ છે. મુસ્લિમ સમુદાયમાં એજ્યુકેશન વધી રહ્યું છે. ભારતમાં હિન્દુ અને મુસ્લિમ ખૂબ જ સારા મિત્રો છે. વેપાર હોય કે ધંધો કે નોકરીમાં પણ ખભેખભો મીલાવીને મુસ્લિમો દેશસેવામાં ફાળો આપી રહ્યાં છે. એ તો બધા જ જાણે છે. તો પછી શા માટે આ મુદ્દો અન્સારીએ ઉઠાવ્યો.

વિશ્વના બીજા દેશોના મુસ્લિમો કેટલા સુરક્ષિત છે ? તેનો સર્વે જોજો. પછી નિવેદન કરવા જોઈએ. આ તો રીતસર હિન્દુ મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવાની વાત છે. લોકશાહીના નામે અને વાણી સ્વાત્ર્યંતાને નામે ગમે તે કોમ અંગે ગમે તેમ બોલવાનું.  કોમી એકતા વધે તેવા ઉદાહરણ કે દાખલા રજૂ કરીને વિશ્વ સમક્ષ ભારતની નવી ઓળખ ઉભી કરવાનો સમય આવી ગયો છે. ત્યારે દેશના બીજા નંબરના સર્વોચ્ચપદે બેસનાર હામીદ અન્સારીએ જે નિવેદનો કર્યા છે, તે કયા કારણોસર કર્યા હશે તે તો તેઓ જાણે. ઉપરાષ્ટ્રપતિપદ ગુમાવ્યાં પછી મુસ્લિમ સમુદાયની સીમ્પથી મેળવવાનો પ્રયત્ન કર્યો હોય અથવા તો મુસ્લિમ સમાજને ખુશ કરવા કે તેમને બતાવવા માટે નિવેદન કર્યું હોય તેમ સ્પષ્ટ છે. સાચું શું છે તે તો અન્સારી જાણે. પણ અન્સારીના નિવેદન પછી દેશભરમાં તેના પ્રત્યાઘાત પડ્યાં છે.

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હામીદ અન્સારીના નિવેદન પછી પોતાના સંબોધનમાં પ્રથમ તેમના વખાણ કર્યા હતાં, પણ ટોણો માર્યો હતો કે તમો 10 વર્ષથી બંધારણથી બંધાયેલા હતાં, હવે તમને મુક્તિનો આનંદ થશે અને તમારી મૂળ વિચારધારા મુજબ કામ કરવાની તક મળશે. હવે જે ઈચ્છો તે કરજો.

નવા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે ભારતમાં લઘુમતી સમુદાય સલામત અને સુરક્ષિત છે. તેમણે દેશમાં લઘુમતી સમુદાય અસુરક્ષિત છે, તેવી લાગણીઓને રાજકીય પ્રચાર ગણાવ્યો હતો. દેશમાં મુસ્લિમ સમાજ તમામ લાભો ભોગવી રહ્યાં છે. રાજકારણમાં ફાયદા માટે જ લઘુમતીનો મુદ્દો ઉઠાવાય છે.

ભાજપના નેતા શાહનવાઝ હુસેને અન્સારીના નિવેદનનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે મુસ્લિમોના વસવાટ માટે ભારત શ્રેષ્ઠ દેશ છે અને હિન્દુ મુસલમાનોના શ્રેષ્ઠ દોસ્ત છે. વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેનાના લોહી ઉકળી ઉઠ્યાં છે. 10 વર્ષ સુધી ઉચ્ચપદ પર બિરાજમાન રહ્યાં ત્યાં સુધી ભારત અસુરક્ષિત ન લાગ્યું, અને પદ છોડવાનું આવ્યું ત્યારે અસલામતીનો અનુભવ. આવો પ્રશ્ન દરેકના મનમાં થાય તે સ્વાભાવિક છે.

ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા ભારતની વિશેષતા રહી છે. ત્યારે આવી એકતાને તોડવાની કોશિશ આજની નથી થતી. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે કોમવાદના નામે ઝેર ફેલાવવામાં આવે છે. રાજનીતિ કરવા માટે કોમવાદનું કાર્ડ ફેંકાય છે. ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવાની અને ભારતની અશિક્ષિત પ્રજા તેના ચક્કરમાં આવી જાય છે. ધાર્મિક લાગણી એવી છે જે ભારતના લોકોને વધુ અસર કરે છે. કારણ કે ભારત શ્રદ્ધા અને આસ્થાથી ભરપુર ધરાવતો દેશ છે. આથી જ રાજકારણીઓ ધાર્મિક લાગણી દુભાય તેવા નિવેદનો કરીને રાજકીય લાભ ઉઠાવતા આવ્યાં છે. પણ હવે આ કાર્ડ લાંબુ નહીં ચાલે. ભારત શિક્ષિત દેશ બન્યો છે. બધાને બધી ખબર પડતી થઈ છે. ભારતની ગઈકાલ હતી, તે આજ બની છે. ભારત યુવાઓનો દેશ બન્યો છે. આજનો યુવાન શિક્ષિત છે, તે ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવાની વાતને વધુ સારી રીતે સમજે છે. પણ હવે આ મુદ્દો ચાલવાનો નથી. કોમવાદનો મુદ્દો ભુલાઈ ગયો છે, હવે ભારતવાસીઓને વિકાસ… વિકાસ ને વિકાસ… જોઈએ છે. અત્યાર સુધી દેશે કોમવાદના નામે ખૂબ સહન કરીને ખૂબ નુકશાન ભોગવ્યું છે. પણ હવે નહીં ચાલે…

ભારતના સર્વોચ્ચ હોદા પર મુસ્લિમ સમાજના અનેક અગ્રણીઓ છે, બધા જાણે છે. પણ આપણે હવે કોમવાદના ચેપ્ટરને કલોઝ કરીને ધાર્મિક લાગણી ઉશ્કેરનારના મોં બંધ કરવાની જરૂર છે. અહીં કોઈ પક્ષની વાત નથી કે કોઈ રાજકીય પક્ષની વાત નથી. કોમવાદના નામે રાજકીય લાભ ખાટી જનારાને ઓળખી લેવાની જરૂર છે. હવે પછીની ચૂંટણી લડાય ત્યારે પણ તમામ સમુદાયના લોકોએ કોમવાદનું ઝેર ફેલાવનારાઓને ઘરનો રસ્તો બતાવી દેવાની જરૂર છે, જેથી સત્તામાં આવ્યા પછી સત્તાનો દુરુપયોગ ન કરે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS