Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ડિઝાઇનના નિયમોને પણ ગણિતની રીતે જયારે સમજાવવામાં આવે ત્યારે ક્રિએટિવિટીને અવકાશ નથી રહેતો. દરેક માણસ ગણિતમાં એવો ગૂંચવાય જાય છે કે તેને સુંદર ઘરની પરિકલ્પના રહેતી નથી. જરા વિચારો ડબ્બા જેવું ઘર કોને ગમે ? તેનાથી વિપરીત એવું ઘર જે દેખાવમાં ખૂબ જ સુંદર છે પણ અંદર કમ્ફર્ટ નથી તો દરેક કાર્ય કરવામાં તકલીફ પડશે. આવા ઘર જોવા જ ગમે. જયારે જયારે વાસ્તુમાં પણ જડતા આવે ત્યારે આ વિષય માટે પણ આવીજ લાગણી ઉદભવે છે.

વાસ્તુમાં ગણિતની ખૂબ જ સુંદર વાત કરવામાં આવી છે પરંતુ તે સારા દેખાવ અને અનુકૂલન માટે પણ મદદરૂપ થાય છે. કોઈ પણ સામાન્ય માણસની રીતે વિચાર કરીએ તો વાસ્તુમાં સહુથી નકારાત્મક દિશા એટલે નૈઋત્ય. આ દિશાનું નામ આવે એટલે એક ડરની લાગણી ઉદભવે. આર્કિટેક્ચરમાં આ દિશાને અલગ રીતે જોવામાં આવે છે. તેથી મારા રીસર્ચમાં આ દિશાને સ્થાન મળ્યું. આ અદભત દિશા છે. અને તેથી જ આ દિશામાં માસ્ટર બેડરૂમ બનાવવાની વાત કરવામાં આવી હશે. જે જગ્યાએ ઘરની મુખ્ય વ્યક્તિને રહેવાની વાત હોય તે નકારાત્મક કેવી રીતે હોઈ શકે?

આ દિશાને સમજવી જરૂરી છે. દક્ષિણથી નૈઋત્ય તરફ જતાં સૂર્ય ડૂબતો જાય છે. તેથી નૈઋત્ય દક્ષિણ કરતાં નૈઋત્ય પશ્ચિમની અસર નકારાત્મક ગણી શકાય. જેનું કારણ છે , ડૂબતા સૂરજની ઊર્જાની અસર. માણસને હંમેશા પ્રકાશ વધારે ગમે છે અને અંધકાર ઓછો. પણ જો સતત દિવસ જ રહેતો હોત તો ? તો સરખી ઊંઘ ન થાત, મન સતત કામ કરીને થાકી જાત અને આરામ ન મળત. જેમ પ્રકાશ જરૂરી છે તેમ અંધકાર પણ જરૂરી છે. વડીલોના રૂમમાં ચંદ્ર પ્રકાશ મોડે સુધી આવે અને સવારે બાળકોના રૂમમાં સૂર્ય પ્રકાશ વહેલો આવે તેવી વ્યવસ્થા હતી. જો નૈઋત્યમાંથી પવન આવે છે તો તેનો પણ ફાયદો ડિઝાઇનમાં શું  કામ ન લેવો? આ જ વિચારથી આવી વ્યવસ્થા  કરવામાં આવી હશે.

નૈઋત્યમાં કોઈ પણ બાજુ જો પ્રોજેકશન આવતું હોય તો હવાને ઘરમાં આવવા ન દે. વળી આ દિશા અંદરની તરફ દબાયેલું બાંધકામ ધરાવતી હોય તો પણ આજ પ્રકારની સ્થિતિ ઉદભવે. સારા હવા ઉજાસ ન હોય તો તન અને મનને તકલીફ પડે જ. જયારે આવી તકલીફ આવે ત્યારે બાંધકામની શૈલીને સમજવાને બદલે જયારે પિતૃને દોષ દેવામાં આવે ત્યારે નવાઈ પણ લાગે અને દુઃખ પણ થાય. મધ્ય ગુજરાતમાં એક ડોક્ટરને કોઈએ વહેમ ઘુસાડી દીધેલો કે ઘટાદાર વૃક્ષો પર પિતૃવાસ કરે છે અને ઘરમાં આવીને રંજાડે છે. તેઓ વૃક્ષો કાપવાના જ હતાં અને મળવાનું થયું. વૃક્ષો બચી ગયાં. હકીકતમાં વાસ્તુમાં આવા કોઈ નિયમો નથી. પણ જે હયાત નથી તેમના નામ થી વાતો વધારે ચાલે છે. જો બધા જ પિતૃઓ ઘરની આસપાસના વૃક્ષો પર બેસી રહેતાં હોય તો જેમનો જન્મ થાય છે તે આત્માઓ કોણ છે? વળી દરેક આત્મા અવગતિ જ પામે અને આત્મા પણ પોતાની સાતમી પેઢીને પણ દુઃખી કાર્ય કરે તેવી વાતો મારી સમજમાં તો નથી આવતી.

ભ્રમણા:

અમાસની રાત ભારે ગણાય છે તેથી તે દિવસે જન્મેલાં માણસો અપશુકનિયાળ હોય છે.

સત્ય:

અમાસની રાત્રે ચંદ્ર નથી હોતો અને તેના લીધે ચંદ્રની મેગ્નેટિક શક્તિ ઓછી હોય છે. પણ તેનો અર્થ એ પણ નથી કે ચંદ્ર હાજર જ નથી. તેના પર સૂર્યનો પ્રકાશ ન પડવાના કારણે તે દેખાતો નથી. વળી દિવસે સૂર્ય તો હોય જ છે. તો પછી આવા નિયમો શા માટે?


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS