Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

દેશના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 17મી જુલાઇના રોજ યોજવાની જાહેરાત થઇ ચૂકી છે, પરંતુ ઉમેદવારના નામ અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. વર્તમાન એનડીએ સરકાર પાસે પૂરતી બહુમતી છે. એથી તેમની પસંદગીનું નામ ગમે ત્યારે જાહેર કરી શકે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સ્વભાવ મુજબ સસ્પેન્સ ઉભું કરી રહ્યાં છે. જેને પગલે વિપક્ષોની અકળામણ વધી રહી છે.. દેશનાં પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. એનડીએના ઉમેદવાર કોણ હશે અને વિપક્ષો કોને મેદાનમાં ઉતારશેના સવાલો રાજકીય ક્ષેત્રે પૂછાઇ રહ્યાં છે પરંતુ કોઇની પાસે ઠોસ જવાબ નથી. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 28મી જૂન છે. એટલે આ સસ્પેન્સ એ દિવસ સુધી જ જાળવી શકાશે. ફોર્મ ભરાય કે તરત જ ઉમેદવારો કોણ છે તેની સૌને ખબર પડી જવાની છે. વિધાનસભા, રાજ્યસભા કે લોકસભાની ચૂંટણીની જેમ છેક છેલ્લી ઘડીએ ઉમેદવારને ફોર્મ ભરવાની સૂચના મળે એવું થવાની શક્યતા અહીં નથી. આ સપ્તાહનાં અંતમાં નામ જાહેર થઇ જશેનું અનુમાન છે. સર્વસંમતિ ન થાય તો 17મી જુલાઇએ ચૂંટણી યોજાશે.

ભાજપ પાસે બહુમતી છે તેમ છતાં તેમણે એનડીએનાં સાથી પક્ષો સાથે ઔપચારિક ચર્ચા તો કરવી જ પડે. તેમને વિશ્વાસમાં લઇને જ નામ નક્કી કરવું પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ નામ નક્કી કરી રાખ્યું હોય તો તેની સામે કોઈ વાંધો ઉઠાવી શકે તેમ નથી. આમ છતાં ભાજપે નક્કી કરેલા નામને સમર્થન આપવા સાથી પક્ષોને સમજાવવા પડે. રાજકીય રીતે કેટલીક ઔપચારિકતા પૂરી કરવા ભાજપે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી માટે ત્રણ સભ્યોની કમિટીની જાહેરાત કરી છે. જેમાં પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાનો રાજનાથસિંહ, અરૂણ જેટલી અને વૈંકયા નાયડુનો સામાવેશ કરાયો છે. કમિટિના સભ્યો એનડીએના સાથી પક્ષો સાથે ઉમેદવાર અંગે ચર્ચા કરશે અને રીપોર્ટ તૈયાર કરશે.

વિપક્ષો એનડીએના ઉમેદવારની પસંદગી પછી જ પોતાના ઉમેદવાર અંગે ચર્ચા કરશે એવું લાગી રહ્યું  છે. વિપક્ષોએ અત્યાર સુધી ઉમેદવાર સંદર્ભે જે કસરત કરી તેનું પરિણામ શૂન્ય આવ્યુ છે. વિપક્ષની ગણતરી એવી હતી કે તેઓ જો ગતિવિધિ શરુ કરે તો ભાજપ સર્વસંમત ઉમેદવાર નક્કી કરવા માટે ચર્ચામાં બોલાવે. પરંતુ, વિપક્ષની આ ગણતરી ખોટી પડી. તેમણે એકઠાં થયેલા વિપક્ષોની નોંધ જ ન લીધી.

ભાજપ ચૂંટણીને બદલે વિપક્ષનો સાથ મેળવી સર્વસંમત ઉમેદવાર ઉભો રાખી શકે છે.પરંતુ આ માર્ગ ભાજપ અપનાવવા માગતો નથી,તેની પાછળનું કારણ છે કે એનડીએનો ઉમેદવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા સાથે સંકળાયેલો હશે. અને આવા ઉમેદવારને કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષો સમર્થન ન આપે. ભાજપને જ્યારે ખબર જ છે કે સંઘની વિચારધારા ધરાવનારને વિપક્ષો પસંદ નથી જ કરવાના તો તેમની સાથે મંત્રણા કરવાને બદલે લડી જ લેવું. ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ છે. આમછતાં ઉમેદવાર પસંદ કરીને ઔપચારિકતા પૂરી કરવા વિપક્ષો જોડે મળવાની વિધિ પતાવાશે.

રાષ્ટ્રપતિ પદ માટેનાં એનડીએનાં ઉમેદવાર માટે કેટલાક નામો ચર્ચાઇ રહ્યાં છે. જેમાં કેન્દ્રીય પ્રધાનો સુષ્મા સ્વરાજ, થાવરચંદ ગેહલોત, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, ઝારખંડનાં રાજ્યપાલ દ્રૌપદી મુર્મુનો સમાવેશ થાય છે. એક તબક્કે અરુણ જેટલી અને વેંકયા નાયડુના નામો પણ મીડિયામાં ચર્ચાતા હતા. પરંતુ હવે આ બંને નેતાઓ રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર નક્કી કરવાની કમિટીમાં જ હોવાથી આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. કેટલાક રાજનીતિજ્ઞ માની રહ્યાં છે કે અડવાણી અને મુરલી મનોહર જોશી બાબરી કેસમાં માત્ર આરોપી છે, ગુનેગાર નહીં ત્યારે તેમાંથી એકની પસંદગી નકારી ન શકાય.

રાષ્ટ્રપતિ પદ પર મિસાઇલ મેન અબ્દુલ કલામની નિયુક્તિ પછી ઉમેદવારની પસંદગીના મામલે રાજકીય ક્ષેત્ર સિવાયના નામોની પણ ચર્ચા શરુ થતી જોવા મળી છે.  બિનરાજકીય વ્યક્તિમાં ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ રતન ટાટાનાં નામ નામ મીડિયામાં ચમક્યાં હતાં. શિવસેનાએ તો આરએસએસના વડા મોહન ભાગવતનાં નામની ખુલ્લામાં તરફેણ કરી હતી. એનડીએના ઉમેદવાર સંઘની વિચારધારા સાથે સંકળાયેલા હશે અને રાજકારણ સાથે જોડાયેલા પણ હશે એ નિશ્ચિત હોવાથી સરકાર અને સંગઠન કક્ષાએ આવા પ્રસ્તાવોને કોઈ સમર્થન મળ્યું નથી. માત્ર મીડિયામાં નામો ગાજ્યાં હતા.

બીજીબાજુ કોંગ્રેસ અને અન્ય વિપક્ષોને એવી ભનક આવી ગઇ છે કે ભાજપ સંઘ સાથે સંકળાયેલા નેતાને જ રાષ્ટ્રપતિ બનાવવા માગે છે. તેથી વિપક્ષોએ રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારની શોધ ચાલુ કરી દીધી છે પરંતુ તેમાં માત્ર નામો ચર્ચાયાં, કોઇ ઠોસ પરિણામ નથી આવ્યું. કોંગ્રેસ સહિત વિપક્ષોને એટલી ખબર પડી ગઇ છે કે રાષ્ટ્રપતિ પદના નામની સર્વસંમતિની સંભાવના નહિવત છે. કારણ કે ભાજપે નામ નક્કી કરતાં પહેલાં વિપક્ષ સાથે ચર્ચા કરવાની ઔપચારિકતા જ નથી કરી. તેઓ ઉમેદવાર નક્કી કરીને વિપક્ષને માત્ર જણાવવાની ઔપચારિકતા કરશે.અને કહેશે કે સહમત થવું હોય તો થાવ નહિતો ચૂંટણી માટે અમે તૈયાર છીએ.

ભાજપના આ વલણ સામે કોંગ્રેસ અને જનતાદળ યુનાઇટેડનાં નેતાઓનો વાંધો છે. તેમનું કહેવું છે કે સર્વસંમતિ સાધવાની રીત આવી ન હોવી જોઇએ. ઉમેદવાર પસંદ કરીને તમે જણાવી દો એવું ન ચાલે. ભાજપ તેમને અનુકુળ ઉમેદવાર પસંદ કરે પરંતુ તે પહેલાં ચર્ચા કરે એ જરુરી છે. વિપક્ષોને ખબર છે કે ચૂંટણી થાય તો એનડીએનો વિજય નક્કી છે. પરંતુ સર્વસંમતિનાં નામે સ્વમાન કોરાણે મુકી સમર્થન કરવું યોગ્ય નથી એવું માનનારો વર્ગ પણ વિપક્ષમાં છે. એટલે પ્રતિકાત્મક રીતે પણ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપરતિ પદની ચૂંટણી લડવાનો મુડ વિપક્ષોમાં જોવા મળી રહ્યો છે.

સૌથી મહત્વની વાત એ છે કે દેશના સૌપ્રથમ નાગરિક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વ્યક્તિ ભલે સર્વસંમતિથી પસંદ કરવામાં આવે કે ચૂંટાઇને આવે. તે રાષ્ટ્રપતિપદની ગરિમાને જાળવે એવી વ્યક્તિ હોવી જોઇએ. ભૂતકાળમાં આ પદ પર બિરાજમાન વ્યક્તિઓમાં કેટલાંક નામો એવા છે કે જેમનાથી પદની પ્રતિષ્ઠા ખરડાઈ છે. રાષ્ટ્રપતિ પદ બંધારણીય રીતે સર્વોચ્ચ હોદ્દો છે,તેમની પાસે સત્તા સિમિત છે,તેમછતાં દેશનો સન્માનીય હોદ્દો છે. એટલે આ  સન્માન એવી વ્યકિતને મળવું જોઇએ જે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં આગવી આભા ઉભી કરી શકે. માત્ર ફોટો શેસન માટે કે ઉદઘાટનો પૂરતા સીમિત રહેવાને બદલે આવશ્યકતા હોય ત્યારે દેશનું માર્ગદર્શન પણ કરી શકે. વિશ્વભરમાં ભારતને બ્રાંડ બનાવવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરી રહ્યાં છે. ત્યારે એવા રાષ્ટ્રપતિ જોઇએ જે બ્રાંડને વિદેશમાં ચમકાવવાનું કામ કરી શકે. વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરવામાં મોદીએ જે જહેમત ઉઠાવી છે તેને પોતાનાં વ્યક્તિત્વથી આગળ ધપાવી શકે. આશા રાખીએ કે દેશને એવા રાષ્ટ્રપતિ મળે કે જે રબ્બર સ્ટેમ્પ તરીકે ખ્યાતિ ન પામે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS