Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page
દેશમાં બધી રમતોની પ્રોફેશનલ લીગ રમાવાની શરૂ થઈ ગઈ છે તો મહિલા ક્રિકેટરો શા માટે પાછળ રહી જાય?

૮ માર્ચ એટલે ‘વિશ્વ મહિલા દિવસ’. આ જ તારીખથી મહિલાઓ માટે ટ્વેન્ટી-20 મેચો માટેની વીમેન ક્રિકેટ લીગ (WCL T20) શરૂ કરવાનું ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે નક્કી કર્યું છે. આ સ્પર્ધાના શુભારંભ માટે તેણે આ બેસ્ટ મૂહુર્ત પસંદ કર્યું છે.

મહિલાઓની ક્રિકેટ રમતમાં, ઓસ્ટ્રેલિયામાં વીમેન બિગ બેશ ક્રિકેટ લીગ રમાય છે અને લંડનમાં વીમેન્સ ક્રિકેટ સુપર લીગ સ્પર્ધા ધમાલ મચાવી રહી છે. હવે ભારતમાં એવી લીગ સ્પર્ધા શરૂ કરવાનું બીડું ઝડપ્યું છે, પારુલ જૈન નામના મહાશયે જે ઈન્ડિયન વીમેન ક્રિકેટ લીગના સ્થાપક છે.

WCL શરૂ થવાથી ભારતમાં મહિલા ક્રિકેટરો પુરુષ ક્રિકેટરોના પડછાયામાંથી બહાર આવી શકશે અને પુરુષ ક્રિકેટરો આઈપીએલમાં જેવી મજા માણે છે એવી જ હવે મહિલાઓ પણ માણતી થઈ શકશે.

મહિલાઓની ક્રિકેટ ટીમની રચના કરાયાને આમ તો ત્રણ દાયકાથી પણ વધારે સમય થઈ ગયો છે, પરંતુ મિતાલી રાજ, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર જેવી ખેલાડીઓએ મેદાન પર ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હોવા છતાં એમનાં નામ ઘર-ઘરમાં જાણીતાં થયા નથી. ભારત ક્રિકેટઘેલો દેશ છે તે છતાં મહિલાઓ ક્રિકેટરો પ્રત્યે ઉદ્યોગજગત, પ્રચારમાધ્યમો તેમજ જનતા ઘણું દુર્લક્ષ સેવતાં આવ્યા છે.

વીમેન ક્રિકેટ લીગની સ્થાપના કરવામાં ‘દ્રોણાચાર્ય ક્રિકેટ એવોર્ડ’ વિજેતા સુનિતા શર્મા ખૂબ નિકટથી સંકળાયેલાં રહ્યાં છે. એમનું કહેવું છે કે દેશમાં ઘણી રમતોની પોતપોતાની પ્રોફેશનલ લીગ્સ છે તો મહિલા ક્રિકેટે શા માટે પાછળ રહેવું જોઈએ?

પારુલ જૈન

ભારતની મહિલા ક્રિકેટરોએ દેશ-વિદેશની ધરતી પર અનેક મેચો જીતી છે અને ટ્રોફીઓ કબજે કરી છે, તે છતાં દેશમાં પુરુષ ક્રિકેટરોની સરખામણીમાં મહિલાઓ ક્રિકેટરો પ્રકાશમાં આવી શકી નથી કે એમની સિદ્ધિઓની જોઈએ એવી નોંધ લેવાઈ નથી.

તેથી હવે WCL શરૂ થઈ રહી છે એથી ઘણી મહિલા ક્રિકેટરો ખુશ થશે. આ સ્પર્ધા માત્ર મહિલા ક્રિકેટરોને જ નહીં, પરંતુ મહિલા કોચ, વહીવટકારોને પણ એમની ટેલેન્ટ બતાવવાનાં અવસર પૂરાં પાડશે અને એમને સારું મહેનતાણું અપાવશે.

ભારતમાં મહિલાઓની ક્રિકેટમાં લોકોની દિલચસ્પીમાં વધારો પણ થશે.

ભારતમાં પુરુષોની ક્રિકેટને લાગેવળગે છે ત્યાં સુધી 80 અને 90ના દાયકામાં એણે ધરખમ પરિવર્તનો મેળવ્યા છે, પણ મહિલા ક્રિકેટરો ઘણી પાછળ રહી ગઈ છે. હવે WCL એમને માટે ‘અચ્છે દિન’ લાવશે.

મિતાલી રાજ અગાઉ ઘણી વાર કહી ચૂકી હતી કે દેશમાં મહિલા ક્રિકેટરોનાં કૌશલ્યમાં નિખાર લાવવા માટે અને મહિલા ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે મહિલા ક્રિકેટ લીગ સ્પર્ધા શરૂ કરવી જોઈએ. મિતાલીનું એ સપનું હવે સાકાર થયું છે.

વીમેન ક્રિકેટ લીગ… રમતના પ્રસાર માટે વેલકમ પગલું છે. સફળતા કેટલી મળે છે એ તો સમય જ કહેશે.

વીમેન ક્રિકેટ લીગ શરૂ કરવા પાછળના આ છે, મુખ્ય ઉદ્દેશ્ય:

* દેશના ખેલકૂદ ક્ષેત્રમાં ભારતીય મહિલા ક્રિકેટના યોગદાનનો આદર કરવાનો

* મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવાનો

*  ભારતમાં મહિલાઓની ક્રિકેટ ટેલેન્ટને પ્રોત્સાહન તેમજ વિકસવાની તક પૂરી પાડવાનો

* ભારતની મહિલા ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરવાનો મોકો અપાવવાનો

* ભારતની ભૂલાઈ ગયેલી મહિલા ક્રિકેટરોને સમ્માનિત કરવાનો

*  મહિલા ક્રિકેટરો માટે ક્રિકેટ ગેમને પ્રોફેશનલ સ્વરૂપ આપવાનો

* મહિલા ક્રિકેટનાં કરોડો ચાહકોને આકર્ષિત કરવાનો

* મહિલાઓમાં રહેલી છૂપી ટેલેન્ટને ઓળખી એને પ્રમોટ કરવાનો

* સ્પોર્ટ્સને પોતાની કારકિર્દી તરીકે અપનાવવામાં મહિલાઓનું કામ સરળ બનાવવાનો

* રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમી શકે એવી ટેલેન્ટેડ ભારતીય મહિલા ખેલાડીઓ તૈયાર કરવાનો


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS