Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page
રવિન્દ્ર જાડેજાઃ જોરદાર ઓલરાઉન્ડ પરફોર્મન્સ દ્વારા ટીમને સફળતા અપાવે, પણ સ્વભાવગત ભૂલ કરીને જાતે દંડાય

શ્રીલંકાની ધરતી પર પહોંચતાવેંત વિરાટ કોહલી અને તેના સાથીઓએ યજમાન ખેલાડીઓની ધુલાઈ કરવામાં કોઈ કચાશ રાખી નથી. 3-મેચની સિરીઝની પહેલી બે ટેસ્ટ મસમોટા માર્જિનથી જીતીને ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાવાસીઓને બતાવી આપ્યું છે કે આ ટીમ સામે જીતવાની વાત બાજુ પર રહી, પણ શરમજનક પરાજયમાંથી કેમ બચવું એટલું જ વિચારવાનું.

ગૉલમાં પહેલી ટેસ્ટ 304 રનથી જીત્યા બાદ કોલંબોમાં બીજી ટેસ્ટ એક દાવ અને 53 રનથી ખિસ્સામાં સરકાવીને ભારતે સિરીઝ પોતાના કબજામાં લઈ લીધી. હવે 12 ઓગસ્ટથી કેન્ડીના સ્ટેડિયમમાં રમાનાર ટેસ્ટ મેચનું પરિણામ કંઈ પણ આવે, સિરીઝનું પરિણામ ફિક્સ થઈ ગયું છે. તે છતાં ભારતીય ટીમ અને ભારતીય ચાહકો માટે નિરાશા એ વાતની રહેશે કે એમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા કેન્ડીમાં રમી નહીં શકે.

ડાબોડી સ્પિનર જડ્ડુએ બીજી ટેસ્ટમાં ઓલરાઉન્ડ દેખાવ કરીને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ જીત્યો, પણ વર્તનમાં ગડબડ કરી એમાં તે ત્રીજી ટેસ્ટમાંથી સસ્પેન્ડ થઈ ગયો.

કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓની જેમ, જામનગરનાં ઘેર, જાડેજાની બહેન, નૈના જાડેજાને પણ મિશ્ર લાગણી થઈ. કોલંબો ટેસ્ટમાં જડ્ડુએ જિતાડી આપ્યા એનો આનંદ થયો, પણ એને ત્રીજી ટેસ્ટમાંથી સસ્પેન્ડ કરાયો એનું દુઃખ થયું.

કોલંબો ટેસ્ટમાં આ હતો જાડેજાનો પરફોર્મન્સઃ

ભારતના પહેલા દાવના 622-9 ડિકલેર્ડ સ્કોરમાં 85 બોલમાં 70 રન કરીને નોટઆઉટ રહ્યો. એમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ઝીંક્યા.

શ્રીલંકાના પહેલા દાવમાં બે વિકેટ લીધી.

શ્રીલંકાના બીજા દાવમાં પાંચ વિકેટ લીધી.

આ દેખાવ બદલ મેચનાં ઓફિસરોએ એને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપ્યો, પણ એ મેચમાં જાડેજાએ કરેલા એક ગેરવર્તન બદલ રમતની સંચાલક સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મેચ રેફરીની સલાહને પગલે આચારસંહિતાનાં ઉલ્લંઘન બદલ એને ત્રીજી ટેસ્ટ માટે સસ્પેન્ડ કરી દીધો. એટલું જ નહીં, એને તેની મેચ ફીની 50 ટકા રકમનો દંડ પણ ફટકાર્યો.

જાડેજાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો એની ખુશી કરતાં પોતાને એ ગેરવર્તન બદલ ડીમેરિટ પોઈન્ટ્સ મળ્યા એનો આઘાત વધારે લાગ્યો હશે.

 

શું હતું જાડેજાનું ગેરવર્તન?

કોલંબોમાં સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે બીજી ટેસ્ટ મેચનો એ ત્રીજો દિવસ હતો. 
બન્યું એવું કે, ત્રીજા દિવસની રમતમાં શ્રીલંકાના દાવની 58મી ઓવર જાડેજા ફેંકી રહ્યો હતો અને શ્રીલંકાનો ઓપનર દીમુઠ કરુણારત્ને બેટિંગમાં સ્ટ્રાઈકર હતો. કરુણારત્ને ક્રીઝમાં હતો તે છતાં જાડેજાએ ફોલો થ્રૂમાં બોલને રોકીને એની તરફ બોલ ફેંક્યો હતો. જેને અમ્પાયરે એમ કહીને ‘જોખમી’ ગણાવ્યો હતો.
 
અમ્પાયરે એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે બેટ્સમેને રન લેવાનો પ્રયાસ પણ નહોતો કર્યો તે છતાં જાડેજાએ બિનજરૂરી થ્રો કર્યો હતો. બંને ફિલ્ડ અમ્પાયર – બ્રુસ ઓક્ઝનફોર્ડ અને રોડ ટકર એ વાતે સહમત થયા હતા કે જાડેજાનો એ થ્રો વાગ્યો હોત તો બેટ્સમેન માટે ખતરનાક બની શક્યો હોત. બંને અમ્પાયર તેમજ થર્ડ અમ્પાયર રિચર્ડ ઈલિંગવર્થ અને ફોર્થ અમ્પાયર રુચિરા પલ્લિયાગુરુગેએ સાથે મળીને જાડેજા પર આરોપ મૂક્યો હતો અને આઈસીસી મેચ રેફરી રિચી રીચર્ડસનને આપેલા રિપોર્ટમાં પણ એમ જણાવ્યું હતું. આ વર્તન અને નવા નિયમભંગને કારણે જાડેજાને વધુ ત્રણ ડીમેરિટ પોઈન્ટ મળ્યા હતા જેને કારણે એનું સસ્પેન્શન થયું. આને લેવલ-2 ગુનો ગણવામાં આવે છે. (લેવલ-2 ગુનો કરનાર ખેલાડીને 50 ટકાથી લઈને 100 ટકા મેચ ફી દંડ ફટકારવા અને/અથવા બે સસ્પેન્શન પોઈન્ટ, અને ત્રણ કે ચાર ડીમેરિટ પોઈન્ટ્સ લાગુ કરવામાં આવે છે.) એ થ્રોને કારણે જાડેજાના ફેરપ્લે પોઈન્ટ્સમાં કાપ મૂકાઈ ગયો. એ સાથે જ છેલ્લા બે વર્ષ દરમિયાન જાડેજાએ મેળવેલા ડીમેરિટ પોઈન્ટ્સનો આંકડો 6 પર પહોંચી ગયો. જાડેજાએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને મેચ રેફરી રિચી રીચર્ડસને જે સજા સંભળાવી એનો સ્વીકાર કરી લીધો હતો એટલે વિધિસરની સુનાવણીની જરૂર પડી નહોતી.અત્યારે જાડેજાના 6 ડીમેરિટ પોઈન્ટ થયા છે. હવે જો આવતા 24 મહિનામાં જાડેજા વધુ ગેરવર્તન કરીને બીજા બે ડીમેરિટ પોઈન્ટ મેળવશે તો એના 8 ડીમેરિટ પોઈન્ટ થશે એટલે એના ચાર સસ્પેન્શન પોઈન્ટ થશે પરિણામે એની પર ફરીથી પ્રતિબંધ મૂકાઈ જશે.

આમ, હવે જાડેજાના વર્તન પર આઈસીસીના અધિકારીઓની બાજ નજર રહેશે.

જાડેજાની જગ્યાએ હવે ત્રીજી ટેસ્ટમાં ડાબોડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવ રમે એવી ધારણા છે.

(આ છે જાડેજાના એ વિવાદાસ્પદ વર્તનની વીડિયો ક્લિપ જેમાં જાડેજા બોલનો જોખમી રીતે ઘા કરવા બદલ દંડાઈ ગયો)

 

 

લેવલ-2 ગુના સામે આ છે આઈસીસીનો નિયમઃ

* બે સસ્પેન્શન પોઈન્ટ મેળવનાર ખેલાડી પર એક ટેસ્ટ મેચ અથવા બે વન-ડે ઈન્ટરનેશનલ અથવા બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં રમવાનો પ્રતિબંધ મૂકાય છે. એમાં જે મેચ પહેલા રમાવાની હોય એ ફોર્મેટનો પ્રતિબંધ એને લાગુ થાય છે.

* ચાર સસ્પેન્શન પોઈન્ટ મેળવનાર ખેલાડીને બે ટેસ્ટ અથવા ચાર વન-ડે ઈન્ટરનેશનલ અથવા ચાર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાંથી બાકાત કરાય છે, એમાં જે મેચો પહેલા રમાવાની હોય એ ફોર્મેટને પ્રતિબંધ લાગુ પડે છે.

24 મહિનામાં જાડેજાના 6 ડીમેરિટ પોઈન્ટ થઈ ગયા છે. એટલે જ એને કેન્ડી ટેસ્ટમાંથી આઉટ કરી દેવામાં આવ્યો છે.

આઈસીસીની આચારસંહિતાની કલમ 2.2.8નું જે કોઈ ખેલાડી ઉલ્લંઘન કરે એની પર સસ્પેન્શન લાગુ કરવામાં આવે છે. આ નિયમ અંતર્ગત કોઈ પણ ખેલાડી જો કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અન્ય ખેલાડી, સપોર્ટ સ્ટાફ, અમ્પાયર, મેચ રેફરી કે કોઈ પણ ત્રીજી વ્યક્તિની તરફ બોલ અથવા અન્ય કોઈ પણ ચીજવસ્તુનો જાણીજોઈને કે જોખમી રીતે ઘા કરે તો એને દોષી ગણવામાં આવે છે.

જાડેજા આ પહેલાં 2016માં પણ દંડાયો હતો. એ વખતે હરીફ ટીમ ન્યુ ઝીલેન્ડ હતી અને ટેસ્ટ મેચ હતી ઈન્દોરમાં. એ વખતે આઈસીસી આચારસંહિતાની કલમ 2.2.11નું ઉલ્લંઘન કરવા બદલ જાડેજાને એની 50 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.(જાડેજાને શિક્ષા ફરમાવતી આઈસીસીની જાહેરાત)

 

ભારતે ટેસ્ટ સિરીઝ જીતી તો લીધી છે, પણ શ્રીલંકાનો વ્હાઈટવોશ કરવાના કેપ્ટન કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રીની ઈચ્છાને ધક્કો જરૂર પહોંચશે. જાડેજા હાલ જોરદાર ફોર્મમાં છે અને ત્રીજી ટેસ્ટમાં એની ગેરહાજરીનો ટીમને ચોક્કસ અનુભવ થશે.

કોહલીએ બીજી ટેસ્ટમાં ભારતની જીત બાદ જાડેજાની ઓલરાઉન્ડ ક્ષમતાની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. એણે કહ્યું હતું કે જાડેજા કીમતી ક્રિકેટર છે. ખાસ કરીને એ ટેસ્ટ ટીમમાં સંતુલન બનાવે છે. આવા ખેલાડીઓ બહુ ઓછા હોય છે જેઓ રમતના બંને વિભાગમાં કૌશલ્ય બતાવી શકે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS