Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઓસ્ટ્રેલિયાનો ડાબોડી સ્પિનર સ્ટીવ ઓકીફ આયુષ્યના 32મા વર્ષે પૂણેમાં
આવીને એવું પરાક્રમ કરી ગયો જે છેલ્લી 19-19 ટેસ્ટથી દુનિયાની કોઈ ટીમનો બોલર
વિરાટ કોહલીની ટીમ સામે કરી શક્યો નહોતો.

ભારતીય ટીમ ઘરઆંગણે સ્પિનરો સામે રમવામાં ઉસ્તાદ ગણાય છે, પણ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની મેચના પરિણામે એમની પ્રતિષ્ઠાને મોટો ફટકો માર્યો છે.

સ્ટીવ ઓકીફના કાંડાની કરામત સામે આખી ટીમ ઈન્ડિયા ફસાઈ ગઈ અને ચાર-મેચની સિરીઝની પtણેમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ 333 રનના માર્જિનથી, માત્ર અઢી દિવસમાં જ શરમજનક રીતે હારી ગઈ. ટેસ્ટ ક્રિકેટમાં અપરાજિત રહેવાની ભારતીય ટીમની હારમાળા સિરીઝની પહેલી જ ટેસ્ટમાં અને તે પણ આટલી ખરાબ રીતે તૂટી જશે એવી કોઈએ કલ્પના પણ કરી નહોતી.

32 વર્ષનો થયો તે છતાં ટેસ્ટ ક્રિકેટમાં હજી સાવ નવાસવા એવા ઓકીફે પૂણે ટેસ્ટમાં ગજબનો દેખાવ કર્યો. સમગ્ર મેચમાં એણે માત્ર 28 ઓવર ફેંકી હતી અને 70 રન આપીને 12 વિકેટ લીધી (બંને દાવમાં 35-35 રનમાં 6-6 વિકેટ). ટીમ ઈન્ડિયાનો અઢી દિવસમાં જ ઘડોલાડવો કરી નાખ્યો હતો.

ઓકીફે ભારતીય બેટ્સમેનોને પિચ પર ટકવા જ નહોતા દીધાં. એના તરખાટને કારણે ભારતનો પહેલો દાવ માત્ર 105 રનમાં અને બીજો દાવ 107 રનમાં સમાપ્ત થઈ ગયો હતો.

મેચના પરિણામથી વિરાટ કોહલી સ્તબ્ધ થઈ ગયો હતો. તે છતાં એણે પિચનો વાંક કાઢ્યો નહોતો અને ટીમની કંગાળ બેટિંગને પરાજય માટે જવાબદાર ગણાવી હતી.

પૂણે સ્ટેડિયમની પિચ ફ્લેટ હાર્ડ સર્ફેસ માટે જાણીતી છે. કોહલીએ સ્પષ્ટતા કરી હતી કે સ્પિનરોને યારી આપે એવી પિચ તૈયાર કરવાનું એણે મેચ પૂર્વે કોઈને કહ્યું નહોતું. અમે સારું રમ્યાં નહીં એટલે હારી ગયા. જ્યારે અમે સારું રમતા હતાં ત્યારે જીતતા હતાં અને ખરાબ રમ્યાં એટલે હારી ગયાં, બસ, એટલું જ હું કહેવા માગું છું.

પૂણે મેચનું પરિણામ ચોંકાવનારું એટલા માટે બન્યું છે કે માત્ર અઢી દિવસમાં બંને ટીમની મળીને તમામ ચાલીસ વિકેટો પડી હતી. કોહલીએ કહ્યું કે અમે ઓસ્ટ્રેલિયાની 20 વિકેટ પાડવા ઈચ્છતા હતાં અને અમે એમાં સફળ પણ થયાં હતાં. (પણ એની સામે પોતાની ટીમની પણ 20 વિકેટો પડી ગઈ અને અંતે પરાજિત થઈ ગઈ).

પૂણે મેદાનની પિચ ટેસ્ટ રેન્કિંગ્સમાં ભારતના ટોચના બોલર એવા રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને માફક આવશે અને કાંગારું ટીમ એમના ચરણોમાં ઢળી પડશે એવી ધારણા હતી. બંનેએ તરખાટ પણ મચાવ્યો હતો અને બે દાવમાં મળીને ઓસ્ટ્રેલિયાની કુલ 12 પટકી દીધી હતી, પરંતુ સામે છેડે ઓકીફે પણ પિચનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ભારતને એકલે હાથે નમાવી દીધું. બીજા દાવમાં ઓકીફને અન્ય સ્પિનર નેથન લિયોનનો સાથ મળ્યો હતો, જેણે ભારતના 4 બેટ્સમેનને આઉટ કર્યા હતા.

સમગ્ર મેચમાં બંને ટીમના મળીને 31 બેટ્સમેન સ્પિન બોલિંગ સામે આઉટ થયા હતા. (ભારતના 17 અને ઓસ્ટ્રેલિયાના 14).

શુક્રવાર, 24 ફેબ્રુઆરીએ મેચના બીજા દિવસની સવારે કોઈને કલ્પના પણ નહોતી કે ઓકીફ આજે ટીમ ઈન્ડિયાને ધ્રૂજાવી દેશે. એણે માત્ર 24 બોલમાં જ ભારતની 6 વિકેટ પાડી દીધી હતી.

પૂણે ટેસ્ટમાં ભારતને હરાવવામાં ઓકીફનો સિંહફાળો રહ્યો હતો, પણ કેપ્ટન સ્ટીવન સ્મીથે બીજા દાવમાં કરેલી સેન્ચુરી (109) પણ નોંધનીય હતી. ભારતની ધરતી પર સ્મીથની આ પહેલી ટેસ્ટ સદી છે. કુલ 18 સેન્ચુરીઓમાં આને તે પોતાની બેસ્ટ માને છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા હવે ચાર-મેચોની સિરીઝની બીજી ટેસ્ટ મેચ માટે ચોથી માર્ચથી બેંગલુરુમાં ટકરાશે.

આ બોલર, ઓકીફ સિરીઝમાં કોહલી અને એના સાથીઓને ધોળે દિવસે કોણ જાણે હજી કેવા તારા બતાવશે.

કોણ છે આ સ્ટીવ ઓકીફ?

સ્ટીફન નોર્મન જોન ઓકીફ મલેશિયામાં જન્મ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ કક્ષાની ક્રિકેટમાં એ 2005થી રમતો આવ્યો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવામાં સફળ થયો છે છેક આયુષ્યના 33મા વર્ષમાં. પૂણેમાં રમ્યો હતો તે એની કારકિર્દીની માત્ર પાંચમી જ ટેસ્ટ મેચ હતી અને આ એનો પહેલો જ એશિયાઈ પ્રવાસ છે.

શેન વોર્નનો યુગ જ્યારે ચાલતો હતો ત્યારે એમ કહેવાય છે કે બીજા કોઈ બોલરને ઓસ્ટ્રેલિયન ઈલેવનમાં સ્થાન મેળવવાનું મુશ્કેલ હતું, પરંતુ શેન વોર્નની નિવૃત્તિ બાદના સમયગાળામાં પણ ઓકીફની બોલિંગ ચતુરાઈ પર કોઈનું ધ્યાન ન ગયું અને એને ટીમમાં સ્થાન મેળવવા માટે આટલા બધા લાંબા સમય સુધી રાહ જોવી પડી એ તેને માટે મોટી કમનસીબી કહેવાય.

ઓકીફ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયા-A, ન્યૂ સાઉથ વેલ્સ, સિડની સિક્સર્સ વતી રમે છે અને આઈપીએલ સ્પર્ધામાં કોચ્ચી ટસ્કર્સ કેરાલા વતી (2011માં) રમ્યો હતો. એ પોતાની પહેલી ટેસ્ટ મેચ 2014માં દુબઈમાં પાકિસ્તાન સામે રમ્યો હતો. ઓકીફ 67 વન-ડે ઈન્ટરનેશનલ્સ અને 7 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો પણ રમી ચૂક્યો છે, પરંતુ એનો અત્યાર સુધીનો બેસ્ટ દેખાવ ભારત સામે રહ્યો છે.

પૂણે મેચમાં પોતાની જાદુઈ સ્પિન બોલિંગની સફળતા વિશે ઓકીફે કહ્યું કે, મેચ પૂર્વે નેટ્સમાં મેં બોલિંગમાં અમુક જુદા જુદા ફેરફારો કરવા માટે પ્રેક્ટિસ કરી હતી. જેમ કે સીમ એંગલ અને આર્મ એંગલમાં થોડા થોડા ફેરફારો કરવાનું હું શીખ્યો હતો. કોઈને એનું ધ્યાન પણ ગયું નહીં હોય, પણ મને એનાથી જબ્બર ફાયદો થયો એ માત્ર હું જ જાણું છું.

ઓકીફે ભારતના પ્રવાસે આવતા પહેલાં બે મહત્વના નિર્ણય લીધા હતા. એક, ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક સ્પર્ધા બિગ બેશ લીગમાં રમવું નહીં અને બીજો, દારૂ પીવાનું સદંતર છોડી દેવું.

ભારતના પ્રવાસ માટેની ઓસીઝ ટીમમાં પોતાની પસંદગીની જાણ થઈ ત્યારે ઓકીફ સમજી ગયો હતો કે આ તેને માટે છેલ્લો ચાન્સ છે. ખુદ શેન વોર્ને પણ ઓકીફની ટીમમાં પસંદગી કરવાના નિર્ણયની ટીકા કરી હતી.

ભારતની ધરતી પર પગ મૂક્યો એ પહેલાં ઓકીફ માત્ર ચાર ટેસ્ટ રમ્યો હતો અને એમાં માત્ર 14 વિકેટ લીધી હતી. 2014માં પાકિસ્તાન અને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ઈજા થતાં એને પોતાની કારકિર્દીનો અંત નજીક આવી ગયાની લાગણી થઈ હતી. ત્યાં જ એને ભારતપ્રવાસમાં પસંદગી થયાના સમાચાર મળ્યા. જાણે લોટરી જ લાગી ગઈ.

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS