Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page
રવિ શાસ્ત્રીઃ ખેલાડીથી લઈ કોચ સુધીની સફર…

ભારતીય ક્રિકેટની હાલત આમ તો સારી દેખાય છે. વિરાટ કોહલીના કેપ્ટનપદ હેઠળ ટીમ ઈન્ડિયાએ છેલ્લા બે વર્ષમાં ઘણી સફળતા હાંસલ કરી છે. હાલમાં જ સમાપ્ત થયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં એ રનર્સ-અપ રહી હતી. તે છતાં કોહલી અને કોચ અનિલ કુંબલે વચ્ચેના કથિત અણબનાવને કારણે ભારતીય ડ્રેસિંગ રૂમની સ્થિતિ ગંભીર અને ચિંતાજનક બની ગઈ હતી. નકારાત્મક્તા આશ્ચર્યજનક રીતે મોટું સ્વરૂપ ધારણ કરી રહી હતી. કુંબલેના રાજીનામા બાદ ક્રિકેટ બોર્ડ ટીમ ઈન્ડિયાને, ખાસ કરીને કેપ્ટન કોહલીને શાંત અને નિયંત્રણમાં રાખે એવી કોઈક વ્યક્તિની તલાશમાં હતું. વિસ્તૃત વિચારવિમર્શ બાદ અને સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વી.વી.એસ. લક્ષ્મણની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિની ભલામણને આધારે બોર્ડે રવિ શાસ્ત્રીના હાથમાં ટીમ ઈન્ડિયાનું કોચપદ સોંપી દીધું છે.

કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કોઈ ભવ્ય ભૂતકાળ નથી, પણ ભારતીય ટીમનો પ્રોફેશનલ અભિગમ બગડે નહીં એની આવશ્યક્તાને જોતાં ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા શાસ્ત્રી બેસ્ટ પસંદગી છે.

તેંડુલકર, ગાંગુલી, લક્ષ્મણ (સલાહકાર સમિતિ)

હેડ કોચ પદની રેસમાં વિરેન્દર સેહવાગ, ટોમ મૂડી (ઓસ્ટ્રેલિયા), લાન્સ ક્લુસનર (દક્ષિણ આફ્રિકા) જેવા ધુરંધરો પણ હતા, પણ જેવા શાસ્ત્રી રેસમાં સામેલ થયા કે તરત જ એ આ પદ માટે હોટ ફેવરિટ બની ગયા હતા.

કોહલી ખમતીધર ખેલાડી ઉપરાંત લાગણીશીલ અને ટેલેન્ટેડ ક્રિકેટર છે. શાસ્ત્રીના રૂપમાં કોહલીને એક એવા વિશ્વાસુ ઉપરી મળ્યા છે જે એને સફળતાની નવી ઊંચાઈ પર લઈ જવામાં મદદરૂપ થશે.

હાલ 55 વર્ષીય શાસ્ત્રી 2014-2016માં આઠ-મહિના માટે ‘ટીમ ડાયરેક્ટર’ પદે રહ્યા હતા ત્યારે એમની દેખરેખ હેઠળ ટીમ ઝળકી હતી. એમના માર્ગદર્શન હેઠળ ભારત 2015ની વર્લ્ડ કપમાં સેમી ફાઈનલમાં પહોંચ્યું હતું. ભારત 22 વર્ષના સમયગાળા બાદ શ્રીલંકામાં ટેસ્ટ સિરીઝ જીતી શક્યું હતું અને ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાને 3-0થી પરાસ્ત કર્યું હતું અને એશિયા કપ વિજેતા બન્યું હતું.

ખેલાડીઓ સાથે સતત સંપર્કમાં રહીને પોઝિટીવ વાતો જ કરવી એ શાસ્ત્રીનો સૌથી મોટો ગુણ ગણાય છે.

ડ્રેસિંગ રૂમમાં વહેલામાં વહેલી તકે વિશ્વાસના વાતાવરણનું નિર્માણ કરવામાં શાસ્ત્રી સફળ થશે એવી મોટા ભાગનાં લોકોએ આશા અને ખાતરી વ્યક્ત કરી છે. કોહલી સાથે સારું બનતું હોવાથી શાસ્ત્રીનું આ કામ સહેલું બનશે.

એમાંય શાસ્ત્રીને બે અનુભવીઓની કંપની મળશે. બોલિંગ કન્સલ્ટન્ટ તરીકે ઝહીર ખાન અને બેટિંગ કન્સલ્ટન્ટ તરીકે રાહુલ દ્રવિડની.

સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ માટે નિમાયેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)એ હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની નિમણૂકને મંજૂર રાખી લીધી છે, પણ ભારતીય ટીમના બોલિંગ કન્સલ્ટન્ટ તરીકે ઝહીર ખાન અને બેટિંગ કન્સલ્ટન્ટ તરીકે રાહુલ દ્રવિડ વિશે ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા કરાયેલી ભલામણ પરનો નિર્ણય હાલપૂરતો મોકૂફ રાખ્યો છે.

કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA) 22 જુલાઈ સુધીમાં હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે મસલત કર્યા બાદ ટીમના સપોર્ટ સ્ટાફની ભરતી કરશે. ત્યાં સુધી ઝહીર અને દ્રવિડની નિયુક્તિ અધ્ધર છે.

CoA દ્વારા ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. તેના ચાર સભ્યો છે – વિનોદ રાય, ડાયના એડલજી, બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી, બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરી.

શાસ્ત્રી પોતે સ્પિનર (ડાબોડી) અને ઓલરાઉન્ડર હતા એટલે રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ જેવા સ્પિનર, હાર્દિક પંડ્યા જેવા ઓલરાઉન્ડર, તથા જસપ્રીત બુમરાહ જેવા યુવા બોલરોને પોતાના અનુભવ અને કૌશલ્ય દ્વારા કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થશે.

32 વર્ષ પહેલાં 1985માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ ક્રિકેટ સ્પર્ધામાં ભારત વિજેતા બન્યું હતું અને શાસ્ત્રીને એમના ઓલરાઉન્ડ દેખાવને માટે ‘ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ’ (મેન ઓફ ધ ટુર્નામેન્ટ) તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એ ઈનામરૂપે એમણે મેળવેલી ઔડી કાર આજે પણ લોકોને યાદ છે. સમગ્ર સ્પર્ધામાં એમણે કુલ 182 રન કર્યા હતા અને 8 વિકેટ લીધી હતી. એ વખતે શાસ્ત્રીની ઉંમર 23 વર્ષની હતી અને તેઓ રાતોરાત ક્રિકેટસ્ટાર બની ગયા હતા.

1981માં કારકિર્દીનો આરંભ કરી 1992માં શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા, પણ ભારતીય ટીમના વિકાસ માટે યોગદાન આપવાના એમના દ્રઢનિર્ધારે આજે એમને હેડ કોચ પદ અપાવ્યું છે.

ભારત હવે શ્રીલંકાના પ્રવાસે જશે જ્યાં તે ત્રણ ટેસ્ટ મેચ, પાંચ વન-ડે ઈન્ટરનેશનલ્સ અને એકમાત્ર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. ટીમ ઈન્ડિયાનો શ્રીલંકાપ્રવાસ 26 જુલાઈથી શરૂ થશે અને 6 સપ્ટેંબરે પૂરો થશે.

ભારતીય ટીમ ત્યારબાદ આ વર્ષના અંતભાગમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે જ્યાં તે નવેંબર અને 2018ના જાન્યુઆરી વચ્ચે શ્રેણીઓ રમશે. દક્ષિણ આફ્રિકા બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમશે 2019માં આઈસીસી ODI વર્લ્ડ કપ આવશે.

શાસ્ત્રી એમની 11 વર્ષની કારકિર્દીમાં 80 ટેસ્ટ મેચ અને 150 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમ્યા હતા. બંને ફોર્મેટ મળીને એમણે 6,918 રન કર્યા હતા અને 280 વિકેટ લીધી હતી.

1988માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમેચમાં તેઓ ભારતીય ટીમના કેપ્ટન નિમાયા હતા. એમાં તેમણે 43 રન કર્યા હતા. તેઓ મુંબઈની રણજી ટ્રોફી ટીમના પણ કેપ્ટન રહી ચૂક્યા છે. ક્રિકેટર તરીકે પોતાની છેલ્લી સીઝનમાં એમણે મુંબઈને રણજી ચેમ્પિયન બનાવ્યું હતું. ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં તેઓ ગ્લેમોર્ગન વતી રમ્યા હતા.

શાસ્ત્રીનો પગાર કેટલો?

રવિ શાસ્ત્રીને હેડ કોચ તરીકે કેટલું મહેનતાણું મળશે એ આંકડો હજી સત્તાવાર રીતે જાહેર કરાયો નથી, પણ બિનસત્તાવાર રીતે એવું કહેવાય છે કે શાસ્ત્રી એમની મુદત માટે લગભગ સાત કરોડ રૂપિયા મેળવશે.

કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA) દ્વારા એ માટે ચાર-સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે. વિનોદ રાય, ડાયના એડલજી, બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી, બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીની બનેલી સમિતિ શાસ્ત્રીના પગાર વિશે CoAને ભલામણ કરશે અને 22 જુલાઈ સુધીમાં એ વિશે નિર્ણય લેવાઈ જશે. જોકે ત્યાં સુધીમાં તો ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે ઉપડી ગઈ હશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS