Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page
 
સંઘર્ષના દિવસોમાં મેગી નૂડલ્સ ખાઈને ટકી રહેલાં હાર્દિક અને કૃણાલ પંડ્યાએ હવે મૂકી છે સફળતા ભણી જોરદાર દોટ

ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક વખતથી ગુજરાતનું યોગદાન વધતું રહ્યું છે અને ત્યાંથી મળેલા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય, સ્થાનિક કે આઈપીએલ લીગ સ્પર્ધાના સ્તરે ઈમ્પ્રેસિવ દેખાવ કરી રહ્યા છે. પાર્થિવ પટેલ, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, જસપ્રીત બુમરા જેવા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને સફળતા અપાવી રહ્યા છે તો વડોદરાના પંડ્યા બંધુઓ – હાર્દિક અને કૃણાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં ધમાલ મચાવી રહ્યા છે. હાર્દિકે તો મર્યાદિત ઓવરોવાળી ક્રિકેટમાં પણ રમવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત કર્યું છે.

એક જ ઘરમાં રહેતા કૃણાલ-હાર્દિક હવે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ વતી રમીને એક જ ડ્રેસિંગ રૂમ શેર કરી રહ્યા છે.

વડોદરાના પઠાણ બંધુઓ – ઈરફાન અને યુસુફ બાદ હવે પંડ્યા ભાઈઓ – હાર્દિક અને કૃણાલ ક્રિકેટમાં એમની યશગાથાની એવી જ સ્ટોરી લખાવી રહ્યા છે. નાનો ભાઈ હાર્દિક તો ભારત વતી આંતરરાષ્ટ્રીય સ્તરે મર્યાદિત ઓવરોની મેચોમાં રમે જ છે અને મોટો ભાઈ કૃણાલ પણ સતત સંકેત આપી રહ્યો છે કે ઈન્ડિયન ઈલેવનમાં એનું સ્થાન પાકું થયું જ સમજો.

આ બંને ઓલરાઉન્ડર ભાઈઓ હાલ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ વતી રમી રહ્યા છે અને એ દિવસો બહુ દૂર નથી કે જ્યારે આંતરરાષ્ટ્રીય મેચમાં રાષ્ટ્રીય ટીમ વતી તેઓ સાથે રમવા જોવા મળશે.

પોતાના આ બંને દીકરાને ભારત વતી સાથે રમવાનું એમના માતા-પિતા નલિનીબહેન અને હિમાંશુ પંડ્યાએ સપનું જોયું છે અને એ સાકાર થશે એમાં કોઈ શંકા નથી.

આઈપીએલ સ્પર્ધાના ખેલાડીઓ માટે આ વર્ષની હરાજીમાં મુંબઈ ફ્રેન્ચાઈઝે કૃણાલ પંડ્યાને બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 1991માં જન્મેલા કૃણાલે હજી ગઈ 24 માર્ચે જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેનાથી અઢી વર્ષ નાના હાર્દિકને પણ મુંબઈની જ ટીમના માલિકોએ રૂ. 10 લાખમાં ખરીદ્યો હતો. પણ આ બંને ભાઈ એમની ટીમને દરેક મેચમાં જિતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

24 વર્ષીય ડાબોડી બેટ્સમેન કૃણાલ અને 22 વર્ષીય જમણેરી બેટ્સમેન હાર્દિક એમના માલિકોએ ખર્ચેલા પૈસાનું જોરદાર રીતે વળતર આપી રહ્યા છે. બંને ભાઈ આ વર્ષની આઈપીએલમાં અત્યાર સુધીમાં પાંચ મેચ રમી ચૂક્યા છે જેમાં એમણે બતાવેલા ઓલરાઉન્ડ દેખાવની મદદથી મુંબઈની ટીમ ત્રણ મેચ જીત્યું છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની લીગ મેચમાં તો કૃણાલે બે કિંમતી વિકેટ ઝડપી હતી. એબી ડી વિલિયર્સ અને કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કરીને એણે બેંગલોરના આક્રમક વલણને અટકાવી દીધું હતું. એ મેચ અંતે મુંબઈ છ-વિકેટથી જીતી ગયું હતું.

2015માં કૃણાલે ઘરમાં બેસીને ટીવી પર નાના ભાઈ હાર્દિકને મુંબઈ ટીમ વતી રમતા જોયો હતો અને આઈપીએલમાં હાર્દિક સાથે મળીને બ્લુ જર્સીમાં રમવાની ઈચ્છા રાખી હતી. એની એ ઈચ્છા 2016માં પૂરી થઈ હતી અને બંને ભાઈ સાથે મળીને મુંબઈ વતી રમ્યા હતા. ગયા વર્ષે તેઓ પ્રભાવિત કરી શક્યા નહોતા અને મુંબઈની ટીમ પણ પ્લે ઓફ્સમાં પહોંચી શકી નહોતી. પરંતુ, આ વખતનું વર્ષ બંને ભાઈ માટે અલગ અને સફળતા અને આનંદભર્યું છે. સાથે મળીને રમવાનું નસીબ પ્રાપ્ત થયું હોઈ બેઉ ભાઈ ખૂબ જ ગર્વની લાગણી મહેસુસ કરી રહ્યા છે.

કૃણાલ પણ મુંબઈ ટીમમાં સામેલ થયો એ અમારા માટે વિશેષ પ્રસંગ હતો. સાથે રમવાનું અમે હંમેશાં સપનું નિહાળ્યું હતું, જે સાકાર થયું છે, એવું હાર્દિક કહે છે.

હવે કૃણાલની ઈચ્છા હાર્દિકની સાથે રાષ્ટ્રીય ટીમ વતી આંતરરાષ્ટ્રીય મેચમાં સાથે રમવાની છે.

કૃણાલ અને હાર્દિક, બંને જણ ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરેની ક્રિકેટ એકેડેમીના પ્રોડક્ટ્સ છે.

મોરે બંને ભાઈને ‘મેગ્ગી બ્રધર્સ’ કહે છે. કારણ કે, બેઉ ભાઈ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા હતા અને એ વખતે ખૂબ સંઘર્ષમય જીવન જીવતા હતા. રોજ આખું લંચ ખાવાનું પરવડે એમ ન હોવાથી કૃણાલ અને હાર્દિક મેગ્ગી નૂડલ્સ ખાઈને ટકી રહેતા હતા અને ક્રિકેટની તાલીમમાં પૂરા દિલથી અને જોશપૂર્વક ભાગ લેતા હતા.

બંને દીકરાને ક્રિકેટર બનાવવા માટે હિમાંશુભાઈએ ઘણો ભોગ આપ્યો છે. શહેરમાં ક્રિકેટ કાર્નિવલનું આયોજન કરાતું હતું ત્યારે તેઓ બંનેને ત્યાં લઈ જતા હતા અને વખત જતાં કિરણ મોરેની ક્રિકેટ એકેડેમીમાં દાખલ કરાવ્યા હતા. કૃણાલ મર્યાદિત ઓવરોવાળી ક્રિકેટનો સ્પેશિયાલિસ્ટ ગણાય છે. 2015માં એને ખભાની ઈજા થઈ હતી અને એ માટે સર્જરી પણ કરાવવી પડી હતી. પરંતુ એમાંથી તે ઝડપથી સાજો થઈ ગયો હતો.

વડોદરામાં કૃણાલ બરોડા ક્રિકેટ એસોસિએશન ઈલેવન, બરોડા અન્ડર15, બરોડા અન્ડર17, બરોડા અન્ડર-19 ટીમો વતી રમી ચૂક્યો છે. એ ડાબોડી બેટ્સમન અને ડાબોડી સ્પિનર છે તો હાર્દિક જમણેરી બેટ્સમેન અને મધ્યમ ઝડપી બોલર છે. હાર્દિક પણ વડોદરાની ટીમો વતી ઘણી સ્થાનિક સ્તરની મેચો રમી ચૂક્યો છે. આઈપીએલમાં તો બંને ભાઈ મુંબઈ ઈન્ડિયન્સ માટે કરોડરજ્જુ સમાન બની ગયા છે.

હિમાંશુભાઈ કહે છે, 19 વર્ષ પહેલાં અમે સુરતમાં રહેતા હતા, પણ દીકરાઓ વધુ સારી ક્રિકેટ ક્ષમતા હાંસલ કરે એ ઉદ્દેશ્યથી અમે વડોદરા શિફ્ટ થયા હતા. અમારું એ બલિદાન રંગ લાવ્યું છે.

ઓટોમોબાઈલ લોન એજન્ટ તરીકે વ્યવસાય કરતા હિમાંશુભાઈને 2011માં હાર્ટ એટેક આવતાં પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું હતું. કૃણાલ-હાર્દિકની ક્રિકેટ તાલીમનો ખર્ચો ઉઠાવવાનું કઠિન થઈ પડ્યું હતું. છેવટે, 2013માં હાર્દિક વડોદરા રણજી ટ્રોફી ટીમ વતી રમતો થયો એ સાથે જ પરિવારનું આર્થિક સંકટ થોડુંક હળવું થયું હતું.

ત્યારબાદ પંડ્યા પરિવારના જૂના સારા દિવસો પાછા આવ્યા હતા અને એમણે ઓલ્ડ પાદરા રોડ પર પેન્ટહાઉસ ખરીદ્યું હતું.

બંને દીકરાના શાનદાર પરફોર્મન્સને લીધે એમની કારકિર્દી આગળ વધવાના સંકેત મળતાં હિમાંશુભાઈ અને નલિનીબહેન પંડ્યાએ મુંબઈમાં પણ એક ઘર ખરીદ્યું છે. અંધેરીના વર્સોવા વિસ્તારમાં એમણે બે-બેડરૂમવાળો વેલ ફર્નિશ્ડ ફ્લેટ ખરીદ્યો છે. મુંબઈમાં મેચ હોય ત્યારે સમગ્ર પરિવાર આ ફ્લેટમાં રહે છે. પરંપરાગત કુંભવિધિ સંપન્ન કરાવીને એમણે આ નવા ઘરમાં રહેવાનું શરૂ કર્યું છે. જોકે વડોદરાથી મુંબઈ શિફ્ટ થવાનો પંડ્યા પરિવારનો હાલ કોઈ વિચાર નથી, એવી હિમાંશુભાઈએ સ્પષ્ટતા કરી છે.

કૃણાલ આ વર્ષના ડિસેંબરમાં દિલ્હીની યુવતી સાથે લગ્ન કરવાનો હોવાની ચર્ચા છે, પણ હાર્દિકને પરણાવવાનો માતા-પિતાનો હાલ કોઈ પ્લાન નથી.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS