Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગામી તારીખ ૨૯-૦૬-૨૦૧૭એ શુક્ર તેની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરશે જયારે તારીખ ૦૩-૦૭-૨૦૧૭એ બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર વૃષભ રાશિમાં ૨૫-૦૭-૨૦૧૭ સુધી રહેશે, જયારે બુધ કર્ક રાશિમાં ૨૦-૦૭-૨૦૧૭ સુધી રહેશે. બંને ગ્રહો ઝડપી ભ્રમણ કરતાં ગ્રહો છે, છતાં આ બંને ગ્રહોનું રાશિ પરિવર્તન બારેય રાશિના જાતકોના જીવનમાં આર્થિક અને સામાજિક રીતે ટૂંકા ગાળાના પરિવર્તન આપી શકે છે, મુખ્યત્વે આ ગ્રહોની અસરો ત્વરિત લીધેલાં નિર્ણયો પર ચોક્કસ અનુભવી શકાય.

શુક્ર મૂળભૂત રીતે સંબંધનો ગ્રહ છે તથા શુક્ર એટલે લક્ષ્મી પણ કહેવાય છે. શુક્ર સ્વરાશિમાં જશે એટલે આ સમય દરમિયાન દેશની નાણાકીય બાબતો અને ખાસ તો રાષ્ટ્રીય સંપત્તિને લગતા પ્રશ્નો ચર્ચામાં આવી શકે છે, શુક્રનું ભ્રમણ આ પ્રશ્નોમાં રાષ્ટ્રીય સ્તરે ચોક્કસ લાભ આપી જશે. સ્વતંત્ર ભારતની કુંડળી વૃષભ લગ્નની છે, શુક્રનો વૃષભ પ્રવેશ દેશમાં આર્થિક બાબતો માટે શુભ સાબિત થશે. સૂર્ય અને મંગળની બીજા ભાવે ઉપસ્થિતિ દેશમાં નાણાકીય બાબતો અને તેનું આયોજન ખૂબ સક્રિય છે તેના સંકેત કરે છે. બેંક અને બીજી આર્થિક સત્તાઓની હિલચાલ આ સમય દરમિયાન જનમાનસમાં નોંધનીય રહેશે.

શુક્ર અને બુધના રાશિ પરિવર્તનનો બારેય રાશિઓ પર નીચે મુજબ ફળાદેશ છે:

મેષ: મેષ રાશિના જાતકોને નાણાકીય બાબતો ફળશે. બીજા ભાવે શુક્ર આવવાથી તમને ટૂંકા ગાળામાં મોટો ધન લાભ થાય તેની શક્યતાઓ નકારી શકાય નહી.. બુધ સુખ ભાવમાં આવશે, મકાન કે માતૃ પક્ષે વધુ ધ્યાન આપવું પડી શકે, નવી મિલકત ખરીદીમાં આ મહિનો ધીરજ રાખવી લાભ આપી શકે. શુક્ર શુભ થાય એ માટે, મંદિરમાં ઘીની ભેટ આપી શકાય.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને શરૂઆતમાં નજીકના લોકોથી ખટપટનો અનુભવ થાય, સ્વાસ્થ્ય નરમ રહે. પરંતુ તમે પોતાના કાર્યોમાં ખૂબ ઝડપથી આગળ વધી શકો. પ્રાથમિક અવરોધો છતાં તમને લાભ થાય. બુધ ત્રીજા ભાવે આવશે, સંતાન ક્ષેત્રે પ્રગતિ થાય. સંતાન વિષયક ચિંતા હોય તો દૂર થાય. વ્યવસાયમાં તકલીફ હોય તો ઉપાય તરીકે કાળી ગાયની સેવા કરવી.

મિથુન: મિથુન રાશિ માટે શુક્ર બારમે થશે, આ શુક્ર સંતાન બાબતે લાભ આપી શકે. શેર કે લે-વેચની બાબતમાં તમને અણધાર્યો લાભ થાય. વ્યવસાયમાં સ્વપ્રયત્ને તમે મોટું કાર્ય પાર પડી શકો. વ્યવસાયમાં ઘરાકી વધી શકે. કૌટુંબિક બાબતોમાં સમસ્યાઓ દૂર થશે. વિષ્ણુ ભગવાનની આરાધના લાભ આપે.

કર્ક: કર્ક રાશિના જાતકો માટે આ સમય ટૂંક સમય માટે તકલીફ આપી શકે, બુધનું કર્ક રાશિમાં ભ્રમણ તમને થોડા સમય માટે ચિંતાનો અનુભવ કરાવી શકે. તમારા ધાર્યા પ્રમાણે કાર્ય ના થાય તેવું બને. તમે કોઈ કાર્યમાં મિત્રોની સલાહથી તરત પગલું લો તેવું બને, પ્રેમ સંબંધમાં સાચવવું. વાણી સંયમ રાખવો, બુધનો રંગ લીલો છે, લીલા રંગના કપડાં આ સમય દરમિયાન ના પહેરવા.

સિંહ: સિંહ રાશિના જાતકોએ પોતાના કાર્યક્ષેત્રે ઉપરી વર્ગ સાથે સુમેળ રાખીને કાર્ય કરવું. ઘરમાં વડીલ વર્ગને તેમની ઈચ્છા પ્રમાણે ખુશ રાખવા જોઈએ. આ સમય દરમિયાન તમે વધુ ખર્ચનો અનુભવ કરશો. પોતાના આયોજનથી વિરુદ્ધ તમારે ઓચિંતો પ્રવાસ કરવો પડી શકે. શનિવારે હનુમાનજીના દર્શન અને ઉપાસના કરવા.

કન્યા: કન્યા રાશિના જાતકોને શુક્રનું ભ્રમણ ધાર્મિક આસ્થા વધારનારું સાબિત થશે, તમે પોતાના આત્મવિશ્વાસ અને અન્ય લોકો પર તમારા પ્રભાવમાં વધારો અનુભવશો. વ્યવસાયમાં આવક વધશે, સામાજિક બાબતોમાં તમને સરળતા જણાશે. શુભ ઉપાય તરીકે, વિષ્ણુ ઉપાસના, ગીતાનું વાંચન લાભદાયી રહે.

તુલા: તુલા રાશિના જાતકોને જીવનસાથી તરફથી ઉમદા સાથ સહકાર મળે, કૌટુંબિક ગૂંચવણ કે નાણાકીય બાબતો અન્યની મદદથી હલ થાય. બેંક કે નાણાકીય ધીરાણની બાબતોમાં તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થાય. નોકરીમાં બદલાવ આવી શકે. કાર્યક્ષેત્રે ઉપરી વર્ગ સાથે મનમેળ વધારવો. લક્ષ્મીજીની ઉપાસના લાભદાયી રહે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને શુક્ર, લગ્ન વિષયક બાબતોમાં ફળશે, લગ્ન બાબતે કોઈ નિર્ણય કરવાનો હોય તો તેમાં ગતિ આવે અને શુભ સમાચાર મળી શકે. આ રાશિના જાતકોએ લાંબા પ્રવાસ ટાળવા જોઈએ. વ્યવસાય બાબતે કરેલો પ્રવાસ તમને લાભ આપી શકે નહી તેવું બને. ઉપાય તરીકે ચાંદીનું આભૂષણ ધારણ કરવું.

ધન: ધન રાશિના જાતકો માટે શુક્રનું ભ્રમણ શત્રુની તકલીફ દૂર કરનારું સાબિત થશે. વ્યવસાય કે કાર્યસ્થળે શત્રુ વર્ગથી તમે રાહત અનુભવો, તમારા પ્રતિસ્પર્ધીઓ સાથે તમે સમાધાનકારી વલણ અપનાવવામાં સફળ થાઓ. મોટી માંદગી હોય તો વધુ ધ્યાન આપવું. ઉપાય તરીકે દતાત્રેય ભગવાનની સ્તુતિ, દત્ત બાવનીના પાઠ શ્રદ્ધાપૂર્વક કરવા.

મકર: મકર રાશિના જાતકો માટે શુક્રનું ભ્રમણ આર્થિક લાભ આપશે. તમે અનુભવશો કે વ્યવસાયમાં કે નોકરીમાં તમારી ધારણા પ્રમાણે કાર્ય થઇ રહ્યું છે. તમારી આવડત અને કુશળતા તમને લોકોમાં પ્રશંસા અપાવી શકે. સંતાન બાબતે પ્રશ્ન હોય તો તે ઝટ ઉકેલાશે. ગ્રહોનું શુભત્વ વધારવા પીપળાના વૃક્ષના દર્શન અને પરિક્રમા કરવી.

કુંભ: શુક્રનું વૃષભમાં ભ્રમણ કુંભ રાશિના જાતકો માટે સ્થિર સંપતિમાં લાભ આપનારું સાબિત થશે. કાર્યસ્થળે અને વ્યવસાયમાં તમારું સ્થાન મજબૂત થશે. સામાજિક બાબતો કે કૌટુંબિક બાબતોમાં તમારો નિર્ણય બધાનું દિલ જીતી લે તેવું બની શકે. કોઈ મૂંઝવણ હોય તો વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા શીઘ્ર ફળદાયી નીવડે.

મીન: મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન સટ્ટાકીય બાબતોથી દૂર રહેવું જોઈએ. તમે પોતાના નાણાકીય આયોજનમાં દ્વિધા અનુભવો તેવું બને. વ્યવસાયમાં જરૂર પડ્યે અન્ય જાણકાર માણસોની સલાહ લેવી જરૂરી જણાય છે. સંતાન વિષયક બાબતોમાં આ સમય દરમિયાન વધુ ધ્યાન આપવું. ઘરમાં આનંદ અને ઉત્સાહ રહે. વ્યવસાય અને નોકરીમાં સુખ વધે તે માટે ગુરુજનોના આશીર્વાદ લેવા જોઈએ.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS