Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

યારે વાત જ્યોતિષની હોય ત્યારે ગ્રહોના રત્નોની વાત અચૂક આવે જ છે. ગ્રહોના રત્નો જે-તે ગ્રહની ઊર્જાનો સૂક્ષ્મ ભાગ છે, જે તે ગ્રહને રજૂ કરતા ગ્રહોના રત્ન પહેરવાથી ગ્રહદોષનો પરિહાર થાય છે, પ્રાચીન આચાર્યોએ પણ આ વાતનો પોતાની સંહિતાઓમાં ઉલ્લેખ કર્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રુથ્વી પર મળતા રત્નોનો ઉદભવ મહાન દાનવ રાજા બલિના શરીરમાંથી થયો છે. બલિ રાજાના શરીરના અલગ અલગ ભાગોમાંથી અલગ અલગ રત્નોનું કાળક્રમે સર્જન થયું છે. વાચકોને જાણવું રસપ્રદ થઇ પડશે કે આજ રત્નોની ભસ્મનો શરીરમાં રોગોના ઈલાજ માટે પણ ઉપયોગ થાય છે, આયુર્વેદમાં આજે પણ મોતી ભસ્મ અને પ્રવાળનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે તે ગ્રહની અસરમાં શુભ કે અશુભ માત્રામાં વધારો કે ઘટાડો કરવામાં ઉદ્દેશથી રત્ન ધારણ કરવાની સલાહ અપાય છે. સમય સાથે ગ્રહો મુજબ રત્નો પહેરવાએ જ્યોતિષનું અંગ બની ગયું, ભારતીય જ્યોતિષ મુજબ કયા ગ્રહ માટે કયા રત્ન પહેરવા તેની આજે માહિતી મેળવીશું.

ગ્રહોના મુખ્ય રત્નનો જ ઉપયોગ થાય છે તેવું નથી, નક્ષત્ર દોષ નિવારણ અને ઘણીવાર મુખ્ય રત્નના સ્થાને તેનું ઉપરત્ન પણ પહેરાય છે. જાતકના જન્મલગ્ન પ્રમાણેનું રત્ન જાતક કાયમ પહેરી શકે છે, જયારે દશાનાથ કે ગોચર ભ્રમણ મુજબ પણ રત્નો પહેરી શકાય છે. દશાનાથ ગ્રહનું રત્ન ધારણ કરવાથી દશાનાથ ગ્રહની ખરાબ અસરમાંથી બચી શકાય છે, દશાનાથ ગ્રહનું રત્ન દશાનાથ ગ્રહને પુષ્ટ કરી જાતકના જીવનમાં શુભ અસરો આપે છે. ગ્રહ રત્નનો હમેશા ત્વચાને સ્પર્શ થાય તે રીતે જ પહેરવો એવું જરૂરી નથી, જે ગ્રહની ઊર્જામાં ઘટાડો કરવાનો હોય તે ગ્રહનું રત્ન ધાતુ વડે પાછળથી બંધ કરીને પણ પહેરી શકાય.

નવગ્રહોના રત્નો:-

સૂર્ય: સૂર્યનું રત્ન માણેક છે. સૂર્ય જીવનશક્તિ, સત્તા, સ્વતંત્રતા અને સ્વાસ્થ્યનો કારક છે. સૂર્યનું રત્ન સિંહ, મેષ, અને ધન જન્મલગ્ન ધરાવતા જાતકો ધારણ કરી શકે. માણેક ત્રીજી આંગળી પર ધારણ કરવો જોઈએ. રવિવાર સૂર્યનો વાર છે, રવિવારે સૂર્યોદય પછીના પ્રથમ કલાકમાં સૂર્યનું રત્ન ધારણ કરવું જોઈએ.

ચંદ્ર: ચંદ્રના રત્ન તરીકે મોતી(મુકતા)ને ધારણ કરાય છે. ચંદ્ર ઉર્મીઓ, લાગણી, પ્રતિભાવ, માતૃત્વ અને સ્વભાવનો કારક છે. કર્ક, મીન અને વૃશ્ચિક લગ્નના જાતકો ચંદ્રનું મોતી ચોથી (છેલ્લી) આંગળી પર ધારણ કરી શકે. ચંદ્રના ઉપરત્ન તરીકે મૂનસ્ટોન પણ પહેરાય છે.

મંગળ: મંગળના રત્ન તરીકે લાલ પરવાળું પહેરી શકાય. મંગળ ગ્રહ ઉત્સાહ, ત્વરા, તાકાત, યૌવન અને પુરુષત્વને રજૂ કરે છે. મંગળ માનવ શરીરના લોહી અને સ્નાયુઓ પર શાસનકર્તા ગ્રહ છે. કર્ક, સિંહ, ધન અને મીન જન્મલગ્નના જાતકો મંગળનું રત્ન ત્રીજી આંગળી પર ધારણ કરી શકે છે.

બુધ: બુધના રત્ન તરીકે લીલા રંગનું પન્ના (મર્કટ) ધારણ કરાય છે. બુધ ગ્રહ વકતૃત્વ, તર્ક, તાલમેલ, લખાણ, બુદ્ધિ ચાતુર્ય અને અભ્યાસને રજૂ કરે છે. વૃષભ, મિથુન, કન્યા અને તુલા જન્મલગ્નના જાતકો બુધનું રત્ના છેલ્લી આંગળીએ ધારણ કરી શકે છે.

ગુરુ: ગુરુ ગ્રહના રત્ન તરીકે પોખરાજ (પુષ્પ્રાગ) ધારણ કરવામાં આવે છે. ટોપાઝ અને યલો સફાયર  બંને રત્નો ગુરુના રત્નો તરીકે ધારણ કરી શકાય છે. ગુરુ ગ્રહ સકારાત્મકતા, ભાગ્ય, જ્ઞાન, શ્રદ્ધા, અને નસીબને રજૂ કરે છે. ગુરુએ કૃપા વરસાવનાર ગ્રહ છે. ગુરુ ગ્રહ શુભ છે છતાય, મેષ, વૃશ્ચિક, ધન અને મીન જન્મલગ્નના જાતકોએ જ ગુરુ ગ્રહનો નંગ પહેરવો સલાહભર્યું રહેશે.

શુક્ર: શુક્ર પ્રેમ, પ્રણય, આકર્ષણ, જાતીયતા, સ્ત્રીત્વ અને ચમકદમકનો ગ્રહ છે. ફિલ્મ, ફેશન, સુગંધ અને શોખ માટેના ઘરેણા જેવી બાબતો શુક્ર ગ્રહ શાસિત કહી શકાય. શુક્રના રત્ન તરીકે હીરો, સફેદ સફાયર કે સ્ફટિકને ધારણ કરી શકાય. બીજી કે ત્રીજી આંગળી પર શુક્રનું રત્ન પહેરી શકાય છે. શુક્ર પણ ખૂબ શુભ ગ્રહ છે, છતાય વૃષભ, મિથુન, કન્યા, મકર, અને કુંભ જન્મલગ્ન રાશિના જાતકોએ જ શુક્રનું રત્ન ધારણ કરવું જોઈએ.

શનિ: ગ્રહમંડળમાં સૌથી વધુ પ્રભાવી અને જીવનમાં મોટા ફેરેફાર લાવનાર ગ્રહ શનિનું રત્ન નીલમ છે. લેપીસ લાઝુલી પણ શનિના ઉપરત્ન તરીકે ધારણ કરી શકાય છે. શનિ ગ્રહ નિયંત્રણ, શિસ્ત, કર્મ, અનુભવ અને મહેનતને રજૂ કરે છે. વૃષભ, તુલા અને મકર જન્મલગ્નના જાતકો શનિ ગ્રહને ધારણ કરી શકે છે. મધ્યમા એટલે કે બીજી આંગળી પર શનિનું રત્ન ધારણ કરવું જોઈએ.

રાહુ અને કેતુ: રાહુના રત્ન તરીકે ગોમેદને અને કેતુના રત્ન તરીકે વૈદુર્ય ધારણ કરાય છે. રાહુ અને કેતુ પાપગ્રહ છે, દૈત્ય ગ્રહ છે, જીવનનો ઉદ્દેશ, પૂર્વ કર્મ અને અસાધારણ વૃદ્ધિને રાહુ રજૂ કરે છે, જયારે કેતુ સંચિત કર્મ, સ્થિરતા અને અશક્તતાને રજૂ કરે છે. બહુ ઓછા સંજોગોમાં રાહુ અને કેતુના રત્ન ધારણ કરવાની સલાહ અપાય છે. ગોચર રત્નો તરીકે ક્યાં તો વિપરીત દશાઓમાં જ આ રત્નો ધારણ કરવું સલાહભર્યું રહેશે.

દરેક ગ્રહના રત્નો શુક્લ પક્ષમાં, ગ્રહના વારને દિવસે, સૂર્યોદય થયા પછીના એક કલાકમાં ધારણ કરવા જોઈએ. રત્ન ધારણ કરવાને દિવસે અમાસ કે ગ્રહણ ન હોવું જોઈએ.

Emerald Stone

ગ્રહો મુજબ રત્નો પહેરવાથી થતી અસર માટે શરીર શુદ્ધિ અને સ્વાસ્થ્ય પણ અગત્યના મુદ્દા છે. ગ્રહોના કિરણો અત્યંત સૂક્ષ્મ સ્તરે કાર્ય કરે છે, માનસિક અને સૂક્ષ્મ શરીર પર તેની અસરો છે, માટે રત્ન ધારણ કરતા સમયે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થતા હોવી પણ આવશ્યક છે. રોગગ્રસ્ત કે સ્થૂળ શરીરના લીધે રત્નની અસરકારકતામાં પરિવર્તન થઇ શકે છે.

ઘણીવાર જાતકો પોતાના વિશેષ કાર્યક્ષેત્રને અનુલક્ષીને પણ રત્ન ધારણ કરે છે, જેમ કે કળા અને ફિલ્મ સાથે સંકળાયેલા જાતકો શુક્રનું રત્ન હીરો ધારણ કરે છે. સત્તા અને સરકાર સાથે સંકળાયેલા જાતકો સૂર્યનું રત્ન માણેક ધારણ કરે છે. આજ પ્રમાણે વકીલાત, નાણાં અને વ્યાપર જગત સાથે જોડાયેલા જાતકો બુધનું રત્ન પન્ના ધારણ કરે છે. અલબત આ પ્રમાણે રત્ન ધારણ કરતા પહેલા જ્યોતિષ મુજબ સલાહ સૂચન પણ ધ્યાનમાં લેવા જરૂરી છે.

રત્ન સ્પષ્ટ, સખત અને કુદરતી ચમક ધરાવતું હોવું જોઈએ, આ ગુણો જેટલા વધારે તેટલું જ રત્ન પ્રભાવશાળી ગણાય છે. રત્નની અંદર પરપોટા, ડાઘા કે રત્નની ધાર તૂટી હોય તેવું રત્ન ઉતરતી કક્ષાનું ગણાય છે. રત્ન પરીક્ષણ માટે હવે વૈજ્ઞાનિક ઉપકરણોનો વપરાશ પણ વધ્યો છે, જાતકોએ આ રીતે શુદ્ધ રત્ન ધારણ કરતાં અચૂક ફાયદો થાય છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS