Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જ્યોતિષમાં જન્મકુંડળીના યોગ અને ગ્રહોના બળાબળ ફળ આપે છે, જન્મકુંડળી તો જાણે એકવાર વિધાતાએ નક્કી સમયે નિશ્ચિત કરી દીધી, આ જન્મ વખતના ગ્રહોનું ફળ મનુષ્ય જીવન દરમ્યાન ભોગવે છે. જન્મકુંડળીમાં ક્યાંક શુભ ગ્રહ છે તો ક્યાંક અશુભ ગ્રહ છે તો તેનું પરિણામ ક્યારે મળે ? જીવનમાં બનતી ઘટનાઓનો સંકેત ગ્રહો આપે છે, પરંતુ બનતી કે બનવાની ઘટનાનો સમય જાણવા વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં મહત્વનું અંગ એની દશા પદ્ધતિઓ છે.

પાશ્ચાત્ય જ્યોતિષમાં ઘટનાનો સમય જાણવા, મૂન પ્રોગ્રેસન, સન પ્રોગ્રેસન, સોલર આર્ક અને સોલર રીટર્ન જેવી પદ્ધતિઓ પ્રચલિત છે, વૈદિક જ્યોતિષમાં દશા પદ્ધતિઓ, ગોચર, વર્ષ કુંડળીઓ પ્રચલિત છે. દશા સાથે ગ્રહનું ગોચર પણ ફળપ્રાપ્તિનો સમય કાઢવા માટે જોવાય છે. મુખ્યત્વે મહાદશા, અંતર દશાના સ્વામી ગ્રહોનું ગોચર મહત્વનું છે. દશા પદ્ધતિઓમાં વિશોત્તરી, અષ્ટોત્તરી, કાળચક્ર અને યોગિની દશાઓ મુખ્ય છે, તેમાં પણ વિશોંત્તરી દશા સૌથી વધુ પ્રચલિત છે.

મહાદશાનાથ ગ્રહ જો બળવાન હોય, શુભ બની જન્મકુંડળીમાં બેઠો હોય તથા અન્ય પાપગ્રહો વડે જો દૂષિત ના થતો હોય તો આ ગ્રહની વિશોત્તરી મહાદશામાં જાતકને શુભફળોની પ્રાપ્તિ અને સર્વકાર્ય સિદ્ધ થાય છે. નબળાં અને શત્રુ રાશિઓમાં બેઠેલા ગ્રહો તેમની મહાદશામાં જાતકને પીછેહઠ અને તકલીફનો અનુભવ કરાવે છે. અહી આપણે વિશોત્તરી દશા પ્રમાણે ગ્રહોના કારકત્વને ધ્યાનમાં લઈને ફળાદેશ કરેલ છે. વાચકોએ નોંધ લેવી કે, ગ્રહો તેમની મહાદશા દરમિયાન તેમના સ્થાનને અનુલક્ષીને પણ ફળ આપે જ છે.નવે ગ્રહો વિશોત્તરી મહાદશામાં મહાદશા નાથ તરીકે આવે ત્યારે, શુભ હોય ત્યારે અને અશુભ હોય ત્યારે કારકત્વને અનુલક્ષીને શું વિશેષ ફળ આપશે તે નીચે મુજબ છેઃ

સૂર્ય મહાદશા (૬ વર્ષ)

શુભ: જાતકની નામના વધે છે, જાતક સત્તા હાંસલ કરે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે. પોતાના પિતા થકી વિશેષ લાભ થાય છે. સરકાર અને ઉચ્ચવર્ગ સાથે સંબંધો વધે છે. દાન અને ધર્મ કાર્ય થાય છે.

અશુભ: ૬, ૮ કે ૧૨મે બેઠેલો, અસ્તગત અને અશુભ ગ્રહો વડે દ્રષ્ટ સૂર્ય અશુભ ફળ આપી શકે છે, જાતકને આર્થિક વિપત્તિઓ આવે છે, જાતકને આંખ, હૃદય અને માથાના ભાગે તકલીફ આવી શકે છે. જાતક જો ખરાબ સંગતમાં પડે તો બદનામી પણ થાય છે.

ચંદ્ર મહાદશા (૧૦ વર્ષ)

શુભ: કેન્દ્ર કે ત્રિકોણમાં સ્વ, ઉચ્ચ કે મિત્રક્ષેત્રી અને પક્ષબળી ચંદ્ર શુભ પરિણામોની પ્રાપ્તિ કરાવી શકે, ચંદ્ર મહાદશામાં જાતકને જીવનમાં સરળતાથી સફળતા મળે છે. સંપત્તિમાં વધારો થાય છે, જાતક જો જલીય કે પ્રવાહી પદાર્થો કે ખેતીના વ્યવસાયમાં હોય તો તેને મોટો લાભ થઇ શકે છે.

અશુભ: શત્રુ રાશિમાં બેઠેલો, અસ્ત, પક્ષબળ વિહીન અને શત્રુ ગ્રહોથી દ્રષ્ટ થયેલો ચંદ્ર અશુભ ગણાય છે, અશુભ ચંદ્ર દશામાં સતત ચિંતાઓ અને નબળું મન આપે છે, જાતક પોતાના નિર્ણયોમાં સ્થિર રહી શકતો નથી. માતાને કષ્ટ આવી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે અણબનાવ બને છે.

મંગળ મહાદશા (૭ વર્ષ)

શુભ: સ્વક્ષેત્રી અને શુભ બનેલો મંગળ જાતકની ઈચ્છાશક્તિ બળવાન બને છે. જાતક પોતાના ધાર્યા કાર્યોમાં સફળતા મેળવે છે. જો મંગળ જન્મકુંડળીમાં યોગકારક હોય, તો જાતકને યાંત્રિક ચીજોના વેપાર, જમીન, મકાન લેવેચમાં ફાયદો થાય છે. દેશ કાળ જો અનુકૂળ હોય તો જાતક પોલીસ, લશ્કરમાં નોકરી કે કોઈ જનસમૂહનો વડો પણ બની શકે છે.

અશુભ: શત્રુક્ષેત્રી અને શનિ કે બુધથી દ્રષ્ટ અશુભ મંગળ મુખ્યત્વે વાદવિવાદ, શારીરિક ખામી કે અકસ્માત આપે છે. આગથી નુકસાન અને લોહીની ખામી સર્જાય છે. જાતક પોતાના અહમને લીધે મુશ્કેલીઓ વેઠે છે. કન્યા અને મિથુન લગ્નની જન્મકુંડળીમાં મંગળનું અશુભ પરિણામ અચૂક જોવા મળે છે.

રાહુ મહાદશા (૧૮ વર્ષ):

શુભ: રાહુ મિત્ર રાશિઓમાં ત્રીજે, દસમે અને અગિયારમે અશુભ ગ્રહોથી યુત કે દ્રષ્ટ ના હોય તો શુભ પરિણામોની પ્રાપ્તિ કરાવે છે. આ સિવાય કેન્દ્ર અને ત્રિકોણ સ્થાનોમાં એકલો રાહુ પણ યોગજ ગ્રહ ગણાય છે. અનાયાસે અઢળક ધનપ્રાપ્તિ થાય છે, પોતાના કર્મોનું અનેક ગણું ફળ જાણે એકસાથે મળે છે. વિદેશ સાથે વ્યાપારમાં સફળતા અને ઘણીવાર સાચા કે ખોટા રસ્તે પણ જાતક અઢળક ધન કમાય છે.

અશુભ: અશુભ રાહુની મહાદશામાં જાતકને માતાપિતાને ગુમાવવાનો ડર રહે છે, પોતાના કાર્ય અને વ્યવસાયમાં સરકારી અવરોધોનો સામનો કરવો પડી શકે. નાણાંનું અવિચારી આયોજન થઇ શકે, જેથી આર્થિક જીવનમાં ઉતારચઢાવ આવે છે. સ્વાસ્થ્ય નબળું થઇ જાય છે, રોગ જલદી ઓળખાતો નથી. આહારમાં વધુ સાચવવું પડે છે.

ગુરુ મહાદશા (૧૬ વર્ષ)

શુભ: સ્વગૃહી, ઉચ્ચક્ષેત્રી, મિત્ર રાશિઓમાં, કેન્દ્ર અને ત્રિકોણ સ્થાનોમાં રહેલો ગુરુ શુભ ફળ આપે છે, ગુરુની મહાદશામાં જાતકને ઉચ્ચપદની પ્રાપ્તિ, જ્ઞાનસંબંધી કાર્યોમાં સફળતા તથા યશ, માન અને પ્રતિષ્ઠામાં વધારો અનુભવાય છે. જો દેશકાળ અનુકુળ હોય તો, જાતકને સંતાન યોગ થાય છે, સંતાનની પ્રાપ્તિ ગુરુની મહાદશામાં થાય છે.

અશુભ: અશુભ ગુરુની મહાદશામાં જાતકને યકૃતની તકલીફ અને મેદસ્વીતા જેવા રોગ થઇ શકે. જાતકના સંતાનોને તકલીફ થઇ શકે, પોતાની સંપતિમાં ઘટાડો થાય છે. ઉચ્ચ વર્ગ સાથે સંબંધોમાં ખટરાગ તથા વડીલોને તકલીફનો સામનો કરવો પડી શકે. અશુભ ગુરુની મહાદશામાં જાતકને પોતે જ્ઞાની હોવા છતાંય નસીબની મદદ મળતી નથી.

શનિ મહાદશા (૧૯ વર્ષ)

શુભ: મિત્રક્ષેત્રી, મૂળ ત્રિકોણ રાશિમાં કે ત્રીજે, અગિયારમે રહેલો શનિ જો અન્ય શત્રુ ગ્રહો વડે દૂષિત ના હોય તો શુભ ફળ આપવા સમર્થ બને છે. શુભ શનિની મહાદશામાં શુભ કર્મોની ફળપ્રાપ્તિ થાય છે. જાતકને પોતાના પૂર્વપુણ્યનો ઉદય થયો હોય તેમ ઉચ્ચવર્ગના લોકો સાથે સંબંધો વધે છે. મોટા અને અશક્ય લાગતાં કાર્યો પરિશ્રમના જોરે શક્ય બને છે.

અશુભ: શત્રુ રાશિમાં અને મંગળ, સૂર્ય સાથે રહેલો શનિગ્રહ અશુભ પરિણામ આપે છે, અશુભ શનિની મહાદશામાં જાતકને પરિશ્રમનું ફળ મળતું ના હોય તેવો અનુભવ થાય છે. જાતકને કુસંગ થાય છે અને જાતક ખોટે રસ્તે ધન કમાવા પ્રેરાય છે. જો શનિ બારમા ભાવે હોય તો જાતકને માતાપિતા સાથે અણબનાવ અને કાયદાકીય તકલીફ આવી શકે.

બુધ મહાદશા (૧૭ વર્ષ)

શુભ: મિત્રક્ષેત્રી, કેન્દ્ર કે ત્રિકોણ સ્થાનોમાં રહેલો બળવાન બુધ ગ્રહ જાતકને વ્યાપાર-વાણિજ્યમાં સફળતા આપે છે. દેશ કાળ પ્રમાણે જો અનુકૂળતા હોય તો જાતક પોતાના અભ્યાસમાં ખૂબ પ્રગતિ કરે છે. જાહેર વહીવટ કે કાયદાકીય અભ્યાસમાં જાતક સફળતા મેળવે છે. લેખન કળા, વકતૃત્વ અને વકીલાત જેવા વિષયોમાં જાતક સફળ થઇ શકે છે.

અશુભ: મંગળ ગ્રહની રાશિમાં રહેલો કે નીચનો અને અશુભ બુધ ગ્રહ પોતાની મહાદશામાં જાતકને માનસિક દ્વિધા, રોગ આપી શકે છે. અશુભ બુધ પોતાના સંબંધીઓથી વિમુખ કરે છે. ખાસ કરીને જાતકને પોતાના ભાઈબહેન સાથે મતભેદ સર્જાઈ શકે છે. જાતકને જમીન કે ખેતી સંબંધિત કાર્યોમાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે.

કેતુ (૭ વર્ષ)

શુભ: કેતુ જો શુભ ગ્રહોથી યુત અને દ્રષ્ટ હોય કે ત્રિકોણ, ઉપચય કે કેન્દ્ર સ્થાનોમાં શુભ રાશિઓમાં એકલો હોય તો શુભ ફળ આપી શકે. શુભ કેતુની મહાદશામાં જાતકની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને સમાજમાં નામના પ્રસિદ્ધિ થાય છે. જાતક ઉચ્ચ વર્ગ સાથે સંકળાય છે, સલાહકાર બને છે અને વહીવટી ક્ષેત્રોમાં નામાંકિત બને છે.

અશુભ: કેતુ જે ગ્રહ સાથે યુત કે જેનાથી દ્રષ્ટ હોય તેવું ફળ આપે છે, જો અશુભ થયો હોય તો જાતકને આ મહાદશા ખૂબ તકલીફ આપી શકે છે. અશુભ ગ્રહોથી ઘેરાયેલા અશુભ કેતુની મહાદશામાં જાતકને પોત3ના સામાજિક જીવનથી વિમુખ થવું પડે છે. ઘણીવાર જાતક પોતાની ઓળખ ગુમાવે છે, આ મહાદશામાં હિતેચ્છુસંબંધીઓમાં ઘટાડો અને શત્રુઓમાં વધારો અનુભવાય છે.

શુક્ર મહાદશા (૨૦ વર્ષ)

શુભ: સ્વગૃહી, મૂળત્રિકોણ રાશિમાં તથા શુભ સ્થાનોમાં રહેલો શુક્ર શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે, શુક્રની મહાદશામાં વિવાહ, પ્રેમપ્રસંગમાં સફળતા, મોટા મકાન અને વાહનનું સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે. શુક્રની મહાદશામાં વિશેષ ફળ તરીકે ગૂઢ અને આધ્યાત્મિક વિદ્યાઓની પ્રાપ્તિ પણ થાય છે.

અશુભ: શત્રુ રાશિઓમાં અને નીચ રાશિમાં નિર્બળ બનેલો શુક્ર તેની મહાદશામાં જાતકને આર્થિક તકલીફ આપી શકે છે. જાતક વ્યસન અને કુસંગને લીધે નાણાં અને શરીરનો વ્યય કરે છે, શરીર નિસ્તેજ બને છે, આંખોમાં ખામી સર્જાય છે. જાતકની નજર કમજોર બને છે. અશુભ શુક્રની મહાદશામાં જાતકની પત્નીને બીમારી કે જાતકને વાહનસંબંધી તકલીફ પણ થઇ શકે છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS