Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્યની મકરસંક્રાંતિનું મહત્વ તથા સૂર્યના મકર પ્રવેશ સમયે બારેય રાશિઓનું ફળકથન:

આગામી તારીખ ૧૪ જાન્યુઆરી ૨૦૧૭ ને સવારે ૦૭:૦૮ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ (નિરયન) થશે.

ઉત્તર અયન તરફ સૂર્યના કિરણોની ગતિ, આદ્ય ગ્રંથોએ ૬ મહિના રહે તે દેવોનો દિવસ કાળ છે, જયારે દક્ષિણાયનમાં સૂર્ય રહે તે ૬ મહિના દેવોનો રાત્રિ કાળ કહ્યો છે. સૂર્યકિરણોનો ઉત્તર અયન તરફનો ૬ મહિનાનો કાળ, એ શુભ મનાયો છે. સહજ છે કે દેવોની જાગ્રત અવસ્થા રહેતાં સામાજિક જીવનમાં મંગળ કાર્યો પણ થાય છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે સાથેસાથે વસંતઋતુ આવે તેનો સમગ્ર પ્રકૃતિમાં આનંદ સંચાર પણ અનુભવી શકાય છે.

ઉત્તરાયણ દરમિયાન નદીમાં સ્નાનનું મહત્વ છે, ૧૪ જાન્યુઆરી ૨૦૧૭ ને સવારે ૦૭:૦૮ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે, માટે સવારના ૦૭:૦૮ પછીના ૨ કલાક (૦૯:૦૮ સવારના સુધી) દાન અને સ્નાન માટે ઉત્તમ કહી શકાય. જયારે મકર સંક્રાંતિ પછીના ૧૨ કલાક દરમિયાન સુધી આ સમય શુભ અને દાન કરવા માટે ગ્રાહ્ય છે. આ દરમિયાન કરેલ દાનનું મહત્વ અનેકગણું છે, તેમ શાસ્ત્રકારોએ કહ્યું છે. ઉત્તર ભારતમાં ખીચડી ઉત્સવ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તલ અને ગોળ ખાવાનું ખૂબ મહત્વ છે.

મકરસંક્રાંતિને અનુલક્ષીને મહાભારતની કથાનો પ્રસંગ વાચકોને યાદ હશે, ભીષ્મ પિતામહનું સમગ્ર શરીર બાણોથી વિંધાયેલ હતું, જ્યાં સુધી સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ના થયો ત્યાં સુધી તેઓએ દેહત્યાગ નહોતો કર્યો. જે લોકોનું મૃત્યુ સૂર્યની દક્ષિણાયન ગતિ સમયે થાય છે, તેઓનો પુનર્જન્મ થાય છે, જયારે જે લોકોનું મૃત્યુ સૂર્યની ઉત્તરાયન ગતિ સમયે થાય છે, તેઓનો પુનર્જન્મ થતો નથી. (શ્રીમદ ભગવદ ગીતા, અધ્યાય ૮, શ્લોક ૨૪ અને ૨૫)

જ્યોતિષના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, જે જાતકોને જીવનમાં પ્રગતિ થતી ના હોય, ઉપરી વર્ગ સાથે મનમેળ ના હોય, સંતાનપ્રાપ્તિમાં તકલીફ હોય તેવા જાતકોએ ઉપર જણાવેલ સમયમાં તલનું દાન કરવું, સૂર્યને લાલ પુષ્પો સહિત અર્ધ્ય આપવું સૂર્યને જળ અર્પણ કરતા સમયે સૂર્ય મંત્ર કે ગાયત્રી મંત્રના ઉચ્ચારણ કરવા. આ સમયે સૂર્યના જાપ કરવાથી જીવનમાં ધનધાન્યની પ્રાપ્તિ, સ્વાસ્થ્ય અને લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. સૂર્ય ઉત્તમ આયુષ્ય આપનાર, રોગો સામે રક્ષણ કરનાર અને સંતાનસુખ આપનાર બને છે.

સૂર્યદેવની કૃપા મેળવવા, સૂર્યોદય સમયે આદિત્ય હ્રદયમના પાઠ કરવા, સૂર્ય સહસ્ત્રનામનો પાઠ કરવો.

સૂર્ય મંત્ર:

ઓમ હ્રામ હ્રીમ હ્રોમ સ: સૂર્યાય નમઃ

પૂર્વાભિમુખ બેસી જાપ કરવા: જપ સંખ્યા: ૭૦૦૦, ત્યારબાદ સૂર્ય ગ્રહ આધારિત દાન કરવું.

સૂર્ય ગ્રહમંડળનો રાજા છે, પશ્ચિમ જગતનું જ્યોતિષ સૂર્યની મહત્તા સર્વોપરીરૂપે સ્વીકારે છે, જેથી પશ્ચિમ જ્યોતિષ તો સૂર્ય આધારિત જ્યોતિષ જ છે તેમ કહેવું જરા પણ અતિશયોક્તિભર્યું નથી.

૧૪ જાન્યુઆરી ૨૦૧૭ ને સવારે ૦૭:૦૮ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે, આ સમયે સૂર્યાદી નવે ગ્રહોની સ્થિતિને અનુલક્ષીને બારેય રાશિના જાતકો પર ફળકથન નીચે મુજબ છે:

મેષ: સૂર્યનો મકર રાશિ પ્રવેશ આ રાશિના જાતકોને કાર્યમાં પ્રગતિ આપે. સૂર્ય જયારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે રાશિનો સ્વામી મંગળ, સૂર્યથી બીજે છે, જે આવકમાં વધારો કરનાર સાબિત થાય છે. કુટુંબમાં આનંદનો માહોલ રહે, મકાન કે દુકાન વગેરેના પ્રશ્નો હલ થાય.

વૃષભ: લાંબી યાત્રા કે પ્રવાસનું આયોજન સફળ થાય, વિદેશગમનમાં સરળતા રહે, ધાર્મિક શ્રદ્ધા વધે, પિતાપક્ષે લાભ થાય. શરૂઆતમાં તકલીફ અનુભવાય, પરંતુ નોકરીમાં સકારાત્મક બદલાવ આવે.

મિથુન: સૂર્યને અષ્ટમ સ્થાને રહેવાથી દોષ લાગતો નથી, સૂર્યનો મકર પ્રવેશ આયુષ્યમાં વધારો કરનાર તથા રોગમાંથી સત્વરે મુક્તિ આપનાર સાબિત થાય. રાશિ સ્વામી બુધથી સૂર્ય બીજે છે, વ્યાપારમાં સફળતા મળે. મકાન કે મિલકત વેચાણ સંબધી પ્રશ્ન હલ થાય.

કર્ક: સૂર્યના મકર પ્રવેશ સમયે, સૂર્ય અને ચંદ્ર સમસપ્તક રહે છે. આ રાશિના જાતકોને પ્રેમ સંબંધમાં સફળતા મળે. નોકરી વિષયક બાબતોમાં સફળતા મળે. ખાણીપીણીના વ્યવસાયમાં તથા ખેતીસંબંધી કાર્યોમાં લાભ થાય.

સિંહ: નોકરી તથા વ્યવસાયમાં બદલાવની સ્થિતિ રહે. વ્યવસાયમાં નવી તકોનું સર્જન થાય. થોડા સમય માટે માનસિક વ્યગ્રતા રહી શકે. મન સ્થિર રાખી આગળ વધવું.

કન્યા: કન્યા રાશિના જાતકોને ભૂમિથી લાભ તથા સંતાનસંબંધી બાબતોમાં સુખ વધશે. આ રાશિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ થાય. રચનાત્મક કાર્યોમાં સફળતા મળે.

તુલા: ઉચ્ચ અભ્યાસમાં સફળતા મળે, ઘર ખરીદીનો પ્રશ્ન હોય તો લાભ થઇ શકે. સામાજિક પ્રસંગનું આયોજન થાય. સામાજિક પ્રતિષ્ઠા વધે.

વૃશ્ચિક: સૂર્ય અને મંગળ, સાહસ અને માતૃસ્થાને છે, સાહસ અને મનોબળ મક્કમ રહે. તમે હરીફોને યોગ્ય જવાબ આપી શકો. કોર્ટ- કચેરીના પ્રશ્નોમાં સફળતા મળે.

ધન: સૂર્ય અને ગુરુ નવમ-પંચમ હોઈ લક્ષ્મી પ્રાપ્તિ થાય, અટવાયેલાં નાણાં પાછાં મળી શકે. નવું રોકાણ લાભદાયી રહે. સંતાન વિષયક પ્રશ્નોમાં શુભ સમાચાર મળે.

મકર: સૂર્ય અને શનિ એકબીજાથી ત્રિરેકાદશ સ્થાને છે, આ રાશિમાં સૂર્યનો પ્રવેશ છે. નવું કાર્ય શરુ કરી શકો. વ્યવસાયમાં પ્રગતિ થાય, નવા કાર્યો સરળતાથી આગળ વધે.

કુંભ: શનિની દશમ ભાવે ઉપસ્થિતિ ઉપરી વર્ગથી સાવચેત રહેવાનો સંકેત કરે છે. આ સમય દરમિયાન મોટી લેવેચ સરળતાથી પાર પડે. વેચાણના સોદામાં લાભ થાય.

મીન: ગુરુ અને સૂર્ય નવમ-પંચમ છે, સામાજિક સંપર્ક વધે. આ રાશિના જાતકોને લગ્ન વિષયક પ્રશ્નો હલ થાય. સૂર્ય લાભ ભાવે સોના સમાન કિમતી ચીજોની પ્રાપ્તિ સૂચવે છે. નાણાકીય આયોજન પર વધુ ધ્યાન આપવું.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS