Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

આગામી તારીખ ૧૪ મે ૨૦૧૭ રાત્રે ૨૨:૫૩ કલાકે સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય અને મંગળ બંને અગ્નિ તત્વના ગ્રહો પૃથ્વી તત્વની રાશિ વૃષભમાં આશરે ૧૩ દિવસ સુધી રહેશે, વૃષભ રાશિ પૃથ્વી તત્વની હોઈ, સરહદી વિસ્તારમાં થોડા સમય માટે અશાંતિ સર્જાઈ શકે. ગ્રહોના યોગ જોતા લાગે છે કે વૈશ્વિક કક્ષાએ આ સમય સત્તાની ખેંચતાણ અને અહમની લડાઈના દર્શન કરાવી શકે. બેંકિંગ ક્ષેત્રે સામાન્ય કરતાં વધુ ગતિવિધિ જોવા મળી શકે, નવા કાયદા અમલમાં આવી શકે. ખેતપેદાશો અને જળયોજનાઓ બાબતે સરકારે તાત્કાલિક પગલાં લેવા પડી શકે. સૂર્ય અને મંગળનો વૃષભ રાશિમાં સમય શુભ છે અને પરિવર્તન થકી ફાયદો આપનાર સાબિત થશે.

સૂર્યના આ રાશિ પરિવર્તનને ધ્યાનમાં લઈને બારેય રાશિઓનો ફળાદેશ:

મેષ:

મેષ રાશિના જાતકોને સૂર્ય બીજા ભાવે આવશે, કૌટુંબિક કાર્ય પૂર્ણ કરી શકો. આર્થિક બાબતોમાં ગતિ આવે, અટકેલાં નાણાં પાછાં મેળવી શકો. આર્થિક લાભ થઇ શકે, પરંતુ નાણાકીય આયોજન જરૂરી જણાય છે. આ સમય દરમિયાન વાણી સંયમ રાખવાથી લાભ થાય.

વૃષભ:

વૃષભ રાશિના જાતકોને નાણાકીય બાબતોમાં અસમંજસની સ્થિતિ રહી શકે, તમારે આર્થિક બાબતોમાં જલદી નિર્ણય લેવો પડી શકે. આ સમય દરમ્યાન તમે વધુ ઊર્જા અનુભવશો અને સાહસ કરવા પ્રેરાશો. નોકરીમાં તમે ઉપરી વર્ગને ખુશ કરી શકશો, પોતાના કાર્યમાં સફળતા મેળવશો.

મિથુન:

મિથુન રાશિના જાતકોએ આ સમય દરમ્યાન નવા સાહસથી દૂર રહેવું જોઈએ. ઘર અને કાર્યસ્થળે વધુ સતર્ક રહેવું જોઈએ. આર્થિક આયોજન કરવાનું હોય તો તેમાં રાહ જોઈ અને યોગ્ય સમયે જ નિર્ણય કરવો, ખોટી ઉતાવળ ટાળવી જોઈએ. ઘરના સભ્યોને તકલીફ રહી શકે.

કર્ક:

કર્ક રાશિના જાતકોને ધનનો સ્વામી આવકના સ્થાને છે એટલે આ સમય દરમિયાન વ્યવસાયમાં આવક વધશે. ઘરાકી વધી શકે, નવા માલની લે-વેચમાં મોટો ફાયદો થઇ શકે. કર્ક રાશિના જાતકોને મિત્રો અને ગુરુજનોથી લાભ થાય, ઘરમાં વડીલોની સલાહ સૂચન મુજબ કાર્ય કરતાં સફળતા મળે.

સિંહ:

સૂર્ય દસમે હોવાથી તમે વધુ પડતા મહત્વાકાંક્ષી બની શકો, પરંતુ આ સમય દરમિયાન તમારે પોતાની ઊર્જા અને સંપર્કોનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો પડશે. તમારી પાસે આવડત અને તક બંને હશે પરંતુ સમયસર તેનું આયોજન કરી આગળ વધવું પડશે. સિંહમાં રાહુ હોવાથી તબિયત નરમ રહી શકે.

કન્યા:

કન્યા રાશિના જાતકોને ધાર્મિક પ્રસંગ તથા સંતાન પક્ષે સુખ વધી શકે. પોતાના કાર્યસ્થળે અન્ય લોકો તમને મદદરૂપ થશે. સામાજિક બાબતોમાં ચિંતા હશે તો તે દૂર થઇ શકે. વ્યવસાયમાં કાયદાકીય ગૂંચવણ હોય તો નજીકના મિત્રની મદદથી તકલીફ દૂર થાય. શેર કે સટ્ટાકીય બાબતોમાં સંયમ રાખવાથી લાભ થઇ શકે.

તુલા:

તુલા રાશિના જાતકોને આ સમય દરમિયાન નાણાકીય આયોજન કરવું જરૂરી બને છે, આ સમય દરમ્યાન ખર્ચ વધી શકે તેવું જણાય છે. કાર્યસ્થળે અન્ય લોકોને મદદરૂપ થઇ શકશો અને તમે પ્રશંસા પણ પામશો પરંતુ આર્થિક બાબતોમાં તકલીફ રહી શકે. રોગ હોય તો તેમાં જલદી સજા થઇ શકશો. જીવનસાથીથી લાભ થઇ શકે.

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન અન્ય સાથે વાદવિવાદથી બચીને ચાલવાનું છે. આ સમય દરમિયાન નોકરીમાં બદલાવ આવી શકે, નોકરીના સ્થળે તમે કાર્યપ્રણાલી બદલીને આગળ વધશો. કાર્યસ્થળે ઉપરી વર્ગ સાથે મનમેળ વધારવો જરૂરી છે. લગ્ન વિષયક બાબતોમાં તમે જલદી નિર્ણય લેશો. જીવનસાથી સાથે સુમેળ સાધીને આગળ વધવું જોઈએ.

ધન:

ધન રાશિના જાતકો માટે આ સમય વધુ પડતો શ્રમ અને તકલીફ આપનારો હશે, હાલ શનિનું વક્રીભ્રમણ વધુ પરિશ્રમ અને પરિણામ ઓછું આપે, પરંતુ સૂર્યનો પ્રવેશ છઠ્ઠા સ્થાને થતાં તમે શત્રુઓને યોગ્ય જવાબ આપી શકશો. કાયદાકીય બાબત કે કોર્ટ કચેરીમાં તમને વિજય મળી શકે. નોકરીના સ્થળે તકલીફ દૂર થાય અને સફળતા મળે.

મકર:

મકર રાશિના જાતકોને સંતાનસંબંધી પ્રશ્ન હોઈ શકે, સંતાન પક્ષે વધુ ધ્યાન પાવું જરૂરી જણાશે. સંતાન કે કુટુંબના સભ્યની તબિયત બાબતે પ્રશ્ન રહી શકે. નોકરીના સ્થળે તમારે કાર્યમાં વધુ તકેદારી રાખવી પડશે. નાની ભૂલને મોટું સ્વરૂપ લઇ શકે તેવી સ્થિતિ આવી શકે. આર્થિક બાબતોમાં ધીમી ગતિએ કાર્ય પાર પડે.

કુંભ:

કુંભ રાશિના જાતકોને સૂર્ય ચતુર્થ ભાવે આવતાં, કાર્ય અને ઘર બંને સ્થળે સ્થગિતતા જણાશે. કાર્ય બાબતે તમારે જાતે પહેલ કરવી પડશે. તમે ઉત્સાહ અને આનંદનો અભાવ અનુભવો તેવું બને. રોજિંદા કાર્યને છોડી તમે દૂરના સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશો. કુટુંબના સભ્ય દ્વારા વધુ ખર્ચ થઇ શકે. મકાનમાં સમારકામ બાબતે ખર્ચ થઇ શકે.

મીન:

મીન રાશિના જાતકોને શ્રદ્ધા અને સાહસનો સમન્વય થશે, તમે પોતાના કાર્યમાં નવેસરથી નવા ઉત્સાહ સાથે કામે લાગી જશો. તમે ટૂંકા પ્રવાસ કે મુસાફરીનું આયોજન કરશો તેમાં તમને સફળતા મળશે. ભાઈબહેનનો સાથ સહકાર મળી રહેશે. આ સમય દરમિયાન તમે નવા વિચારો સાથે કાર્યમાં સુમેળ સાધશો. નોકરીના સ્થળે ઉન્નતિ થઇ શકે, તમારી આવડતની કદર થશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS