Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જ્યોતિષનો સાર એટલે શનિ મહારાજ, શનિ દેવ એ કર્મ ફળદાતા અને સૃષ્ટિનું નિયમનકર્તા દેવ છે. શનિ મહારાજ ફળે, એ મનુષ્ય તેલ, બાંધકામ, રબર અને લોખંડના મોટા ઉદ્યોગોથી લાભ પામે છે. શનિ ગ્રહ કુંડળીમાં અનુકુળ થતાં માણસની પ્રગતિ ખૂબ જલદી થાય છે, કાવાદાવા અને કાયદાકીય તકલીફો તેને નડી શકતી નથી, એટલું જ નહીં આવો નસીબદાર માનવી કે જેને શનિ મહારાજ અનુકૂળ થયાં છે તે બેદાગ અને સ્પષ્ટ જીવન પણ જીવે છે.

શનિ કર્ક અને સિંહ લગ્નમાં ખૂબ તકલીફ કરે છે, તે સિવાય શનિનો સપ્તમ અને દ્વિતીય ભાવ સાથે સંબંધ વિશેષ મારક્ત્વ પ્રદાન કરે છે. જ્યોતિષની દ્રષ્ટિએ શનિ મહારાજની અનુકૂળતા માટેનો શ્રેષ્ઠ ઉપાય દર શનિવારે પીપળાના વૃક્ષ પાસે તેલનો દીવો કરવો તથા પીપળાની પરિક્રમા કર્યા બાદ, એક જગ્યાએ બેસીને વિષ્ણુ ભગવાનની ઉપાસના (વિષ્ણુ સહસ્ત્રનામ) કરવી જોઈએ. શનિવારે ભૈરવના મંદિરે પ્રસાદ કરવો જોઈએ. શનિવારે ઉપવાસ કરી તેલનું દાન કરવું જોઈએ.

જ્યોતિષ અનુસાર તો આપણે જાણી શકીએ કે શનિ ગ્રહનું સ્થાન શું છે? અને કુંડળીમાં શુભ છે કે અશુભ. પરંતુ સામાન્ય જીવન વ્યવહારમાં એનું પ્રમાણ શું? જો કોઈ જાતકની ભ્રમરના વાળ ઓછા થાય કે શરીર પરના વાળ ખરવા લાગે તો સમજવું કે શનિદેવ પ્રતિકૂળ થયા છે. મકાન કે જમીન સંબંધી આફત આવે, મકાનમાં એકાએક મોટો ખર્ચ આવી પડે કે ઘરમાં આગ લાગવાનો બનાવ બને તો આ બધા શનિની પ્રતિકૂળતાના સંકેત છે.

જો શનિ પ્રતિકૂળ છે, તો શનિ મહારાજ કુંડળીમાં ક્યાં બિરાજે છે તે મુજબ અરુણ સંહિતામાં અર્થાત લાલ કિતાબમાં તથા અન્ય પ્રચલિત મત મુજબ નીચે ઉપાયો આપેલા છે. જન્મકુંડલીમાં શનિ મહારાજનું સ્થાન જાણીને નીચે મુજબ ઉપાય કરતા વાચકોને શનિ દેવની કૃપા જરૂર મળશે.

શનિદેવ પ્રથમ ભાવે: શનિદેવ પ્રથમ ભાવે હોય તો જાતકને જીવનમાં કષ્ટ અને નક્કર મહેનત પછી જ ફળ મળે છે. લાલ કિતાબ અનુસાર અહી શનિ ખૂબ તકલીફ આપી શકે, મનુષ્યે બીજાના ધનપ્રાપ્તિની કામના કરવી જોઈએ નહીં, વાંદરાઓને ચણા ખવડાવા જોઈએ, વડના ઝાડને સાકર મિશ્રિત દૂધ ચડાવવું જોઈએ.

શનિદેવ દ્વિતીય ભાવે: દ્વિતીય ભાવે શનિ વધુ તકલીફ નથી કરતો, વાણી અને ધન સીમિત રહે છે. મનુષ્યે ક્યારેય ખરાબ રસ્તે ધન ના કમાવું જોઈએ. અહી શનિ હોતાં સાપને દૂધ પાવું જોઈએ, કપાળે દૂધ કે દૂધની બનાવટનું તીલક કરવું જોઈએ.

શનિદેવ તૃતીય ભાવે: તૃતીય ભાવે શનિ હોય તો ભાઈ અને બહેનો સાથે સંબંધમાં ખટરાગ આવે છે, જો મોટો ભાઈ કે મોટી બહેન હોય તો તેમની સાથે સંબંધમાં ખૂબ સાવચેત રહેવું અને એકબીજાનું માન જાળવવું, ઘરનો પાછળનો ભાગ અંધારિયો ના હોવો જોઈએ, તૃતીય ભાવ હાથ દર્શાવે છે, મનુષ્યે સૂક્ષ્મ જીવ હિંસાથી દૂર રહેવું જોઈએ, માંસાહાર કે માદક દ્રવ્યનું સેવન મોટી તકલીફ આપી શકે.

શનિદેવ ચતુર્થ ભાવે: ચતુર્થ ભાવે શનિ હોય તો માતા કે મકાન સંબંધી તકલીફ હોય તો તેને સત્વરે સુધારવી જોઈએ, માતાને હમેશા ખુશ રાખવી જોઈએ. લાલ કિતાબ કહે છે, કાગડાને અનાજ ખવડાવાથી, કૂવામાં દૂધની ધાર કરવાથી અને કાળા રંગના કપડાં ત્યાગવાથી ચતુર્થ ભાવે શનિદેવ અનુકૂળ રહે છે.

શનિદેવ પંચમ ભાવે: શનિદેવ પંચમ ભાવેહોય તો સંતાનપ્રાપ્તિમાં બાધાનો અનુભવ થાય છે, મોટી ઉમરે સંતાન થાય છે. સંતાન સાથે હંમેશા સુમેળ રાખવો જોઈએ. જાતકે ગળામાં સોનાનો દાગીનો પહેરવો જોઈએ, ૪૭ વર્ષ ઉંમર પછી પોતાનું મકાન બાંધવું શુકનિયાળ રહે. નાની ઉમરે લીધેલું મકાન તકલીફમાં મુકે છે.

શનિદેવ ષષ્ટ ભાવે: શનિદેવ ષષ્ટ અર્થાત છઠ્ઠાં ભાવે હોય તો જાતક પોતાના દુશ્મનોને યોગ્ય જવાબ આપી શકે છે, આવા જાતકો પોતાના શત્રુઓને અચૂક હંફાવે છે, શનિ છઠ્ઠે હોતા નોકરીમાં હમેશા નિયમિત રહેવું, નોકરી દરમિયાન પ્રલોભન કે લાલચથી બચવું જોઈએ. શનિવારના દિવસે કાળી વસ્તુ કે લોખંડનો સામાન ના ખરીદવો. ઘરમાં બને તો કાષ્ઠ એટલે કે લાકડાનું જ રાચરચીલું રાખવું.

શનિદેવ સપ્તમ ભાવે: આવા જાતકોએ લગ્નજીવન બાબતે હંમેશા સજાગ રહેવું જોઈએ, વહેલાં લગ્ન થાય તો અતિ ઉત્તમ. સપ્તમ ભાવે શનિ હોતાં જાતકે શનિવારે વિષ્ણુ સહસ્ત્રનામ વાંચવા જોઈએ. જો લગ્ન ના થતાં હોય તો નાની માટલી લઇ તેમાં મધ ભરીને તેને નિર્જન જગ્યાએ મૂકી દેવી જોઈએ. શક્ય હોય તો જમીનમાં એક હાથ ઊંડે દાટવી.

શનિદેવ અષ્ટમ ભાવે: શનિ અષ્ટમ ભાવે લાંબુ આયુષ્ય આપે છે, પરંતુ આવા જાતકો જો જીવન દરમિયાન કોઈને મોટી રકમ ઉધાર આપી દે તો તે પાછી નથી આવતી. આ જાતકોએ સમજી વિચારીને પૈસાનો વ્યવહાર કરવો જોઈએ. લાલ કિતાબ અનુસાર ચાંદી ધારણ કરવી જોઈએ. ચાંદીનું કડું પહેરવું જોઈએ, તેનાથી શનિની અશુભ અસરો ઓછી થાય છે.

શનિદેવ નવમ ભાવે: નવમો ભાવ શનિયુકત હોય તો જાતકને વિદેશગમન નિષ્ફળ થઇ શકે, આવા જાતકોનો ઉચ્ચ અભ્યાસ પોતાના રસના વિષયોથી વિપરીત હોઈ શકે. અહી શનિદેવને અનુકૂળ બનાવવા જાતકે તેલનો સંગ્રહ ના કરવો. તેલના વ્યવસાયથી દૂર રહેવું કે તેલનો વ્યવસાય કરતી કંપનીઓમાં રોકાણ અશુભ સાબિત થાય છે. ઘરની પાછળનો ભાગ અંધારિયો રાખવો.

શનિદેવ દસમ ભાવે: શનિ દસમ ભાવે મોટી ઉંમરે પિતા સાથે સંબંધોમાં તકલીફ આપે છે, જે શનિની પ્રતિકૂળતા દર્શાવે છે, પરંતુ જાતકે તેથી વિપરિત પિતાની આજ્ઞા શિરોમાન્ય રાખીને જીવન જીવવું જોઈએ. તેમ કરતા શનિદેવ અનુકૂળ રહેશે. ૪૭ વર્ષ સુધી મકાનમાં રોકાણ ના થઇ શકે.

શનિદેવ લાભ ભાવે: શનિ લાભ ભાવે હોય તો જાતકને અનાયાસે કે આકસ્મિક ધન પ્રાપ્તિ થાય તેવા પ્રસંગો બને છે, અહી શનિ મિત્રો સાથે માર્યાદિત સંબંધોનું સૂચન કરે છે. જાતકે મિત્રો સાથે નાણાકીય વ્યવહાર ટાળવો જોઈએ. ઘર કે કારખાનાની તિજોરીમાં કે મંદિરમાં ચાંદીનો ટુકડો રાખવાથી શનિદેવ અનુકૂળ થાય છે. દક્ષિણ મુખી પ્રવેશદ્વાર ટાળવું જોઈએ.

શનિદેવ વ્યય ભાવે: શનિ દેવ વ્યય ભાવે હોય તો જાતક પૈસા માટે લોભી બની શકે છે. જાતક પોતાના ધનને બચાવવા માટે ખૂબ પ્રયત્નશીલ રહે છે. બારમાં ભાવે શનિ હોય તો જાતકે કોઈ પણ સંજોગોમાં જૂઠું ના બોલવું જોઈએ. આવા જાતકો જો જૂઠું બોલે તો તેમને એક જૂઠાણાંને લીધે મોટી મુસીબત આવી શકે. ઘરની પાછળના ભાગમાં (ઘરના પ્રવેશની વિપરીત બાજુના) બારી કે દરવાજો હંમેશા બંધ જ રાખવા જોઈએ.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS