Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વૈદિક જ્યોતિષના નવ ગ્રહ દેવતાઓમાં પૃથ્વીની સૌથી નજીક ચંદ્રદેવ છે. આ ચંદ્રને મનનો કારક કહ્યો છે. આદિકાળથીચંદ્રની માનવજીવન પર ઊંડી અને સહજ અનુભવી શકાય તેવી અસરો છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વીની સાપેક્ષે સતતદરે ૧૨ અંશથી વધારે અંતર થાય ત્યારે એક તિથિ બદલાય. કુંડળીમાં સૂર્યની સાથે ચંદ્ર આવે ત્યારે અમાસ સર્જાય છે, તો સૂર્યની બરાબર સામે ચંદ્ર આવે ત્યારે પૂનમ સર્જાય છે.

વૈદિક જ્યોતિષ અનુસાર, પાંચ પ્રકારની તિથિઓ છે, નંદા (૧,૬,૧૧), ભદ્રા (૨,૭,૧૨), જયા (૩,૮,૧૩), રિક્તા (૪,૯,૧૪) અને પૂર્ણા (૫,૧૦,પૂનમ, અમાસ). નંદાના જન્મનું ફળ લાભ આપે છે, પણ પારિવારિક તકલીફ રહે છે. ભદ્રા તિથિએ જન્મ પરિવાર માટે ખૂબ શુભ હોય છે. જયા તિથિએ જન્મ લેનાર જાતક સર્વત્ર વિજય અને યશ પામે છે. રિક્તા તિથિએ જન્મનાર જાતક પોતાના સ્વાર્થને વિશેષ મહત્વ આપે છે, જે તેને નુકસાન કરે છે. જયારે પૂર્ણા તિથિએ જન્મનાર જાતક જીવન દરમિયાન મોટા કાર્યને પાર પાડનાર બને છે.

ચંદ્રના પક્ષ સાથે મનુષ્યની અંતિમ ગતિ કેવી જોડાયેલી છે તેનું મહત્વ તો જુઓ. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો ભગવદગીતાના શ્લોક ૮.૨૬ મુજબ, જે મનુષ્યની અંતિમ ગતિ સુદ પક્ષમાં થાય છે તેઓનો પુનઃજન્મ નથી તો જે મનુષ્યની અંતિમ ગતિ વદ પક્ષમાં થાય છે તેમની પુનઃ જન્મમરણની ગતિ ચાલુ રહે છે.

જન્મ સમયે ચંદ્ર સુદ પક્ષમાં છે કે વદ પક્ષમાં તે પ્રમાણે જાતકને તેનું ફળ મળે છે. ચંદ્રનું બળ માણસના સ્વભાવનું જાણે બેરોમીટર હોય તેમ કાર્ય કરે છે, માણસ પોતાની સાથે કેટલો ભાવનાત્મક રીતે જોડાયેલો છે, તેનું માપ ચંદ્રની સ્થિતિ કહી શકે છે. ઘણીવાર ચંદ્ર માણસના મનનો ચિતાર આપે છે તો ઘણીવાર અંદર પડેલી ઇચ્છાઓ અને લાગણીઓને પણ ફલક પર લાવી મુકે છે.

જે જાતકોનો જન્મ અમાસની આસપાસ થયો છે, ક્યાં તો અમાસે થયો છે, તેઓ જીવનમાં સદા આનંદ અને બાળ સહજવૃત્તિ સાથે જીવે છે. આવા જાતકો પોતાને ખૂબ સારી રીતે રજુ કરે છે, તેમની પાસે નવા કાર્ય કરવા માટે ભરપુર પ્રેરણા હોય છે. તેની બીજી બાજુ જોઈએ તો, ઘણીવાર આ જાતકો જીવનમાં ગંભીર સ્થિતિને સમજી શકતાં નથી, તેઓ અનુભવે શીખે છે. જીવનની શરૂઆતનો તબક્કો તેમની માટે ખૂબ સારો હોય છે, તેઓ જીવનમાં વહેલી સફળતા મેળવવામાં માનતા હોય છે. આવા જાતકો પોતાની ગમતી ચીજ માટે હઠ લઈ લે છે.

જે જાતકોનો જન્મ અમાસથી સુદ સાતમ સુધીમાં થયો છે, આવા જાતકો જીવનને જલદીથી સ્વીકારી લે છે, જીવન દરમિયાન થતાં સારાં નરસા અનુભવોને તેઓ જીવનનો એક ભાગ માને છે, તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ હોય છે. તેઓ પોતાના સ્વતંત્ર સ્વભાવને કાર્યમાં આસાનીથી ઉતારે છે, ઘણીવાર તેઓ ટ્રેન્ડસેટર બને છે. આ જાતકો ઉત્તમ અને તાજગીપૂર્ણ કાર્યશક્તિ ધરાવે છે.

સુદ આઠમનો જન્મ વ્યક્તિને આંતરિક અને બાહ્ય બંને રીતે વિકસિત બનાવે છે, તમે જે અંદર છો એજ બહાર રહેવા પ્રયત્ન કરતાં હશો. આવા જાતકો ઉત્તમ વક્તા અને પોતાની ભાવનાઓને સુંદર રીતે રજૂ કરે છે. કાર્ય કે લાગણીના માપ વિષે તેઓનો ખ્યાલ ચોક્કસ હોય છે. આ જાતકો જીવનની તકલીફોથી ગભરાતાં નથી ઉલટાનું તેઓ નવા વિચારોને આચરણમાં મુકવા લડત આપે છે.

સુદ નોમથી સુદ ચૌદસ સુધીનો ચંદ્ર એક અનુભવે ઘડાયેલ, શાંત અને મર્યાદામાં રહેતું વ્યક્તિત્વ આપે છે. આવા જાતકો ઉત્તમ વડીલો હોય છે, તેઓ પોતાના સંતાનનો ઉછેર ખૂબ સારી રીતે કરે છે. વ્યવસાયમાં તેઓ અન્ય લોકોને જલદીથી સમજીને પોતાને રજૂ કરે છે, આ કળા તેઓનો પ્લસ પોઈન્ટ બને છે.

પૂનમનો જન્મ કે પૂનમતિથિની આસપાસનો જન્મ એટલે પૂર્ણા તિથિનો જન્મ, આ જન્મ સાત્વિકતાથી ભરપુર વ્યક્તિની નિશાની છે. આવા જાતકો લક્ષ્મીવાન હોય છે. પોતાની કોઠાસૂઝ અને વ્યવહારુ જ્ઞાનને લીધે તેઓ અલગ તરી આવે છે. ઘણીવાર આ જાતકો કાર્યને આદર્શ કરવા માટે તનતોડ મહેનત કરે છે, છતાં જો એક નાની ભૂલ થઇ હોય તો તે તેઓને હતાશ કરી નાખે છે.આ જાતકો સાત્વિક છે અને પોતાની પૂજાસાધનામાં પણ સાત્વિક રીતે આગળ વધે છે, મોટી ઉમરે ભક્તિયોગ અને ઈશ્વર પ્રત્યો વિશેષ સમર્પણ જોવા મળે છે.

વદ એકમથી વદ સાતમ સુધીનો ચંદ્ર અનુભવો અને લાગણીઓના અતિરેકમાંથી પસાર થઇ ચૂક્યો હોય છે, આ સમય દરમિયાન જન્મ લેનાર જાતક પોતાના ભૂતકાળ સાથે જોડાયેલો રહે છે, તેમના જીવન દરમિયાન બનેલી ઘટનાઓનું તેઓ વારંવાર સ્મરણ કરતાં જોવા મળે છે. આવા જાતકો જીવનની તકલીફો સાથે તાલમેળ કરવામાં તકલીફ અનુભવે છે, ઘણીવાર તેઓ નકારાત્મક બાબતોથી ઘેરાઈ જાય છે. પરંતુ તેની બીજી બાજુ જોઈએ તો તેઓ સમાજ અને ધારાધોરણને બદલી શકે તેવા વ્યક્તિત્વના માલિક હોય છે.

વદ આઠમ આ દિવસના ચંદ્રની અસરો સુદ આઠમના ચંદ્રની બીજી બાજુ હોય છે.વિશેષ રીતે જોઈએ તો આ જાતકો સારા વૈદ્ય કે તબીબ હોય છે, આ જાતકોનાં સલાહસૂચન ખૂબ કારગર હોય છે. સારા વક્તા અને નેતા બની શકે તેવા ગુણો આ ચંદ્ર ધરાવનાર જાતકને મળે છે. તો બીજી બાજુ આવા જાતકો પોતાના સ્ટેટ્સને વધુ મહત્વ આપતાં જોવા મળે છે, જેને લીધે તેઓને અન્ય સાથે જલદી મનમેળ કરવો પસંદ નથી પડતો.

વદ નોમથી અમાસ સુધીની સફર ખેડતો ચંદ્ર પોતાની લાગણીઓ, અનુભવો અને વ્યક્તિત્વને અંદર સંકેલતો ચંદ્ર છે. આ સમયે જન્મનાર જાતકોને પોતાના જીવનમાં રૂઢિગત બાબતો પસંદ છે અને બદલાવ સામે વિરોધ આવી જાય છે. તેઓએ જીવન દરમિયાન નવી સફર ખેડવી જોઈએ, જ્યાં સુધી જીવનમાં કઈક નવું અને મોટું નથી થતું ત્યાં સુધી તેઓ જલદી બહાર નથી આવી શકતાં. અર્થાત સમાજમાં ઓળખ નથી થતી. પરંતુ બીજી બાજુ જોઈએ તો તેઓ પોતાનામાં વિશ્વાસ રાખવાવાળા અને દૂરંદેશી હોય છે. તેઓ આધ્યાત્મિક અને પરા શક્તિઓમાં ખૂબ વિશ્વાસ રાખે છે, જે ખૂબ સકારાત્મક રીતે તેમને મદદ કરે છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS