Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જ્યોતિષમાં લગ્નની વાત આવે ત્યારે મંગળદોષનો મુદ્દો અચૂક ધ્યાનમાં લેવાય છે. પરણનાર જાતકોમાં એક માંગલિક છે અને બીજું માંગલિક નથી, આમ સાંભળતા જ ઘણીવાર લોકો સારા સંબંધ પણ જતાં કરે છે. મંગળ આક્રમક, તાકાત, ઊર્જા અને ઉતાવળને રજૂ કરે છે, મંગળ પ્રભાવી જાતકોમાં આ ગુણો અચૂક જોવા મળે છે. માટે જ જયારે મંગળ પરિણયના સ્થાન એટલે કે સપ્તમ સ્થાનને પ્રભાવિત કરતો હોય ત્યારે જ્યોતિષીઓ જાતકોને લગ્ન બાબતે ચેતવતાં હોય છે.

ધન, વ્યયે, પાતાલે, જામીત્રે કે અષ્ટમે મંગળ સ્થિત હોય તો જન્મકુંડળીમાં મંગળ દોષ થાય છે. અર્થાત દ્વિતીય, બારમે, ચોથે, સાતમે કે આઠમે ભાવે મંગળ હોય તો મંગળ દોષ કહેવાય છે. જ્યોતિષીઓ મંગળ દોષને પ્રાધાન્ય આપે છે તેનું કારણ મંગળ દોષનો ઉલ્લેખ, બૃહદ પરાશર હોરા અને જાતક પારીજાત જેવા વૈદિક જ્યોતિષના આધારભૂત ગ્રંથોમાં છે.

મંગળ દોષને લઈને પરણનાર જાતકોને અનેક મૂંઝવણ અને ડર હોય છે, પરંતુ એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે મંગળ દોષ નાનામોટા અનેક કારણોથી આપમેળે નાબૂદ પણ થઇ શકે છે. બીજા અર્થમાં મંગળ દોષનો સ્વતઃ ભંગ થઇ નિવારણ થઇ જાય છે. નીચેના કારણો જુઓ, જો તેમાંથી એકાદ નિયમ પણ જો કુંડળીમાં લાગુ પડતો હોય તો મંગળ દોષ અમંગળ રહેતો નથી. જેમ કે, પ્રચલિત મત મુજબ મંગળની ગ્રહ આયુ ૨૮ વર્ષની છે, જો જાતક ૨૮ વર્ષ પછી પરણે તો મંગળ દોષ લાગતો નથી. અને જો આ બાબતે જાતકને કે તેના વાલીને ચિંતા હોય તો કુંભ વિવાહ જેવા સરળ પૂજાવિધાનથી મંગળ દોષ નિવારણ અર્થે પૂજા પણ કરી શકાય.

પ્રચલિત વિધાનો મુજબ, નીચે જણાવેલ સંજોગોમાં મંગળ દોષનું આપમેળે નિવારણ થયું કહેવાય:

૧. મંગળ સ્વરાશિ કે ઉચ્ચ રાશિમાં પ્રથમ, બારમે, ચતુર્થ, સપ્તમ કે અષ્ટમ ભાવે હોય તો મંગળ શુભ બને છે, મંગળ દોષ લાગતો નથી.

૨. ગુરુ કે શુક્ર જેવા શુભ ગ્રહો જો પ્રથમ ભાવે ઉદિત થયાં હોય તો તેમની સપ્તમ દ્રષ્ટિ પરિણય ભાવ ઉપર પડતાં, તે જન્મકુંડળીમાં મંગળ દોષનું સમાધાન થાય છે.

૩. મંગળ પ્રથમ, બારમે, ચતુર્થ, સપ્તમ કે અષ્ટમ ભાવે જો બળવાન ગુરુ સાથે હોય તો તેની ખરાબ અસર ઓછી થાય છે. ચંદ્ર અને ગુરુ ગ્રહની દ્રષ્ટિ પણ જો મંગળ ગ્રહ પર હોય તો વિદ્વાનોએ મંગળ દોષની નાબૂદી ગણી છે.

૪. એક જાતક માંગલિક છે, તો સામે પક્ષે અન્ય જાતકને જો પ્રથમ, બારમે, ચતુર્થ, સપ્તમ કે અષ્ટમ ભાવે શનિ, રાહુ કે કેતુ હોય તો મંગળ દોષ નાબૂદ થાય છે. પ્રચલિત મત મુજબ આ યોગોને જ્યોતિષીઓ મંગળ દોષ નાબૂદી ગણે છે.

૫. સપ્તમ ભાવે કર્ક કે મકર રાશિમાં મંગળ હોય તો, મંગળ સપ્તમ ભાવે હોવા છતાં મંગળ દોષ લાગતો નથી.

૫. માંગલિક જાતક જો અન્ય માંગલિક જાતક સાથે પરણે તો મંગળ દોષનું નિવારણ થાય છે.

૬. મંગળ ગ્રહની નૈસર્ગિક અવધિ એટલે કે ૨૮ વર્ષની ઉમર પછી જાતકને મંગળ દોષ લાગતો નથી.

૭. મંગળની ઉપસ્થિતિ જો દ્વિતીય ભાવે બુધની (મિથુન, કન્યા) રાશિમાં, બારમા ભાવે શુક્રની રાશિમાં (વૃષભ, તુલા) અને આઠમા ભાવે ગુરુ ગ્રહની રાશિમાં (ધન અને મીન) મંગળ દોષ લાગતો નથી.

જ્યોતિષમાં અનુભવ અને અવલોકન પણ ખૂબ મહત્વના છે, પહેલી નજરે ડરાવી મૂકતો મંગળદોષ ક્યાંક મંગળ વરદાન પણ હોઈ શકે. ઘણીવાર જાતકો મંગળ દોષને લઈને સગપણ કરવામાં ડરનો અનુભવ કરતા હોય છે, તેવે સમયે જ્યોતિષ આશીર્વાદની જગ્યાએ ડરનું શાસ્ત્ર બની જાય છે, પરંતુ મંગળ દોષનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે તો તેનું સમાધાન પણ છે.

એક જાતક માંગલિક છે અને અન્ય જાતક માંગલિક નથી, તેવે સમયે જો વહેમ કે ડર રહેતો હોય તો શાસ્ત્રમાં કુંભવિવાહ, પીપળા સાથે વિવાહ તથા વિષ્ણુના પ્રતીક સાથે વિવાહના શાસ્ત્રમાં વિધાન છે, આ સરળ વિધિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મંગળ દોષનું જ્યોતિષીય અને માનસિક બંને રીતે નિવારણ શક્ય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS