Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ક સરખું કાર્ય અને બુદ્ધિ ધરાવતા માણસોને તેમનું નસીબ જુદાજુદા પંથે લઇ જાય છે. સાવ સામાન્ય જીવન જીવતાં ઘરમાં એક માણસ તકદીર લઈને આવે અને ઘરનું નામ આખા સમાજમાં ઉજળું થઇ જાય, તેના કેટલાય દાખલા જોયાં હશે. આજે આપણે સાવ સામાન્ય લાગતી ગ્રહયુતિઓ પણ કેવો ચમત્કાર સર્જી શકે તેની વાત કરવાના છીએ. અનુભવે જણાયું છે કે,નીચે જણાવેલ ગ્રહયુતિઓ સરળ હોવા છતાં મનુષ્યને જીવનમાં એકવાર તો સફળતાનો તાજ આપે જ છે. આ યુતિ ધરાવતા જાતકોને જીવન દરમિયાન ઉત્તમ માનસન્માન પ્રાપ્ત થાય છે અને સત્તા અને પ્રતિષ્ઠા પણ મળે છે.

સૂર્ય અને ગુરુની યુતિ:

સૂર્ય અને ગુરુની યુતિ એટલે જાણે આત્માને કુદરતી સહાય. આ યુતિ ધરાવનાર જાતકોનો આત્મવિશ્વાસ ભરપુર હોય છે, જે તેમનું ખૂબ સકારાત્મક પાસું હોય છે. જેમ સૂર્ય સૃષ્ટિમાં પ્રકાશ ફેલાવે છે, તેમ આ જાતકોના જીવન દરમિયાન તેમની પણ ખ્યાતિ વિશેષ થાય છે. તેઓ કોઈ મોટી સરકારી સંસ્થા સાથે સંકળાય છે. દેશના રાજદૂત, કોર્ટના જજ, જાહેર ક્ષેત્રની કંપનીના વડા તથા સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોમાં પણ આ યુતિ જોવા મળશે.

ચંદ્ર અને ગુરુની યુતિ:

ચંદ્ર એટલે મન અને ગુરુ એટલે ઈશ્વરીય કૃપા, આ યુતિ ધરાવનાર જાતકો જીવનમાં પોતાની માનસિક સ્થિરતા અને મનોબળને લીધે સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ચંદ્ર અને ગુરુ બંને શુભ ગ્રહો છે, બંનેની યુતિ થતાં જાણે સોનામાં સુગંધ ભળે તેમ જન્મકુંડળીનું શુભત્વ ઓર વધી જાય છે. માતાનો સહકાર ઉત્તમ મળે છે, જીવન દરમિયાન ઘણીવાર ઘરનું સ્થાન બદલાય છે. ખાણીપીણીના વ્યવસાય, હોટલ વ્યવસાય અને પ્રવાસન વ્યવસાયમાં આ જાતકો સફળતા પામે છે.

ગુરુ અને શુક્રની યુતિ:

ગુરુ અને શુક્રની યુતિ, બંને શુભ ગ્રહો એકબીજાના દુશ્મનગ્રહ હોવા છતાં પ્રચલિત મત મુજબ આ યુતિ શુભ પરિણામ જ આપે છે. શુક્ર એટલે લક્ષ્મી અને ગુરુનું સાનિધ્ય એટલે લક્ષ્મીની પ્રચૂરતા. આ યુતિ ધરાવનાર જાતકોનું ભણતર ખૂબ સારું રહે છે, પોતાના અભ્યાસને લીધે તેઓ નામના પામે છે.જાતકના લગ્ન વહેલાં થાય છે. લગ્નજીવન ઉત્તમ રહે છે. કળા જગત, તબીબી વિજ્ઞાન અને જાહેરજીવન સાથે સંકળાયેલ વ્યક્તિઓની જન્મકુંડળીમાં આ યોગ જોવા મળે છે. જો કલાકાર કે સંગીતજ્ઞની જન્મકુંડળીમાં આ યોગ હોય તો તે અચૂક ખ્યાતનામ વ્યક્તિ બને છે.

ગુરુ અને બુધની યુતિ:

ગુરુ અને બુધ બંને દુશ્મન ગ્રહો છે, છતાં અનુભવે જોયું છે કે તીવ્ર બુદ્ધિ આંક અને સંશોધન વૃત્તિ ધરાવનાર જાતકોની જન્મકુંડળીમાં આ યોગ હોય છે. આ યોગ ધરાવતા જાતકો પોતાના અભ્યાસના જોરે જીવનમાં સફળતા હાંસલ કરે છે. કાયદાશાસ્ત્ર, નાણાકીય બાબતો અને બેન્કિંગ જેવા વિષયોમાં જાતક સફળતા પામે છે. ઘણીવાર મોટા રાજનીતિજ્ઞ અને સલાહકારોની જન્મકુંડળીમાં પણ આ યોગ જોવા મળશે. લેખન, પત્રકારત્વ, વકીલાત અને ગણિત જેવા ક્ષેત્રો આ યુતિ ધરાવનાર જાતકને ખૂબ ફળે છે.

ગુરુ અને મંગળની યુતિ:

સામાન્ય જીવનને પોતાના સાહસથી સફળ જીવન બનાવનાર ગ્રહયુતિ એટલે મંગળ અને ગુરુનું મિલન. આ યુતિ જાતકને સાહસ અને સિદ્ધિ બંને બક્ષે છે. ખેલકૂદ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં જાતક સફળતા પામે છે. ઘણીવાર બાંધકામ, ખનીજ, વીજળી અને યંત્રશાસ્ત્રમાં પણ જાતક સફળતા પામે છે. આ યુતિ ધરાવનાર જાતકને શારીરિક વ્યાધિઓ જલદી નડતી નથી,આયુષ્ય ઉત્તમ હોય છે. લશ્કર, પોલીસ અને સુરક્ષાવિભાગના અધિકારીની જન્મકુંડળીમાં પણ આ યુતિ જોવા મળી શકે.

શનિ સાથે ગુરુ કે શુક્રની યુતિ:

ગુરુ અને શનિનો યોગ એટલે મોટા કાર્યોમાં સિદ્ધિ. શનિ અને શુક્રનો યોગ એટલે કર્મનો આનંદ. શનિ અને શુક્રની યુતિ હોય તો જાતકને જીવનમાં કર્મનું સુખ વિશેષ હોય છે, આવા જાતકો નોકરીએ સરળતાથી લાગી જાય છે. મોટી ઉંમરે તેઓ મોટા વ્યવસાયના માલિક બને છે. સ્વબળે આગળ આવનાર મોટા ઉદ્યોગપતિઓની જન્મકુંડળીમાં શનિ સાથે ગુરુ કે શુક્રની યુતિ જોવા મળશે. ધાર્મિક બાબતો અને ઉચ્ચ અભ્યાસ પણ ગુરુ અને શુક્રના ક્ષેત્ર છે, પ્રોફેસર અને શિક્ષણજગત સાથે જોડાયેલ જાતકોની જન્મકુંડળીમાં આ યોગ જોવા મળી શકે.

ઉપર જણાવેલ યોગ, ક્યારેક યોગકર્તા ગ્રહો એકબીજાથી નવમ-પંચમ હોય તો પણ નિષ્પન્ન થાય છે, અર્થાત આ યુતિઓનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.

યોગકર્તા ગ્રહો, ક્યારેય પોતાની નીચ રાશિઓમાં કે શત્રુ ગ્રહોથી દ્રષ્ટ ન હોવા જોઈએ. યોગકર્તા ગ્રહોની યુતિ જો છઠા, આઠમાં કે બારમાં ભાવે થઇ હશે તો યોગફળમાં અન્ય પરિબળો પ્રમાણે વધઘટ થઇ શકે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS