Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જ્યોતિષશાસ્ત્ર રહસ્યથી ભરપુર છે, જ્યોતિષ એ વેદોની આંખ છે, તો કેટલાક વિદ્વાનોના મતે જ્યોતિષને પાંચમો વેદ કહી શકાય. જ્યોતિષના જ્ઞાનમાં માનવજીવનની સરળતાનું આકાશીપિંડો દ્બારા પ્રતિબિંબ ઝીલાયું છે અને મનુષ્યજીવનની કાલાતીત સમર્થતા અને શાશ્વતતાના દર્શન થાય છે.

આ લેખમાં જ્યોતિષના કેટલાક જાણ્યાં અને અજાણ્યાં રહસ્યોને સમાવ્યાં છે, આશા છે કે વાચકોને તે જાણવા અને માણવા ગમશે. આ બધી વાતો, સલાહો, વિચારો કે વાક્યો જ્યોતિષશાસ્ત્રના મર્મરૂપ અને અનુભવસિદ્ધ પણ છે. દરેકની  કુંડળી અંદર જે તે ભાવ આધારિત જ્યોતિષીય રહસ્ય છુપાયેલા છે.

જ્યોતિષના મૂળ સિદ્ધાંતમાં સૂક્ષ્મથી વિરાટ દુનિયામાં એકરૂપતા જોવાઈ છે, જે સૂક્ષ્મ છે એ જ વિરાટ છે. યદ્ બ્રહ્માંડે તત પિંડે, પૃથ્વી પર જેટલા પ્રમાણમાં જળ છે તેટલા જ પ્રમાણમાં જળ માનવ શરીરની અંદર છે. પૃથ્વી ગોળાકારે છે તો મનુષ્યનો ગર્ભ પણ ગોળાકારે વિકાસ પામે છે. મનુષ્યનો એક દિન તેના જીવનનું સૂક્ષ્મ પ્રતિબિંબ છે (પાશ્ચાત્ય જ્યોતિષ જેને મૂન પ્રોગ્રેસન કહે છે), તમારા જીવનના એક દિન પરથી તમારા જીવનનો સાર પામી શકાય.

મનુષ્ય સવારે વહેલો ઉઠે તો જીવનના પહેલા ભાગમાં જ પ્રગતિ કરે છે, પ્રગતિ જલદી થાય છે. જે મનુષ્ય હમેશાં રાત્રે કામ કરે છે તો જીવનના પાછલા ભાગમાં ખૂબ વ્યસ્ત રહે છે, જલદી કાર્ય પૂર્ણ થતાં નથી. કાયમ સવારે તબિયત બગડતી હોય તો જુવાનીમાં રોગ થાય છે, બપોરે માંદો પડે તો મધ્ય ઉંમરે મોટો રોગ થાય. કાયમ બપોરે સૂતો હોય તો જીવનના મધ્ય ભાગે કઈ કરી નથી શકતો, આવતી લક્ષ્મી ઓળખી નથી શકતો. સ્ત્રીનું સંભાળતો અને સ્ત્રીનો સદા-આદર કરતો હોય તો લક્ષ્મીવાન હોય છે.

ચોથો (માતૃભાવ) અને દસમો (કર્મભાવ) ભાવ, મિલકત, મકાન અને ઉચ્ચ પદના પણ છે, માબાપની સેવા કરે તો ઘર અને માનસન્માન પામે, ઉચ્ચ હોદ્દો મળે છે. વધુ કન્યા સંતાન હોય તો અખૂટ લક્ષ્મી મેળવે છે. દસમો ભાવ કર્મ ભાવ છે, સાથેસાથે પગનો ભાગ પણ કુંડળીમાં અહીં જ આવે છે, માટે પગના ભાગે તકલીફ હોય તો તે કર્મ કે આજીવિકા સંબંધી પ્રશ્ન હશે તેનું સૂચન કરે છે. જન્મકુંડળીમાં ખભાનો ભાગ અને ભાઈબહેનનો ભાવ એક જ છે, તો ખભાના ભાગે તકલીફ જીવનમાં નક્કર સહયોગનો અભાવ દર્શાવે છે.

અષ્ટમ ભાવ એ મૃત્યુ ભાવ છે સાથેસાથે કામ સ્થાન પણ છે, અષ્ટમ ભાવથી સામેના માણસની લક્ષ્મી પ્રાપ્તિ પણ જોવાય, અર્થાત જાતકનું ગયેલું ધન અષ્ટમ ભાવ કહી શકાય, અષ્ટમ ભાવ કામ સ્થાન પણ છે. અતિકામી મનુષ્ય હોય તો જીવનના મધ્ય ભાગે મોટી તકલીફમાં ઉતરે છે. આયુષ્ય અસ્થિર થાય છે, રોગની પાછળ પૈસા પાણીની જેમ જાય છે. ધર્મમાં શ્રદ્ધાનો ભાવ જન્મકુંડળીમાં નવમો છે, જો મનુષ્ય શ્રદ્ધાવાન હોય તો સાસરું સારું મળે તેમ સીધો સંબંધ બને છે. અગિયારમો ભાવ આવક અને મિત્રોનો છે, જો મિત્રો સારા મળે તો મનુષ્ય મિત્રો થકી અનેક કાર્ય સિદ્ધ કરી સારી આવક કરી શકે છે, મિત્રો સારા મળવાં એ અગિયારમો ભાવ શુભ થયાનો સંકેત છે. દ્વિતીય ભાવ એ સ્થિર સંપતિ અને ધન ભાવ છે, આજ ભાવથી મનુષ્યની વાણી અને કુટુંબ પણ જોવાય છે. સહજ છે કે જે મનુષ્યની વાણી સુંદર હોય તે મનુષ્ય ઉત્તમ લક્ષ્મીનો માલિક બને છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે વ્યવસાયમાં આગળ વધવા માટે દ્વિતીય ભાવ અર્થાત વાણી ભાવ સારો હોવો જોઈએ. આનાથી ઉલટું એટલે કે મુખનો રોગી હોય કે વાણી કર્કશ હોય તો તેની પાસે સંપત્તિ ટકતી નથી,વાણી ભાવ એ કુટુંબનો ભાવ પણ છે, માટે જ્યાં કુટુંબમાં સંપ હોય ત્યાં પણ લક્ષ્મી સ્થિર થાય છે.

આર્થિક આયોજન કે નવું સર્જન કરવાની સૂઝ એ કુંડળીના પાંચમાં ભાવથી જોવાય છે, જો મનુષ્ય ઘણું ખાતો હોય અને તે પચાવી ના શકતો હોય તો, જીવનમાં આર્થિક આયોજન થઇ શકતું નથી.પાચન શક્તિ સારી હોય તો તેનો સીધો સંબંધ સંતાનસુખ સાથે છે, આવી વ્યક્તિને સંતાન સુખ ઉત્તમ રહે છે.

રાશિઓના ગુણો વિષે વિચાર કરીએ તો જાણવું રસપ્રદ થઇ પડશે કે, ચર રાશિઓ (મેષ, કર્ક, તુલા અને મકર)ઋતુ બદલાય ત્યારે સૂર્ય દ્વારા ભોગવાય છે, સ્થિર રાશિઓ (વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ) એ ઋતુઓનો મધ્ય કાળ અર્થાત સ્થિરતા છે તો દ્વિસ્વભાવ રાશિઓ (મિથુન, કન્યા, ધનઅને મીન) બે ઋતુની વચ્ચેનો સમય છે, આમઋતુઓના બદલાવ અને પૃથ્વી પર તેની અસર અને આકાશમાં સૂર્યના ભ્રમણને સાંકળીને રાશિઓના ગુણધર્મ નક્કી થયા છે.

મનુષ્યના શરીર પર ઋતુઓની સીધી અસર પડે છે, શિયાળામાં કફ વધે છે, ઉનાળામાં પિત્ત અને ચોમાસામાં વાયુ વધતાં શરીરનો દુખાવો થાય છે. આમ ઋતુઓની સીધી અસર મનુષ્યના શરીર પર અનુભવાય છે. ઋતુઓનો બદલાવ ગ્રહોની અવિરત ગતિને આભારી છે.

લગ્ન મેળાપકમાં નાડી નક્ષત્ર પરથી જાણી લેવાય છે, આ નાડી એટલે મનુષ્યની પ્રકૃતિ, આદ્ય, મધ્ય અને અંત્ય નાડીઓએ કફ, પિત્ત અને વાયુ પ્રકૃતિના સૂચક છે, પતિ અને પત્નીને સમાન નાડીઓ હોય તો સંતાનમાં જે-તે પ્રકૃતિનો અતિરેક થઇ દોષ પેદા થાય છે અને મોટા રોગની સંભાવના રહે છે, માટે જ્યોતિષ શાસ્ત્રમાં બે સમાન નાડી કે સમાન શારીરિક પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓનો વિવાહ નિષેધ કર્યો છે.

જ્યોતિષમાં કર્મના સિદ્ધાંતનો સ્વીકાર થયો છે, અર્થાત મનુષ્યનું આચરણ તે તેના જીવનમાં બનનારી ઘટનાઓની પશ્ચાદ ભૂમિ છે, મનુષ્ય જે અંગથી પાપ આચરણ કરે છે, તે જ અંગ થકી તેને રોગ કે દુઃખ વેઠવાનું આવે છે. કુટિલ મગજથી પાપ આચરે તો પોતે મોટી ઉંમરે યાદશક્તિ ગુમાવે કે માનસિક રોગી થાય છે. સંતાનોમાં પણ પાપવૃત્તિ અને માનસિક ખામી હોય છે. વાસનામય આંખો હોય તો દેવદ્રષ્ટિ મળતી નથી, અર્થાત ઈશ્વરની અનુભૂતિ થતી નથી. કરકસર કે ત્યાગવૃત્તિનો હોય તો અંતકાળે મોક્ષગામી બને છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS