Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નિનું મહત્વ અને કારકત્વ: જ્યોતિષશાસ્ત્રમાં શનિને આયુષ્ય અને કર્મનો કારક ગ્રહ કહ્યો છે. શનિ સૂર્ય અને છાયાના પુત્ર છે, શનિદેવનો જન્મ જ્યેષ્ઠ મહિનાની અમાસે ઉજવાય છે. શનિના પ્રભાવ હેઠળની વ્યક્તિઓ રાજસત્તાનો વિરોધ કરનાર અને અત્યંત કઠોર મિજાજ અને ચાણક્ય બુદ્ધિવાળી વ્યક્તિ હોય છે. પોતાની બુદ્ધિ અને અનુભવ વડે આ વ્યક્તિઓ સત્તાધારી વર્ગને હંફાવે છે. શનિ કાયદો, ન્યાય, અનુભવથી ઉપજેલા જ્ઞાન, કઠોર પરિશ્રમ, જવાબદારી અને મર્યાદાનો ગ્રહ છે. શનિ મકર અને કુંભ રાશિ પર આધિપત્ય ધરાવે છે. સૂર્ય, ચંદ્ર અને મંગળ શનિના શત્રુ ગ્રહો છે. શુક્ર શાસિત લગ્નમાં અર્થાત વૃષભ અને તુલા લગ્નની કુંડળીઓમાં શનિ યોગકારક ગ્રહ થાય છે, આ લગ્નોમાં શનિ કેન્દ્ર કે કોણ સ્થાનોમાં એકલો બેઠો હોય તો પણ શ્રેષ્ઠ ફળ આપે છે. સંસારમાં જ્યાં નિયંત્રણ, શિસ્ત અને કાયદાની વાત આવે છે, ત્યાં શનિ ગ્રહનો પ્રભાવ જ મહત્વનો છે. શનિ જયારે સૂર્યની રાશિમાં કે સૂર્ય સાથે ગોચરમાં યુતિ કરે છે ત્યારે સંસારમાં સત્તા વિરોધી સૂર કે વિશ્વની મોટી સત્તાઓમાં પણ ઉથલપાથલની સ્થિતિ જોવા મળે છે. જાતકોને જાણવું રસપ્રદ થઇ પડશે કે આ વર્ષે ડિસેમ્બર ૨૦૧૬ મહિનાની શરુઆતમાં ૧૨ ડીસેમ્બર ૨૦૧૬ સુધી સત્તા પક્ષનો અન્ય પક્ષો દ્વારા વિરોધની સ્થિતિ તથા સમગ્ર દેશમાં પણ આર્થિક અને સામાજિક ક્ષેત્રે ઉથલપાથલ જોવા મળી છે. તો આ શનિ અને સૂર્યની યુતિ એ વૈશ્વિક સત્તા પરિવર્તનના પણ દર્શન કરાવ્યા, અમેરિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું.

શનિનું એક મહત્વનું કારકત્વ કર્મ છે, જન્મકુંડળીમાં શનિ સારા નરસા કર્મોનો નિર્દેશ કરે છે. શનિ શુભ બનીને કુંડળીમાં બેઠો હોય અર્થાત શુક્રથી દ્રષ્ટ હોય કે સ્વક્ષેત્રી કે મિત્રક્ષેત્રી હોય તો આ શનિ જાતકને કર્મ બાબતે શાંતિ અને સુખનો અનુભવ કરાવે છે. જાતકને જીવન દરમિયાન આજીવિકા કે વ્યવસાયમાં સુખ મળે છે. જીવન દરમિયાન લાંબા સમય સુધી નોકરી કરનાર વ્યક્તિઓની કુંડળીમાં શનિનું સ્થાનસૂચક હોય છે.

શનિની દશા પર વિશેષ તારણ: કર્ક અને સિંહ લગ્નમાં શનિ સપ્તમ અને અષ્ટમ ભાવનો માલિક તથા છટ્ઠા અને સાતમા ભાવનો માલિક થાય છે. સપ્તમ સ્થાન મારક છે અને છઠું તથા આઠમું દુસ્થાનો છે, કર્ક અને સિંહ લગ્નમાં શનિની દશા અચૂક ખરાબ પરિણામ આપે છે. જો આ શનિ દેહસ્થાન સાથે સંબંધ કરતો હોય તો જાતકને દૈહિક પીડા, અંગોમાં વિકલતા અનુભવાય છે. આ લગ્નોમાં શનિ મંગળ સાથે હોય તો મોટી ઉમરે પગમાં અચૂક તકલીફ સર્જાય છે.

અહી શનિની અન્ય ગ્રહો સાથે યુતિ સર્જાતાં અર્થાત શનિ અન્ય ગ્રહો સાથે જન્મકુંડળીમાં એકસ્થાનમાં બેસતાં કેવો ફળાદેશ થાય છે. તે જણાવેલ છે, આદ્ય આચાર્યોએ પંચજાતકમાં આપેલ મત અને આધુનિક સમાજના પરિપ્રેક્ષ્યમાં પણ અવલોકન આપેલા છે, બે ગ્રહોની યુતિ એક ભાવમાં જો ૧૦ ડીગ્રીથી ઓછા અંતરમાં હોય તો આ યુતિની અસર જાતકના જીવનમાં અચૂક અનુભવાય છે, યુતિની અસરો વિષે ઘણું ઓછું લખાયેલ છે, આશા છે કે વાચકોને આ ગમશે,

શનિ અને સૂર્ય એક સાથેઃ શનિ અને સૂર્ય કટ્ટર દુશ્મન ગ્રહો છે, જાતકને પોતાના પિતા સાથે ઓછો મનમેળ રહે છે, પિતાનું ઋણ જીવન દરમિયાન રહે છે, દ્રઢ કર્મ છોડતું નથી, સરકારી નોકરીના યોગ કહી શકાય. વ્યવસાયમાં સરકાર સાથે સંઘર્ષ કે તકલીફનો અનુભવ કરે છે. આયુષ્ય લાંબુ હોય છે, શરીરનો બાંધો મજબૂત હોય છે. જાતક સત્યપ્રિય હોય છે. ઘણા અનુભવે જીવનમાં આગળ આવે છે. ભાગ્યોદય મોડો થાય છે.

શનિ અને ચંદ્ર: ક્લાસિકલ જ્યોતિષમાં શનિ અને ચંદ્રના યોગને વિષ યોગ ગણ્યો છે, છતાં ચંદ્ર અને શનિની યુતિને લીધે થતી શુભ અસર પૈકીની એક કે આવા જાતક ઉત્તમ યોગી થઇ શકે છે. ધ્યાન અને યોગનું જ્ઞાન મેળવે છે.  ૩૬માં વર્ષ પછી જાતકના જીવનમાં મોટા ફેરફાર આવે છે. કર્મોની ગતિ સ્થિર હોતી નથી, અનેકોવાર વ્યવસાય બદલાય છે, વાહન વ્યવહાર, ખાણીપીણી અને ખેત પેદાશોના વ્યવસાયમાં જાતક આગળ આવી શકે. આ જાતકો જીદ્દી સ્વભાવના હોઈ પોતાના રસના વિષયોમાં ડૂબેલા રહે છે. માતા સાથે સંબંધોમાં સતત ઉતાર ચઢાવ રહે છે.

શનિ અને મંગળ: શનિ અને મંગળની યુતિ હોતા જાતક કર્મ બાબતે અણધાર્યા પ્રસંગોમાંથી પસાર થાય છે. ઘણીવાર આવા જાતકોના જીવનમાં વ્યવસાય એકાએક બદલાઈ જાય છે. ભણ્યા કઈ અને કામ કરે કઈ તેવા જાતકોના જીવનમાં આ પ્રકારે યુતિ હોઈ શકે. લોખંડ, ઓજાર, ખનીજ, ધાતુ તથા ઈજનેરી ક્ષેત્રે નામના મેળવતા લોકોમાં આ શનિ અને મંગળની યુતિ હોય છે. શનિ અને મંગળ યુતિનું એક મહત્વનું અવલોકન છે, આ યુતિ ધરાવતા જાતકોને પગની તકલીફ અચૂક થાય છે. શારીરિક વ્યાધિ લાંબી ચાલે છે.

શનિ અને શુક્ર: આ યુતિને લીધે મોડા લગ્ન થાય છે, લગ્ન જીવનમાં શરૂઆતમાં તકલીફ અને પછી લાંબે ગાળે મનમેળ થાય છે. એક અનુભવ છે કે આ યુતિમાં જાતકને કર્મફળ સુંદર મળે છે, અર્થાત જાતક આજીવન સુંદર કાર્યો કરે છે, નોકરી અને વ્યવસાયમાં સરળતાથી આગળ વધે છે, મોટા વ્યવસાય દ્વારા લક્ષ્મીપ્રાપ્તિ થાય છે. જાતક આશરે ૪૨માં વર્ષે વ્યવસાયિક સાહસ ખેડે છે. ટૂંકમાં જાતક કર્મ બાબતે સુખી કહી શકાય. બેંક અને અર્થવ્યવસ્થામાં મોટા પદે બેસનાર જાતકોની કુંડળીમાં આ યુતિ જોવા મળશે.

શનિ અને ગુરુ: શનિ અને ગુરુની યુતિ એટલે કર્મોનું ભાથું કહી શકાય, જાતકને દ્રઢ કર્મબંધન પણ કહી શકાય. જાતક જીવનમાં મહેનત અને અનુભવ બંનેના પ્રતાપે નામ કમાય છે. અર્થપ્રાપ્તિ મધ્યમ કક્ષાની હોઈ શકે. આ યુતિમાં જાતક મોટી પદવી પર બેસી શકે છે, કોઈ સામાજિક કે સેવાભાવી સંસ્થાનો વડો કે ન્યાય અને કાયદા ક્ષેત્રે પણ નામ કાઢે છે. ઉચ્ચ વિદ્યાલયોમાં કે શિક્ષણ જગતમાં પણ આ યુતિ ધરાવતા જાતકો જોવા મળશે. શારીરિક વ્યાધિ હોય છે, વાયુ દોષ અને કૃશ શરીર હોય છે. આવા જાતકો સિદ્ધાંતને વળગી રહેનારા હોય છે.

શનિ અને બાકી અન્ય ગ્રહોની યુતિ પર વિશેષ વધુ અવલોકન અને તારણો આગળના અંકોમાં આપીશું…    

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS