Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પ્રેમ એ સંસારનું અમૃત છે, પૃથ્વી પ્રેમ વગર કબર લાગશે જેવી અનેક ઉક્તિઓ સંસારમાં આપણે સંભાળીએ છીએ. પ્રેમ પર મીમાંસા લખીએ તો અનેક પૃષ્ઠ લખાય છતાં કંઇક અધૂરું જ રહે. એક જ્યોતિષી તરીકે કહું તો, બે પાત્રોને પ્રેમ એકબીજાની કુંડળીઓ જોઇને તો થતો નથી પણ પ્રેમ લગ્ન પછી આ પાત્રોની જન્મકુંડળીઓ અચૂક જોવાય છે તે પણ આજના સમયની હકીકત છે.

જ્યોતિષની દ્રષ્ટિએ પ્રેમ સંબંધનું પૃથ્થકરણ કરીએ તો, પ્રેમનું ઉગમબિંદુ યુવાનીકાળમાં થતું દૈહિક આકર્ષણ માની શકાય, આ દૈહિક આકર્ષણ માટે ગ્રહોના અનુબંધો તપાસવા પડે. ચંદ્ર અને લગ્નભાવ પુરુષ રાશિઓમાં હોય તો જાતકના ગુણો પૌરુષી હોય છે. પુરુષની કુંડળીનો મંગળ તેનું પુરુષાતન છે. મેષ, વૃશ્ચિક અને મકર રાશિનો મંગળ કેન્દ્ર કે ત્રિકોણ ભાવોમાં હોય અથવા લગ્નેશ સાથે સંબંધિત હોય તો આવા પુરુષ પાત્રમાં સાહસ, ઊર્જા અને ઓપતું શરીર સૌષ્ઠવ સહજ હોય છે. સાથેસાથે પુરુષત્વનું દર્શન એટલે કે અન્યને રક્ષણ આપવાનો ગુણ પણ હોય છે. સહજ છે કે આવા પુરુષ પાત્ર માટે સ્ત્રીઓને આકર્ષણ હોય.

સ્ત્રીની જન્મકુંડળીમાં શુક્ર તેનું સ્ત્રીત્વ વ્યક્ત કરે છે. શુક્ર કે ચંદ્ર બળવાન હોય અને લગ્નેશ સાથે સંબંધ હોતાં સ્ત્રીના નયનો સુંદર હોય છે. શુક્ર તુલા, વૃષભ કે મીન રાશિનો જો કેન્દ્ર કે ત્રિકોણ ભાવોમાં હોય તો આવી સ્ત્રી જાતક, ઉત્તમ પ્રેમ આપનાર, આકર્ષણયુક્ત, સુંદર નયનો અને કોમળ સ્વભાવની માલિક હોય છે. આવી સ્ત્રીઓના જીવનમાં પ્રેમપ્રસંગ થવો પણ સહજ છે.

જ્યોતિષની દ્રષ્ટિએ પ્રણય જોઈએ તો, જે સ્થાનમાં સ્ત્રીનો શુક્ર હોય તે જ સ્થાનમાં જો પુરુષનો મંગળ હોય કે આથી ઉલટું હોય તો પણ બંને પાત્રો વચ્ચે પહેલી નજરનો પ્રેમ થાય અર્થાત બંનેની વચ્ચે ઊંડું આકર્ષણ હોય છે. ક્લાસિકલ જ્યોતિષ પાંચમા ભાવનો સાતમા ભાવ સાથે સંબંધ પ્રેમલગ્ન આપે છે તેમ કહે છે. કર્ક લગ્નની એક જન્મકુંડળી છે, તેમાં પાંચમા ભાવે સપ્તમેશ શનિ મંગળની રાશિ વૃશ્ચિકમાં છે, સપ્તમેશ શનિ પંચમ ભાવમાં રહી સાતમે દ્રષ્ટિ કરે છે. ક્લાસિકલ નિયમો પ્રમાણે આ જાતકને પ્રેમ લગ્ન પણ થયા છે. પણ અહી શનિ મંગળની રાશિમાં હોઈ પીડિત છે, આ પીડિત શનિએ પ્રેમસંબંધમાં કપટનો અહેસાસ આપ્યો છે. માટે સુજ્ઞ વાચકોએ એ નોધવું કે જ્યાં શનિ અને મંગળનો સંબંધ સપ્તમ અને પંચમ ભાવ સાથે છે, ત્યાં પ્રણયસુખની પ્રાપ્તિ સંપૂર્ણ ના કહી શકાય. પંચમેશ બળવાન હોતાં તથા પંચમ ભાવ બળવાન હોતાં, પ્રણયસુખ ઉત્તમ મળી શકે, જે ભાવ સાથે પંચમેશ જોડાય છે તે ભાવગત બાબતો પ્રેમપ્રસંગ દરમિયાન જાતક અનુભવે છે. જેમકે પંચમેશ નવમે હોતાં દૂર અભ્યાસના મુકામે કે વિદેશ વસવાટ દરમિયાન પ્રેમપ્રસંગ થઇ શકે.

નાની ઉમરે થતો પ્રેમ પ્રણયફાગ કહી શકાય, તો મોટી ઉમરે થતો પ્રેમ બે પાત્રોના જીવનને સંપૂર્ણ બનાવે છે, એકબીજાની જરૂરિયાતોનો પોષક હોય છે. બે પાત્રોની જન્મરાશિઓ અને લગ્નરાશિઓ જો એકબીજાને પોષક હોય તો વિચારો અને દુન્યવી સુખોની આપલે થયા કરે છે, વિચારોની નવીનતા અને આકર્ષણ પણ હોય છે, આ દ્રષ્ટિએ અગ્નિતત્વની રાશિઓને વાયુતત્વ સાથે વધુ બને અને જળતત્વની રાશિને પૃથ્વીતત્વ સાથે વધુ બને.

અગ્નિતત્વ (મેષ, સિંહ અને ધન) સાથે વાયુતત્વ (મિથુન, તુલા અને કુંભ) એકબીજાના પોષક હોઈ સંબંધ સારો રહે. પૃથ્વીતત્વ (વૃષભ, કન્યા અને મકર) સાથે જળતત્વ ( કર્ક, વૃશ્ચિક અને મીન) એકબીજાના પોષક હોઈ સંબંધ સારો રહે.

અહીં એ ખાસ નોંધમાં લેશો કે જે તે તત્વની રાશિને પોતાના તત્વની અન્ય રાશિ સાથે તો મનમેળ હોય જ છે. જાતકની પોતાની રાશિથી બરાબર સામેની રાશિ અર્થાત સાતમી રાશિ, તેનાથી બિલકુલ નવી વિચારધારા અને અભિગમ દર્શાવે છે, એકબીજાથી સાતમી રાશિ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે એકબીજા માટે આપવાલાયક ચોક્કસ કંઈ નવીન હોય છે. આવી વ્યક્તિઓ એકબીજામાં રહેલી નવીનતા અને વિચારોને લીધે એકબીજાની નજીક આવે છે અને પ્રેમ થાય છે.

સરખી રાશિની વ્યક્તિઓ પ્રેમ કરે અને જો લગ્ન સંબંધ થાય તો જીવનમાં એકાએક ચડતી અને પડતીના અનુભવ થાય છે. તેનું કારણ છે કે, જન્મરાશિ એક હોઈ બંને પાત્રોના જીવનમાં ચાલતી ગ્રહદશાઓ પણ લગભગ એકસમયે સમાન ગ્રહની હોય છે. એક પાત્રને શનિની દશા આવે ત્યારે થોડા સમયમાં બીજા પાત્રને પણ શનિની દશા આવે છે. જેના કારણે બંને પાત્રોને એકસાથે આવતી મુસીબત અને ક્યારેક સુખોનો અતિરેક પણ ભોગવવા મળે છે.

ઘણીવાર પ્રેમ સંબંધ હોય છે, લગ્ન પણ થાય છે પરંતુ લગ્નજીવન ટકતાં નથી. લગ્ન અને પ્રેમ જીવનભરની વ્યથા આપનાર બને છે. આવા કિસ્સામાં એકબીજાની જન્મકુંડળીના લગ્નેશ ગ્રહો દુશ્મન ગ્રહો હોઈ શકે. જાતકનું સપ્તમ સ્થાન અને શુક્ર કે ગુરુ દૂષિત હોય તો પણ લગ્નજીવનમાં તકલીફ સર્જાય છે. મંગળનું રાહુ કે કેતુ સાથે નવમ-પંચમ સ્થાને હોવાથી વૈધવ્ય આવ્યાંના અનેક દાખલાઓ છે. અહી પ્રેમીપાત્રો વચ્ચે પ્રેમ અમર રહે છે, પણ સહજીવનનું સુખ કુંડળીમાં હોતું નથી. શુક્રનું રાહુ કે કેતુ સાથે નવં-પંચમ સ્થાને હોવાથી પુરુષના જીવનમાં સ્ત્રીપાત્ર સાથે અકાળે વિયોગ થાય છે.

જાતીયતા અને આકર્ષણનો કારક ગ્રહ શુક્ર છે, વસંત પંચમી કામદેવની જન્મતિથિ છે, બરાબર આજ સમયે ઉપર નભોમંડળમાં પ્રેમ અને જાતીયતા દર્શાવતો ગ્રહ શુક્ર પણ મીન રાશિમાં ઉચ્ચનો હોય છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS