Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કેતુ  છાયાગ્રહ છે, ભૌતિક અસ્તિત્વ ના હોવા છતાં તે એક ગ્રહ તરીકે સ્વીકૃતિ પામ્યો છે, આદ્ય આચાર્યોએ કેતુ અને રાહુની અસરો સચરાચર સૃષ્ટિ પર અનુભવી અને તેને ગ્રહ તરીકે સ્વીકાર્યા છે. સરળ શબ્દોમાં જોઈએ તો, કેતુ પૂર્વભવ કે પૂર્વભવની અનુભવેલી બાબતોને રજૂ કરે છે. કેતુ જે ભાવમાં રહે છે, તે ભાવ વિષયક બાબતોમાં જાતકને “અતિ” થાય તેનો આગ્રહ હોય છે, પરંતુ આ “અતિ” જ જાતકની તકલીફનું કારણ હોય છે.

ગત જન્મે જે કર્મમાંથી મનુષ્ય પસાર થયો હોય, તે અનુભવો આ જન્મે પણ તેને આકર્ષિત કરી શકે તે વાત સ્વાભાવિક છે. મારા અનુભવે કહું તો, રાહુ અને કેતુ બહુધા જન્મકુંડળીનો દોષ કે અજ્ઞાત કર્મબંધનનો જ નિર્દેશ કરતા ગ્રહો છે. ઘણીવાર જાતકની જન્મકુંડળી જોતા કેતુ જો છઠે, આઠમે કે દસમે શનિ કે મંગળ સાથે બેઠો હોય, તો આ કેતુ જ જાણે સમગ્ર જન્મકુંડળીનો ચિતાર આપી દે છે. શનિ સાથે હોતા આજીવિકાનો પ્રશ્ન અને મંગળ સાથે હોય તો દૈહિક તકલીફનો પ્રશ્ન હોય છે.

જન્મકુંડળીમાં કેતુ સર્વથા હાનિ કરનાર છે, તેમ કહેવું પણ અતિશયોક્તિ થશે. કેતુ આધ્યાત્મ અને અજ્ઞાત તત્વના અનુભવનો ગ્રહ પણ છે. કેતુને મસ્તક નથી માત્ર શરીર છે, તેનામાં મસ્તક નથી એટલે દિશા નથી પણ અજ્ઞાત ખોજવાની ખેવના જરૂર છે. સૂર્ય કે ગુરુ સાથે કેતુની યુતિ થતા એક પ્રકારે આધ્યાત્મિક યોગ બને છે. સૂર્ય સાથે કેતુ આત્મરાગી બનાવે છે, તો ગુરુ સાથે કેતુ જ્ઞાનની તપસ્યા બતાવે છે.

કેતુ જન્મકુંડળીમાં વિવિધ ભાવે હોય તો જાતકના જીવનમાં થતી અસરો:

પ્રથમ ભાવે: જાતકે અન્યને મદદરૂપ થવું, અહંકાર અને સ્વાર્થને ત્યાગવા, પહેલાં બીજાને સાંભળવા પછી પોતાનો મત વ્યક્ત કરવો ફાયદાકારક રહે છે, દૈહિક પીડા કે ચર્મરોગથી ભય રહે.

ધન ભાવે: ભૌતિક ચીજોનું આકર્ષણ વધુ હોય છે, મિલકત ઘરના અન્ય સભ્યના નામે હોય તો વધુ ફળી શકે, ક્યારેક ભૌતિક સમૃદ્ધિ મોટા ઝઘડાનું મૂળ હોય છે. મુખના રોગ થાય તો ઝટ મટે નહીં.

પરાક્રમ ભાવે: જાતક વધુ પડતો દલીલબાજ રહે, કાયદાનો દૂરુપયોગ ક્યારેક મોટો પરેશાની આપી શકે, આવા જાતકો ધર્મમાં વધુ શ્રદ્ધા રાખે તો ઉન્નતિ થાય છે. શત્રુઓને હંફાવે છે.

માતૃ ભાવે: જાતકે સમયાંતરે દાન કરતા સંપત્તિ સાચવી રહે છે, જીવનભર મોટા મકાનનો મોહ રહી શકે, જન્મભૂમિથી દૂર વસવાટ કરે તો આર્થિક ફાયદો થાય છે.

સંતાન ભાવે: મોટી ઉમરે સંતાનો સાથે અણબનાવ રહે છે, સંતાનનો મોહ મોટા ખર્ચાનું કારણ હોય છે, સંતાનને તકલીફ હોય છે, જાતકને મંત્ર જ્ઞાન સહજ હોય છે.

શત્રુ ભાવે: નોકરીના લીધે અવારનવાર મકાન બદલવું પડે છે, જાતક ઉદાર પ્રકૃતિનો હોય છે, અન્યને મદદ કરે છે, રોગ થાય તો જાતકને જલદી જાણકારી ના થાય, આવકજાવક સરખા રહે છે.

ભાર્યા ભાવે: જાતક પોતાના જીવન લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી, જાતઆવડત વિકસાવવી જરૂરી હોય છે, પ્રેમસંબંધમાં તકલીફ થઇ શકે, પત્નીની ચિંતા રહ્યા કરે.

અષ્ટમ ભાવે: જાતક મોટા સાહસ કરે છે, મૃત્યુનો ડર હોતો નથી જે જાતકને ખૂબ હાનિકર્તા છે, આખા બોલો હોય છે, ગૂઢ વિદ્યામાં રસ હોય છે, પિતા થકી જ્ઞાન મેળવે છે, શરીરમાં વાયુનો દોષ હોય છે.

કેતુ નવં ભાવે: મનુષ્ય ધાર્મિક ભાવનાવાળો હોય છે, ભૌતિક ચીજોમાં આકર્ષણ હોતું નથી, આવા જાતકોએ પોતાની જરૂરિયાતો અને વ્યવસાયમાં વ્યવહારિક અભિગમ રાખવો, પિતાની સેવા કરવી.

કેતુ દસમ ભાવે: સત્તા અને કારકિર્દી તરફ અતિ ઝૂકાવ હોય છે, આવા જાતકોએ પોતાના રહેઠાણ અને વારસાગત મકાનની કાયમી વ્યવસ્થા રાખવી, કાયદાકીય બાબતો સ્પષ્ટ રાખવી, સત્ય આચરણ કરવું.

કેતુ લાભ ભાવે: સામાજિક સંપર્કો જાતકને ફળતાં નથી, આ જાતકો થકી અન્ય લોકોને ફાયદો થાય છે, અભ્યાસમાં વિઘ્ન આવે છે, ધાર્મિક કાર્યો કરવા જોઈએ, મોટી ઉમરે ગુણવાન વ્યક્તિ બને છે.

કેતુ વ્યય ભાવે: જાતક વ્યવહારિક બાબતો તરફ લક્ષ્ય નથી આપતો, અન્ય સાથે વ્યવહાર અણધાર્યો હોય છે, મોટી ઉમરે પરલોકનું જ્ઞાન મેળવે છે.

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS