Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જન્મકુંડળીમાં ગ્રહોની આ પાંચ યુતિઓમાંથી કોઈ એક કે વધુ હોય તો રહો સચેત

વૈદિક જ્યોતિષમાં જન્મકુંડળીનું ફલિત એ ગ્રહોનું બળાબળ અને ગ્રહોની પંચધા મૈત્રી સંબંધો પર આધારિત છે. શુભ ગ્રહ પણ પાપગ્રહ સાથે દીન અવસ્થામાં પડીને પોતાનું શુભત્વ ખોઈ બેસે છે. શુભગ્રહો સાથે જો પાપગ્રહોની યુતિ સર્જાઈ જાય તો યોગ ભંગ થાય છે અને જાતકને શુભ પરિણામ મળવાને બદલે અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.

જન્મકુંડળી જોઈએ ત્યારે ઘણીવાર એક જ યોગ એવો જાણમાં આવે કે એ જ યોગ જાણે જન્મકુંડળીનો સમગ્ર ચિતાર આપી દેતો હોય. બે શત્રુ ગ્રહોની યુતિ જયારે પણ સર્જાય છે ત્યારે જન્મકુંડળીમાં યુતિમાંનો ગ્રહ જે ભાવનો માલિક બનતો હોય તે ભાવ અને જ્યાં યુતિ સર્જાઈ હોય તે ભાવનું ફળ જાણે કે ન્યૂન થઇ જતું હોય છે.

આજે આપણે એવી પાંચ યુતિઓ જોઈશું કે જે જન્મકુંડળીમાં હોય તો તેનું અશુભ પરિણામ મળ્યાં વગર રહેતું નથી. તમારા અભ્યાસમાં આ યુતિઓને મૂલવવા કોશિશ કરશો તો તમને તેનો જાતે પણ અનુભવ થશે. નીચે જણાવેલ ગ્રહોની યુતિઓ જો જન્મકુંડળીમાં હોય તો તેનો યોગ્ય ઉપાય અર્થાત શ્રદ્ધાપૂર્વક દાન, જપ, તપ કરીને જાતકે જીવનમાં આગળ વધવું જોઈએ.

સૂર્ય અને શનિની યુતિ

સૂર્ય અને શનિની યુતિ એટલે બેય અધિશત્રુ ગ્રહોનો ડરામણો મેળાપ, શનિ અને સૂર્ય કટ્ટર શત્રુ ગ્રહો છે. સૂર્ય જીવદાતા ગ્રહ છે, સમગ્ર ગ્રહમંડળને પ્રકાશિત કરે છે, જ્યારે શનિ એ સૂર્યથી સૌથી દૂર, છેલ્લે ભ્રમણ કરતો ઠંડો, શુષ્ક અને ધીમો ગ્રહ છે. શનિ એ કર્મ છે, સૂર્ય આત્મા છે. આત્માને કર્મનું બંધન પસંદ નથી. આમ શનિ અને સૂર્ય એકબીજાથી તદ્દન વિરુદ્ધ પ્રકૃતિ અને ગુણો ધરાવતાં હોઈ શત્રુગ્રહો છે. સૂર્ય અને શનિની યુતિનું ફળ જોઈએ તો જાતકને પિતા સાથે અને કાર્યમાં ઉપરીવર્ગ સાથે અણબનાવ રહે છે, સંબંધો ક્યારેય સુધરી નથી શકતાં. જાતકના જન્મ પછી પિતાને તકલીફ આવી શકે. જીવનમાં અનેકગણો પરિશ્રમ છતાં નામના થતી નથી, જાતકને વ્યવસાયમાં કાયદાકીય તકલીફ આવી શકે.

ઉપાય: કર્ક અને સિંહ લગ્નમાં સૂર્યને જળ ચડાવી નિયમિત ઉપાસના કરવી, શુક્ર અને શનિ શાસિત  જન્મલગ્નમાં શનિની ઉપાસના કરવી જોઈએ. શનિદેવને તેલ ચડાવવું, તેલ અને લોખંડનો સંગ્રહ કરવો નહીં, શનિવારે લોખંડનો સોદો કરવો નહીં. હનુમાનજીની ઉપાસના ફળે.

સૂર્ય અને રાહુની યુતિ

સૂર્ય અને રાહુની યુતિ એટલે આત્માનું બંધન. આ યોગ ગ્રહણયોગના નામે પણ પ્રચલિત છે. સૂર્ય એ દેવગ્રહ છે. જયારે રાહુ એ દાનવ ગ્રહ છે, બંને ગ્રહો વચ્ચે કટ્ટર શત્રુતા છે. સૂર્ય અને રાહુની યુતિના લીધે જાતકને સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી અનુભવાય છે. ઘણીવાર જાતક નિ:સંતાન રહે છે. જો સંતાન આવે છે તો સંતાન પર અવારનવાર તકલીફો આવે છે. જાતકને આંખોમાં તકલીફ સર્જાઈ શકે છે. અન્ય પાપગ્રહોની દ્રષ્ટિ પણ આ યુતિ પર હોય તો જાતકના પિતાને અચૂક કષ્ટ રહે છે, જાતકના પિતા અને કૂળ આધ્યાત્મિક વારસો ધરાવતું હોઈ શકે. રાહુ એ પિતામહનો કારક છે, જાતકના પિતામહ આધ્યાત્મિક ઉન્નતિ પામેલાં હોઈ શકે.

ઉપાય: સૂર્ય ઉપાસના ફળે, જાતકે આદિત્યહ્રદયના પાઠ કરવા જોઈએ. સૂર્ય સહસ્ત્રનામના પાઠ કરીને જ કોઈ પણ શુભ કાર્યમાં આગળ વધવું જોઈએ. ગાયત્રીદેવીની ઉપાસના પણ શીઘ્ર ફળદાયી નીવડે.

મંગળ અને શનિની યુતિ

મંગળ એ દેવોનો સેનાપતિ ગ્રહ છે અને શનિનો શત્રુ ગ્રહ છે. મંગળ અને શનિની યુતિ જાતકને જીવનમાં કર્મ બાબતે અનેક ખાટામીઠાં અનુભવો આપે છે અને જાતકને મોટી ઉંમરે સફળતા હાથ લાગે છે. આ યુતિ ધરાવતાં જાતકોને યાંત્રિક ઉદ્યોગમાં સફળતા મળી શકે, પરંતુ જે ધંધો કે વ્યવસાય હાથમાં લો તેમાં લાંબો સમય લાગેલા રહેવું પણ એટલું જ જરૂરી છે. શનિ અને મંગળની યુતિના પરિણામ સ્વરૂપ જાતકને શારીરિક ખામી સર્જાય છે. જાતકનો દેહ તેની ઉમર પહેલાં વિકળ બની જાય છે. આ યુતિ ધરાવતાં જાતકોને પગની સમસ્યા સર્જાય તો તે અચૂક લાંબી ચાલે છે અને અસહ્ય બની જાય છે.

ઉપાય: મંગળ અને સૂર્ય શાસિત જન્મલગ્નમાં જાતકે મંગળની ઉપાસના કરવી જોઈએ. અંગારક સ્રોત્રનું પઠન તથા હનુમાનજીની શ્રદ્ધાપૂર્વક ઉપાસના અને દર્શન નિયમિત કરવા જોઈએ. શનિ અને શુક્ર શાસિત જન્મલગ્નમાં જાતકે શનિદેવની ઉપાસના કરવી જોઈએ, શનિવારે શનિ મંદિરે તેલનું દાન અને કાગડાને અન્ન નાખવું જોઈએ.

મંગળ અને રાહુની યુતિ

મંગળ અને રાહુની યુતિ જાતકના અહમમાં વધારો કરે છે. આવા જાતકો પોતાના અહમ અને મિથ્યાભિમાનને લીધે અનેક લોકો સાથે વેર બાંધે છે અને જીવનમાં તકલીફો અનુભવે છે. શારીરિક સુખનો અભાવ વર્તાય છે અથવા શરીરનું ઓજસ હણાય છે. મંગળ અને રાહુની યુતિ હોતાં જાતકના ભાઈભાંડુંને તકલીફ હોય છે, ઘણીવાર જાતકને ભાઈભાંડું સાથે સંપતિ બાબતે મોટી તકરાર થાય છે. જો સ્ત્રીની જન્મકુંડળીમાં આ યુતિ હોય તો જન્મકુંડળીનું યોગ્ય મિલન કરીને જ વિવાહ કરવા જોઈએ.

ઉપાય: મંગળ અને રાહુની યુતિથી પીડિત જાતકોએ ગણેશજીની નિયમિત ઉપાસના કરવી જોઈએ.

શનિ અને કેતુની યુતિ

શનિ એટલે કર્મ અને કેતુ એટલે મુક્ત થવું. શનિ અને કેતુની યુતિમાં જાતકને પોતાના કર્મ બાબતે અવરોધ આવે છે, જાતક પોતાના કર્મોમાં સ્થિર રહી શકતો નથી. આ યુતિ ધરાવતા જાતકોને જીવન દરમિયાન આધ્યાત્મિક, પારલૌકિક અને અજુગતા અનુભવો થાય છે. જાતક પોતાના હઠાગ્રહ અને માન્યતાઓને લીધે પીડાય છે. જાતકને જાણે પૂર્વજન્મનું બંધન હોય તેમ તેને કર્મોનું સુખ મળતું નથી. જાતક જે નવું કાર્ય હાથમાં લે તેમાં તેને સતત પીછેહઠ અને નુકસાની ભોગવવા પડે છે.

ઉપાય: શનિદેવની ઉપાસના કરવી જોઈએ, શનિવારે શનિમંદિરમાં તેલ કે કાળા અડદનું દાન કરવું જોઈએ. હનુમાનજીની ઉપાસના ફળદાયી રહે છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS