Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અંકશાસ્ત્રનો ઉદભવ ચાલ્ડીયન સભ્યતાથી થયો હોવાનું માનવામાં આવે છે, અંકશાસ્ત્ર વડે ભવિષ્ય જાણવું અને અંકશાસ્ત્રના ઉપયોગથી વ્યવહારમાં શુભ અને અશુભ જાણવું તે સદીઓથી ચાલ્યું આવે છે. ગ્રીક ગણિતજ્ઞ પાયથાગોરસ અંકશાસ્ત્ર વડે ભવિષ્ય કથનમાં ઊંડી રુચિ ધરાવતાં હતાં. મુખ્યત્વે પાંચ પ્રકારે અંકશાસ્ત્રનો જુદી જુદી શાખાઓમાં ભવિષ્યકથન માટે ઉપયોગ થાય છે. ચાલ્ડીયન, વેસ્ટર્ન, ભારતીય, કબાલા અને ચાઇનીઝ અંકશાસ્ત્ર.

આજે આપણે અંકશાસ્ત્ર મુજબ ભાગ્યાંક મેળવીશું. આ ભાગ્યાંકની મદદથી તમે શુભ અને અશુભ તારીખ તથા જયારે અંક પર પસંદગી કરવાની આવે ત્યારે કયો અંક પસંદ કરવો તે સરળતાથી જાણી શકશો.

જન્મ તારીખનો જન્મ વર્ષ સાથે સરવાળો કરવાથી એક ભાગ્યાંક મળશે, દા.ત. ૨૪ ડીસેમ્બર ૧૯૮૫ની જન્મતારીખ માટે ભાગ્યાંક નીચે દર્શાવ્યા મુજબ ૫ થશે:

૨+૪ (જન્મ તારીખ)=૬, ૧+૨ (ડીસેમ્બર મહિનો)=૩, ૧+૯+૮+૫ (જન્મ વર્ષ) =૨૩=૨+૩= ૫;

૬+૩+૫= ૧૪;

૧૪=૧+૪= ૫ ભાગ્યાંક

સૂક્ષ્મ ભાગ્યાંક (માનસિક પ્રતિબિંબ) એટલે કે ફક્ત જન્મતારીખનો મૂળાંક: ૨+૪ (જન્મતારીખ)= ૬ થશે.

ભારતીય અંકશાસ્ત્રમાં વિવિધ મૂળાંકને ગ્રહો નીચે મુજબ ફાળવવામાં આવ્યાં છે

૧: સૂર્ય, ૨: ચંદ્ર, ૩: ગુરુ, ૪: રાહુ, ૫: બુધ, ૬: શુક્ર, ૭: કેતુ, ૮: શનિ, ૯: મંગળ.

ઉપર મુજબ ભાગ્યાંક શોધ્યા પછી વાચકોએ નીચે આપેલ માહિતીમાં પોતાના ભાગ્યાંક મુજબ માહિતી જાણવી:

શુભ અંકો એટલે શુભ કાર્ય માટેની તારીખનો મૂળાંક (દા.ત.: શુભ અંક ૨= શુભ તારીખો: ૨, ૧૧, ૨૦),

નિષ્ફળ અંક એટલે કાર્યમાં વિપરીત ફળ આપનાર અંક. (દા.ત.: નિષ્ફળ અંક ૫= નિષ્ફળ તારીખો: ૫, ૧૪, ૨૩)

૧: મૂળાંક ૧ ધરાવતા જાતકો સૂર્યશાસિત છે, ઉમદા નેતૃત્વ, આત્મવિશ્વાસ, અનન્યતા, ઊર્જાવાન, મહત્વાકાંક્ષી, ઘણીવાર અહમ, ગુસ્સો અને ઉતાવળ જોવા મળે છે.

શુભ અને મહત્વના અંક: ૨,૩,૯; નિષ્ફળ અંક: ૪,૮.

૨: મૂળાંક ૨ ધરાવતા જાતકો ચંદ્રશાસિત છે, આંતરિક પ્રેરણાઓથી ભરપુર, લાગણીશીલ, મળતાવડાં, મદદરૂપ હોય છે, શરમાળ સ્વભાવ, બેદરકારી અને વધુ પડતી ભાવનાઓ તેમને તકલીફ આપી શકે.

શુભ અને મહત્વના અંક: ૧,૩,૯; નિષ્ફળ અંક: ૪, ૫.

૩: મૂળાંક ૩ ધરાવતા જાતકો ગુરુશાસિત છે, પ્રભાવપૂર્ણ વ્યક્તિત્વ, આકર્ષક વાણી, દૂરદ્રષ્ટિ, સકારાત્મક વિચારો; નકારાત્મક બાજુ જોઈએ તો ઘણીવાર વ્યવહારુ નથી થઇ શકતાં, કાર્ય અધૂરું મૂકે છે.

શુભ અને મહત્વના અંક: ૧,૨,૯ ; નિષ્ફળ અંક: ૫, ૬.

૪: મૂળાંક ૪ ધરાવતા જાતકો રાહુશાસિત છે, વ્યક્તિગત સ્વતંત્રતાના ચાહક હોય છે, પોતાની મરજી મુજબ જીવન જીવે છે અર્થાત ઈચ્છાઓને વધુ પડતું મહત્વ આપે છે. અન્ય લોકો આ જાતકોને જલદી સમજી શકતા નથી.

શુભ અને મહત્વના અંક: ૫, ૮, ૬; નિષ્ફળ અંક: ૧, ૨.

૫: મૂળાંક ૫ ધરાવતા જાતકો બુધશાસિત છે, સામાજિક સૂઝબૂઝ વિશેષ હોય છે, આનંદી સ્વભાવ, જિજ્ઞાસુ, કલાપ્રિય, આકલન શક્તિ સારી હોય છે, ઘણીવાર વધુ આગ્રહ કે આકલનને લીધે મતભેદ થાય.

શુભ અને મહત્વના અંક: ૪,૬,૧ ; નિષ્ફળ અંક: ૨, ૩.

૬: શુક્ર: મૂળાંક ૬ ધરાવતા જાતકો શુક્રશાસિત છે, પ્રેમાળ, જાણકાર, નરમ સ્વભાવ, અન્યને જલદી સમજી શકે. ઘરેણાં અને કપડાં વગેરેનો શોખ વિશેષ હોય છે. આ જાતકો વધુ પડતી બાબતો અંગત જ રાખે છે, જેને લીધે અન્ય સાથે મનદુઃખ થઇ શકે.

શુભ અને મહત્વના અંક: ૮,૪,૫; નિષ્ફળ અંક: ૧,૩.

૭: કેતુ: મૂળાંક ૭ ધરાવતા જાતકો કેતુશાસિત છે, ફિલસૂફ સ્વભાવ, દરેક ચીજમાં ઊંડું જ્ઞાન મેળવવાની ઈચ્છા ધરાવે છે, જ્ઞાની. સત્ય બોલે છે, પરંતુ અસ્થાને સત્ય બોલવાથી તેમના લીધે અન્યને દુઃખ પહોંચે છે.

શુભ અને મહત્વના અંક: ૬,૮ ; નિષ્ફળ અંક: ૧,૨,૯.

૮: શનિ: મૂળાંક ૮ ધરાવતા જાતકો શનિ શાષિત છે, મહેનતુ સ્વભાવ, કોઈપણ કાર્યમાં હુન્નર પ્રાપ્ત કરી શકે છે, અનુભવને વધુ મહત્વ આપે છે. સત્તા અને સમ્માનનો ખૂબ મોહ હોય છે, જેને લીધે ઘણીવાર સ્વાર્થી સ્વભાવ જોવા મળે છે.

શુભ અને મહત્વના અંક: ૪,૫,૬ ; નિષ્ફળ અંક: ૧,૨,૯.

૯: મંગળ: મૂળાંક ૯ ધરાવતા જાતકો મંગળશાસિત છે, કાર્યમાં પહેલ કરે છે, રમતગમતમાં વધુ રુચિ લે છે, સફળતા મેળવે છે. શારીરિક તાકાત અને સાહસથી ભરપુર હોય છે. ઉતાવળિયો સ્વભાવ અને ગુસ્સો અન્યને તકલીફ આપે છે.

શુભ અને મહત્વના અંક: ૧,૨,૩ ; નિષ્ફળ અંક: ૪, ૫.

મૂળાંક: ૪ અને ૮ માટે વિશેષ નોધ: અનુભવે જણાયું છે કે, જે જાતકોના જન્મ તારીખ મૂળાંક ૪ કે ૮ હોય છે, તેઓને જીવનમાં અવારનવાર તકલીફોનો સામનો કરવો પડે છે. તેનું કારણ ૪ અને ૮, બંને અશુભ ગ્રહોશાસિત અંક છે. જે જાતકોને ૪ કે ૮ અંક, મૂળાંક બન્યાં હોય તેમણે પોતાનાં નામ (Chaldean) મુજબ ભાગ્યાંક કે તારીખના બે અંક પરથી પ્રાપ્ત થતા (સૂક્ષ્મ ભાગ્યાંક) મૂળાંકને જ ભાગ્યાંક ગણવો. રોજિંદા વ્યવહારમાં પોતાના આ રીતે અન્ય મૂળાંકને ધ્યાનમાં લઈને, તથા તેની ઉપર વધુ પસંદગી કરીને રોજિંદો વ્યવહાર કરવાથી આ જાતકો ૪ અને ૮ અંકની અશુભ અસરોને ટાળી શકશે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS