Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગામી તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ બપોરે ૦૨:૦૫ (નિરયન), શનિનો ધન રાશિમાં પ્રવેશ થશે. શનિ ધનરાશિમાં ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ સુધી રહેશે. શનિના ધન રાશિમાં પ્રવેશ સાથે, તુલા રાશિના જાતકોને શનિની સાડાસાતી પૂર્ણ થાય છે. જયારે મકર રાશિના જાતકોને શનિની સાડાસાતીનો સમય શરુ થાય છે.

શનિના ધન રાશિમાં પ્રવેશ સાથે, વૃશ્ચિક, ધન અને મકર રાશિના જાતકોને શનિની સાડાસાતીનો સમય છે. વૃશ્ચિક રાશિના જાતકોને અંતિમ અઢી વર્ષ, ધન રાશિના જાતકોને આશરે પાંચ વર્ષ તથા મકર રાશિના જાતકોને સાડા સાત વર્ષનો ગાળો શનિની પનોતીનો કહી શકાય. વૃષભ અને કન્યા રાશિના જાતકોને અનુક્રમે અષ્ટમ અને ચતુર્થ સ્થાને શનિ રહેવાથી નાની પનોતીનો સમય કહી શકાય.

વૃશ્ચિક, ધન અને મકર રાશિના જાતકોને શનિની પનોતીનો સમય જીવનમાં બદલાવ અને પડકારોનો અનુભવ કરવાનાર હોય છે, આ સમય દરમિયાન જાતક કર્મ બાબતે વધુ પરિશ્રમ વેઠે છે, પનોતીના સમય દરમિયાન સત્યભાષણ કરવું અને લોભ વૃત્તિથી દૂર રહેવું જોઈએ. જે જાતકોને જન્મકુંડળીમાં ચંદ્ર અને શનિ એકસાથે હોય અને સાડાસાતીનો સમય હોય તેવા જાતકોએ પોતાના કાર્યોમાં તથા કાયદાકીય કાર્યમાં સ્પષ્ટતાથી આગળ વધવું. શનિગ્રહ જનિત તકલીફોમાં અજાણતાં થતી ભૂલથી દોષ આવી જવો, પ્રપંચનો ભોગ બની જવું, કુટિલતાનો સામનો કરવો પડે અને નાની ભૂલ વરવું સ્વરૂપ લઈ લે જેવી ઘટનાઓ કહી શકાય.

સાડાસાતીના તબક્કાઓઃ

શનિની સાડાસાતીનો પ્રથમ ભાગ, શનિ ૩ મહિના ૧૦ દિવસ મુખના ભાગે, ૧ વર્ષ ૧ મહિનો ૧૦ દિવસ જમણા હાથે, ૧૦ મહિના જમણા પગે રહે છે.

શનિની સાડાસાતીનો દ્વિતીય ભાગ ૧૦ મહિના ડાબા પગે, ૧ વર્ષ ૪ મહિના ૨૦ દિવસ હૃદયના ભાગે રહે છે, આ સમય ગાળો ખૂબ જ વિકટ હોય છે. જાતક કોઈ એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ખુબ તકલીફ અનુભવે છે.

શનિની સાડાસાતીનો તૃતીય ભાગ ૧ વર્ષ ૧ મહિનો ૧૦ દિવસ ડાબા હાથે, ૧૦ મહિના માથાના ભાગે ૩ મહિના ૧૦ દિવસ ડાબી આંખના ભાગે, ૩ મહિના ૧૦ દિવસ જમણી આંખના ભાગે તથા અંતિમ ૬ મહિના ૨૦ દિવસ ગુદાના ભાગે પનોતીનું ભ્રમણ થાય છે. (વક્રી ગતિના લીધે આશરે સમય માનવો)

શનિના ધન રાશિમાં પ્રવેશ સમયે ધન રાશિથી કેન્દ્રના ચાર ભાવો, શનિની સીધી અસર હેઠળ કહી શકાય, જ્યોતિષની ભાષામાં તેને ‘કંટક શનિ’ કહ્યો છે. જેમાં ધન રાશિ સહિત મીન, મિથુન, અને કન્યા રાશીને ‘કંટક શનિ’ થકી કાર્યમાં રુકાવટ અને કષ્ટનો સામનો કરવો પડી શકે. વાચકોએ નોધ લેવી કે પ્રચલિત મત મુજબ, કંટક શનિ જનિત તકલીફનું પ્રમાણ સાડાસાતીમાં થતી તકલીફથી ઓછું હોય છે.

 

શનિના ધન રાશિમાં પ્રવેશ સાથે બારેય રાશિઓ પર થતી અસર :

મેષ: મેષ રાશિના જાતકો માટે આ સમય પ્રગતિદાયક રહેશે, શનિનો ધન રાશિમાં પ્રવેશ થતાં સાથે નાની પનોતી પૂર્ણ થશે, વ્યવસાય અને નોકરીમાં સફળતા મળે. ઘર અને જમીન સંબંધી પ્રશ્ન ઉકેલાય. ધ્યાન રાખવા જેવી બાબતોમાં, લાંબા પ્રવાસ કે ધર્મ કાર્યમાં રુકાવટ આવી શકે, ભાઈબહેન સાથે સંબંધમાં ઉતારચઢાવ આવી શકે. આવક ધીમે પગલે વધતી જણાય.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને નાની પનોતીનો સમય છે, આ સમય દરમ્યાન સમજી વિચારીને નાણાકીય લેવડદેવડ કરવી, અન્યને આપેલાં નાણાં યોગ્ય સમયે પાછા ન મળે તેવું બની શકે. અષ્ટમ શનિ શારીરિક વ્યાધિ આપે છે, રોગ થાય તો જલદી મટે નહીં તેવું બને.

મિથુન: મિથુન રાશિના જાતકોએ નોકરીના સ્થળ પર વાદવિવાદથી દૂર રહેવું, ઘર બાબતે કોઈ તકલીફ હોય તો ઘરના સભ્યો એકસાથે બેસીને સમાધાન કરવું. લગ્ન બાબતે પ્રશ્ન હોય તો તેમાં ઉકેલ લાવવા  ઉતાવળ કરવી. ધાર્મિક કાર્ય કે સંકલ્પ બાકી હોય તો તેને પ્રાથમિકતા આપવી.

કર્ક: કર્ક રાશિના જાતકોને શનિ છઠ્ઠે હોઈ, શનિનો ધન રાશિ પ્રવેશ અનેક લાભ આપી શકે. નોકરીમાં બદલાવ કે પ્રગતિ થાય. નવી નોકરીની તક મળી શકે. શનિ ઉપચય ભાવમાં રહેવાથી, પરિશ્રમ અને નસીબ બન્નેનો સુમેળ થતો જણાય છે.

સિંહ: સિંહ રાશિના જાતકોએ ખાસ વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડી શકે. નોકરીમાં બઢતી થઇ શકે, જવાબદારી વધે, પરંતુ આવકમાં કોઈ ખાસ વધારો જણાય નહીં તેવું બને. સંતાન વિષયક બાબતોમાં ખર્ચ આવી શકે. સંતાનોના અભ્યાસ પાછળ આગોતરું નાણાકીય આયોજન કરવું જરુરી જણાય.

કન્યા: કન્યા રાશિના જાતકોને નાની પનોતી છે, આ સમય દરમિયાન માતાનું સ્વાસ્થ્ય નરમ રહી શકે. જમીન કે મકાનના મોટાસોદા કે લેવેચથી દૂર રહેવું હિતાવહ રહેશે, મકાન બાબતે ધાર્યા કરતાં વધુ ખર્ચ થઇ શકે. વાહન ખરીદી પોતાની જરૂરિયાત મુજબ સમજી વિચારીને જ કરવી.

તુલા: તુલા રાશિના જાતકોને સાડાસાતીનો સમય પૂર્ણ થાય છે. તુલા રાશિના જાતકોને ધન રાશિનો શનિ ઉત્તમ ફળદાયી રહેશે, અહી શનિ ઉપચય ભાવમાં રહી, જાતકોને વાણિજ્ય, લેખન, કાયદા અને કન્સલ્ટીંગ જેવા ક્ષેત્રોમાં પ્રગતિદાયક થશે. મકાન અને વાહનસુખ સારું રહેશે. લગ્ન બાબતે નિર્ણય સરળતાથી લઇ શકાશે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને સાડાસાતીનો અંતિમ તબક્કો છે, કૌટુંબિક ખર્ચ આવી શકે, વ્યવસાયમાં મૂડી રોકાણ કરેલ હોય તો તે જાળવી રાખવું, ખોટા ડર કે ઉતાવળને કારણે લેવેચમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું. શનિનો ધન પ્રવેશ આ રાશિના જાતકોને નાણાકીય બાબતોમાં સાવચેત રહેવા જણાવે છે.

ધન: ધન રાશિના જાતકોને શનિની પનોતીનો મધ્ય તબક્કો છે, આ તબક્કો અવિરત ચિંતા, કાર્યમાં રુકાવટ અને અન્ય સાથે તકરાર જેવી ઘટનાઓ આપી શકે. શાંત ચિત્તે પોતાના નિર્ણયો કરવા, જો તમે સારું કાર્ય કરી રહ્યાં હોવ તો તમારે ખોટો ડર રાખવો જોઈએ નહીં. સ્વપરિશ્રમ પર વધુ વિશ્વાસ રાખવો.

મકર: મકર રાશિના જાતકોને શનિની પનોતીનો પ્રથમ તબક્કો છે, કાર્યમાં સ્થગિતતા આવી જાય, નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે વધુ મહેનત કરવી પડે, આ સમય દરમિયાન પ્રયત્નના પ્રમાણમાં ઓછું પરિણામ મળે તેવું બને. અન્ય વ્યક્તિને લીધે તમારે તકલીફમાં મૂકાવું પડે તેવું બની શકે.

કુંભ: કુંભ રાશિના જાતકોને શનિ ઉપચય ભાવે રહે છે, આ સમય દરમિયાન નાણાકીય આવક વધે તેના પ્રયત્નોમાં સફળતા મળી શકે. સામાજિક કાર્ય થઇ શકે, સંતાન પક્ષે સુખ વધે. વ્યવસાયમાં મહેનત કરેલી લેખે લાગતી જણાય, નવા સંપર્કોથી લાભ થશે.

મીન: મીન રાશિના જાતકોને નોકરીમાં બદલાવ આવી શકે, ધીમે પગલે પણ મક્કમ ગતિથી પ્રગતિ થશે. વ્યવસાયમાં કાર્યપદ્ધતિ બદલવાથી લાભ થાય. પિતા પક્ષે મદદરૂપ થઇ શકો. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે પુરતું ધ્યાન આપશો. ભારે ઉદ્યોગ જેવા કે લોખંડ, ખનીજ અને બાંધકામ વગેરેમાં વિશેષ લાભ થાય.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS