Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

તમે કોઈ વ્યક્તિની જન્મકુંડળી જુઓ તો પ્રથમ નજર પડે તે ઉપરનો ત્રિકોણ એ પ્રથમ ભાવ હશે, જ્યાં લગ્ન લખેલું હશે. જાતકના જન્મ સમયે પૂર્વ દિશામાં ઉદિત રાશિના અંશને જન્મકુંડળીના પ્રથમ ભાવમાં મુકાય છે. આ ઉદિત રાશિ અને પહેલો ભાવ એ જાતકના જીવનમાં અનેકગણું મહત્વ ધરાવે છે.

પ્રથમ ભાવ વડે, જાતકનો સ્વભાવ, ગમો-અણગમો, આયુષ્ય, મુખ, દેખાવ, વ્યક્તિત્વ તથા દેહ વિષયક બાબતો જાણી શકાય છે. પ્રથમ ભાવ જાતકના જીવન પર સૌથી વધુ અસરકર્તા ગણાય છે. જાતક શું છે? જાતક કેવા વ્યક્તિત્વનો માલિક છે? વગેરે બાબતો પ્રથમ ભાવથી જોવાય છે.

જન્મકુંડળી મુજબ બનતા શુભ અને અશુભ ગ્રહોનો આધાર પણ પ્રથમ ભાવમાં રહેલ રાશિ પર છે. જો લગ્ન ભાવે ઉદિત રાશિનો માલિક સૂર્ય કે ચંદ્ર (સિંહ કે કર્ક) હોય તો તે કુંડળીમાં સૂર્ય અને ચંદ્રનો અધિશત્રુ ગ્રહ શનિ ખલ ગ્રહ બને છે. જો ઉદિત લગ્ન રાશિનો માલિક ગુરુ (ધન કે મીન) હોય તો તે કુંડળીમાં શુક્ર એ ખલ ગ્રહ બને છે. ગુરુના મિત્ર ગ્રહ સૂર્ય અને ચંદ્રને ધન કે મીન લગ્નમાં શુભ પરિણામ આપતા સમજવા. જો જન્મકુંડળીમાં ઉદિત લગ્ન બુધ શાસિત હોય, અર્થાત કન્યા કે મિથુન લગ્ન ઉદિત હોય તો, બુધનો શત્રુ ગ્રહ મંગળ આ કુંડળીમાં તકલીફ આપનાર ગ્રહ બને છે.

વાચકોને ઉપર જણાવેલ માહિતીથી એ વિદિત થશે કે પ્રથમ ભાવ પર જ કુંડળીનો આધાર રહેલો છે. જાતકના જીવનમાં કયા ગ્રહની દશા શુભ કે અશુભ થશે, તે તેની જન્મકુંડળીના ઉદિત લગ્ન પર જ આધાર રાખે છે. જન્મકુંડળીમાં પ્રથમ ભાવે રહેલો ગ્રહ, જાતકના જીવન પર અચૂક અસરકર્તા છે.

જાણીએ પ્રથમ ભાવે રહેલા ગ્રહનું શું વિશેષ ફળ છે:

સૂર્ય:

જાતક સ્વતંત્ર મિજાજી હોય છે, વાણી કઠોર અને ન્યાયસૂચક તો ક્યારેક આદેશના સ્વરૂપમાં હોય છે. જાતકે પોતાની તબિયત અને આંખોની વિશેષ કાળજી લેવી જોઈએ, પ્રથમ ભાવે સૂર્ય યોગે નાની ઉમરે રોગ વધુ હોય છે, મોટી ઉમરે આંખોની તકલીફ થઇ શકે. ક્રોધ ઉપર કાબૂ રાખવો જોઈએ. ખુલ્લા માથે ફરવાથી માથાના ભાગે પીડા જલદી થાય છે. રોગ થાય છે પરંતુ સૂર્ય સ્વાસ્થ્યનો કારક હોઈ જાતક લાંબુ આયુષ્ય પણ ભોગવે છે.

ચંદ્ર:

ચંદ્ર સ્વરાશિ કે ઉચ્ચનો હોય તો, જાતકની આંખો સુંદર હોય છે, લાંબુ આયુષ્ય મળે છે અને સ્ત્રી વર્ગથી લાભ થાય છે. ચંદ્ર પર જો શનિની દ્રષ્ટિ હોય, જાતકનો સ્વભાવ જીદ્દી થઇ શકે છે. ચંદ્ર જો ક્ષીણ હોય તો અર્થાત વદ આઠમથી સુદ આઠમ વચ્ચેની તિથિ હોય તો, પ્રથમ ભાવે રહેલ ચંદ્ર, જાતકને ઠંડા મિજાજનો બનાવે છે, આવા જાતક અન્યને પોતાના લાભની વાત કરી શકતા નથી. ચંદ્ર પહેલે હોવાથી સ્વાસ્થ્યમાં ઉતારચઢાવ રહે છે, જીવન દરમિયાન શરીર મેદસ્વી બને તો ક્યારેક કૃશ પણ થાય.

મંગળ:

જાતક યાત્રાનો શોખીન હોય છે, સાહસવૃત્તિ સહજ હોય છે, નીડર હોય છે. પ્રથમ ભાવે મંગળ એ દોષયુક્ત હોય તો અર્થાત શનિ અને બુધ સાથે સંબંધમાં હોય તો, જાતકને ધન ગુમાવવાના યોગ આપે છે. મંગળ પ્રથમ ભાવે હોતા જાતકે, મુખના ભાગે ઈજા થાય તેની સંભાવના વધુ રહે છે. અનુભવે જાણ્યું છે કે, પ્રથમ ભાવે મંગળ જાતકને મુખના ભાગે ઈજાનો ડાઘ આપે જ છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે શરીર સ્ફૂર્તિવાન હોય છે, રમતગમતનો શોખ હોય છે, પરંતુ ઈજાઓ ખૂબ થાય છે.

બુધ:

મોટેભાગે બુધના આ સ્થાનના બધા જ્યોતિષ આચાર્યોએ વખાણ કર્યા છે, છતાં અનુભવે જાણ્યું છે કે બુધ પ્રથમ ભાવે હોય છે ત્યારે કાળપુરુષની પ્રથમ રાશિ મેષ રાશિમાં હોય છે, જે શત્રુ રાશિ થઇ. પ્રથમ ભાવે રહેલો બુધ થોડો દોષયુક્ત ગણી શકાય છતાં, આ બુધ જાતકને વિદ્વાન વ્યક્તિ બનાવે છે. બુદ્ધિમત્તા ઉંચી હોય છે, બોલવાની કળા ઉત્તમ હોય છે, જાતક સ્પષ્ટવક્તા હોય છે, મોટી ઉમરે ખૂબ નામના મેળવે છે. સ્વાસ્થ્ય સુખ ઉત્તમ, જાતકની ઉમર હોય તેનાથી ઓછી દેખાય છે.

ગુરુ:

ઉત્તમ વ્યક્તિત્વ અને જ્ઞાનયુક્ત ગંભીરતા જોવા મળે છે, અન્યને મદદરૂપ થવાની વૃત્તિ હોય છે તથા ઉત્તમ માર્ગદર્શક હોય છે. શાંત અને સૌમ્ય વ્યક્તિત્વ હોય છે. આયુષ્ય લાંબુ હોય છે, ગુરુ સાથે સૂર્ય કે ચંદ્ર હોય તો ઉચ્ચ પદ અવશ્ય મળે છે. ગુરુ જો નિર્બળ કે નીચસ્થ હોય તો સ્વાભિમાનની જગ્યા એ ખોટું અભિમાન ધરાવતું વ્યક્તિત્વ હોય છે. છતાં ગુરુ કુંડળીમાં અનેક દોષ દૂર કરી, શુભત્વ ઉમેરે છે. સ્વાસ્થ્ય સુખ સારું હોય છે, પરંતુ સ્ફૂર્તિનો અભાવ રહે છે.

શુક્ર:

ઉત્તમ વાણી અને સુંદર મુખ, સુંદર અને તીક્ષ્ણ નયનો તથા અન્યને મોહી લે તેવું વ્યક્તિત્વ આપે છે. પ્રથમ ભાવે શુક્ર હોય તો જાતકને લક્ષ્મી પ્રાપ્તિ સરળતાથી થાય છે. પરિવારનું સુખ ઉત્તમ હોય છે, વાહન અને મકાનનું સુખ જલદી મળે છે. મોટી ઉમરે જાતક સાહિત્ય અને સંગીતમાં રુચિ લે છે. શુક્ર જો નિર્બળ હોય તો લગ્નમાં વિલંબ અને ઘણીવાર ગમતું પાત્ર ના મળે તેવું બને છે. શરીર સુંદર હોય છે, પરંતુ ભોગવૃત્તિ વધુ હોવાથી મોટી ઉમરે શરીર સ્થૂળ બને છે.

શનિ:

જાતકનો સ્વભાવ ધીમો છતાં પ્રખર અનુભવે ઉત્તમ બુદ્ધિયુક્ત હોય છે. શનિ શુભ બનતાં અર્થાત તુલા રાશિમાં કે સ્વગૃહી મકર કે કુંભ રાશિમાં હોય તો જાતક ઉચ્ચપદ પામે છે. ઉલ્લેખનીય છે કે અહીં શનિ મહારાજ સરકારી નોકરી અને પદના યોગ આપે છે જ. શનિ નિર્બળ કે શત્રુયુક્ત (સૂર્ય કે ચંદ્ર સાથે) , પ્રથમ ભાવે હોતાં, જાતકમાં સ્વાર્થવૃત્તિ વધુ હોય છે, જાતકે અનેક પ્રકારે કર્મજનિત પીડા ભોગવવી પડે છે. વધુ મહેનત અને ઓછી આવક થાય છે. સ્વાસ્થ્ય સુખ મધ્યમ હોય છે, હઠીલા રોગ થઇ શકે, અનુભવે જાણ્યું છે કે મોટી ઉમરે પગના ભાગે પીડા જોવા મળે છે.

રાહુ:

પ્રથમ ભાવે રાહુ એકલો હોય તો ઉચ્ચ પદના યોગ કરે છે, વિદેશ ગમન થાય છે. ઘણીવાર જોવા મળે છે કે જાતક પાસે એકાએક અનેકગણું ધન આવી જાય છે. આંખોનું જતન કરવું જોઈએ, કુટુંબીજનો સાથે મનમેળ વધારવો જોઈએ. જાતક પોતાના વ્યક્તિત્વને અનુરૂપ વાતો કરતો નથી, હંમેશા મોટું વિચારે છે. વ્યસનથી દૂર રહેવું જોઈએ, વ્યસનને લીધે સ્વાસ્થ્ય બગડે છે. જાતકે પોતાની તબિયત સાચવવી જોઈએ, કાર્યોમાં નિયમિત રહેવું જોઈએ, પોતાનું વ્યક્તિત્વ સુધારી વધુ શ્રેષ્ઠ બનવું જરૂરી છે.

કેતુ:

જાતક પોતે પોતાનામાં જ વ્યસ્ત રહે છે, ચિંતાયુક્ત સ્વભાવ હોય છે, લાંબા સંશોધન અને એક જ વિષયની પાછળ સમય આપે છે. ઘણીવાર જોવા મળે છે કે જાતક સંસારથી વિમુખ રહે છે, ધર્મ અને ધ્યાનમાં રુચિ વધુ હોય છે. અન્યની સાથે જલદી મેળ થતો નથી. કેતુ પ્રથમ ભાવે ધર્મ અને ત્યાગ જેવા વિષયો બાબતે સુંદર સમજ આપે છે. પરંતુ જાતકે અન્ય કુટુંબીજનો અને સંસારિક ગતિવિધિઓમાં પણ રસ લેવો જોઈએ. જાતક શરીરને અવગણી આત્મા તરફ લક્ષ્ય રાખે છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS