Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

છાયાગ્રહ રાહુ કર્ક રાશિમાં તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ પ્રવેશ કરશે અને તેની બરાબર સામે છેડે રહેલ છાયાગ્રહ કેતુગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે. રાહુ કર્ક રાશિમાં ૦૭ માર્ચ ૨૦૧૯ સુધી રહેશે, રાહુ એક રાશિમાં આશરે દોઢ વર્ષ સુધી રહે છે. નાડી શાસ્ત્રો અને વૈદિક જ્યોતિષ પ્રમાણે રાહુ ગ્રહનું ગોચર લાંબા ગાળાની અસરો કરનારું હોય છે, મૂળભૂત રીતે રાહુએ પૂર્વસંચિત કર્મને ઉજાગર કરતો ગ્રહ છે, રાહુનું ગોચર ભ્રમણ જાતકના કાર્યક્ષેત્ર અને માનસિક અભિગમમાં લાંબાગાળાનો બદલાવ લાવનારું હોય છે.

રાહુના રાશિ પરિવર્તનને ધ્યાનમાં લઈને બારેય રાશિઓ પર રાહુનું રાશિ પરિવર્તન શું અસર કરશે તેનો ફળાદેશ નીચે આપેલ છે:

મેષ:

મેષ રાશિના જાતકોને રાહુ ચતુર્થ ભાવે પ્રવેશ કરશે, રાહુ ચતુર્થ ભાવે સંપૂર્ણ શુભ નથી. મેષ રાશિના જાતકોને રાહુ ઘર અને કૌટુંબિક બાબતોમાં મતભેદ સૂચવે છે. તમારે કૌટુંબિક બાબતોમાં એક ડગલું આગળ વધીને આયોજન કરવું પડે, ઘર ખર્ચ વધી શકે. તમે વાહન કે મકાન લેવાનું વિચારતા હોવ તો તેમાં ધીરજપૂર્વક નિર્ણય લેવો જોઈએ. ઘરના અન્ય વ્યક્તિના નામે વાહન લેવાનું આયોજન કરવું સલાહભર્યું રહેશે. માતૃપક્ષે વધુ કાળજી લેવી પડે. જમીન કે મકાનમાં રોકાણ કરતાં પહેલાં જાણકાર માણસની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

વૃષભ:

વૃષભ રાશિના જાતકોને રાહુ પરાક્રમ ભાવે આવશે, પરાક્રમ યાને ત્રીજો ભાવ ઉપચય ભાવ હોઈ આ સ્થાને રાહુ શુભ છે. જીવનમાં ધન અને વૈભવમાં વધારો થાય, વ્યવસાયમાં તમારા પ્રયત્નો ફળે. ત્રીજા ભાવે રાહુ આવતાં જાતક વ્યક્તિગત કાર્યમાં કે વ્યક્તિગત સાહસમાં સફળ બને છે. ભાઈબહેનને તમે મદદરૂપ થઇ શકો. ઘરના સભ્યોની તકલીફ દૂર થાય. ટૂંકાગાળાની યાત્રા કે પ્રવાસનું આયોજન થઇ શકે. પોતાના કૌશલ્ય અને આવડતમાં વધારો કરવા માટે ઉત્તમ અને સાનુકુળ સંજોગો રહેશે.

મિથુન:

દ્વિતીય ભાવે ભ્રમણ કરતા રાહુનું રાશિ પરિવર્તન, મિથુન રાશિના જાતકોને આર્થિક અને કૌટુંબિક સ્તરે બદલાવ લાવનારું સાબિત થશે. તમે ધનસંચયમાં મુશ્કેલી અનુભવો તેવું બની શકે, આ સમય દરમિયાન તમારે પોતાની આવકને યોગ્ય જગ્યાએ જ રોકાણમાં લગાવવી જોઈએ. રાહુ ધન ભાવે હોઈ તમે ઘરના સભ્યો પાછળ વધુ ખર્ચ કરો તેવું બને. આંખ કે મુખના ભાગે તકલીફ કે રોગ હોય તો તેમાં વધારો થઇ શકે. જીવનસાથીની તબિયત જો નબળી હોય તો તેમાં વધુ કાળજી લેવી પડી શકે.

કર્ક:

કર્ક રાશિ ચંદ્રદેવ શાસિત રાશિ છે, રાહુ એ દાનવ ગ્રહ હોઈ એ ચંદ્રનો શત્રુ ગ્રહ છે. કર્ક રાશિમાં રાહુ આવવાથી કર્ક રાશિના જાતકને પોતાના કાર્યોમાં શારીરિક સમસ્યાઓથી તકલીફ તથા પોતાના વ્યક્તિત્વને રજૂ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતે જે કાર્ય કરવા માંગે છે તેને યોજનાબદ્ધ અને શિસ્તપૂર્ણ રીતે પોતાની જીવનશૈલીમાં ઉતારવું પડશે. તમે અન્યના દોરવાયા કોઈ ખોટો નિર્ણય ના લો તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહ:

સિંહ રાશિના જાતકોને રાહુ વ્યય ભાવે આવશે, રાહુ બારમાં ભાવે આવતાં જે જાતકો વિદેશગમન માટે પ્રયત્ન કરી રહ્યાં છે તેમને સફળતા મળી શકે. બારમાં ભાવે રાહુ તમને વ્યવસાયમાં તદ્દન નવા લોકો સાથે મુલાકાત આપશે. તમે પોતાના વ્યવસાયમાં તદ્દન નવી જ કાર્ય પ્રણાલી અપનાવવા માટે તૈયાર થાઓ તેવું બની શકે. નોકરિયાત વર્ગને નોકરીમાં બદલાવ આવી શકે. નવી નોકરી માટે તમે વધુ પ્રયત્નશીલ બનો અને સફળતા પામો. પરંતુ આ સમય દરમિયાન તમારે નાણાકીય બાબતોમાં વધુ કરકસર રાખવી પડશે.

કન્યા:

કન્યા રાશિના જાતકોને રાહુ લાભ ભાવે આવશે, આ લાભ સ્થાન એ ઉપચય સ્થાન હોઈ અહી રાહુનું ફળ શુભ છે. આર્થિક આવકના નવા સ્રોત મળતા આર્થિક ઉન્નતિ થાય, વ્યવસાયમાં આવક વધે, વ્યવસાયનું વિસ્તરણ થાય, તમે પોતાની યોજનાઓમાં કુદરતી સહાય અનુભવો. નોકરિયાત વર્ગને નોકરીમાં બઢતી મળે. સામાજિક કાર્યોમાં સફળતા મળે. મિત્રોમાં તમારી નામના થઇ શકે અને તમે મિત્રોને મદદરૂપ પણ થઇ શકો.

તુલા:

તુલા રાશિના જાતકોને રાહુ દસમ ભાવે આવશે. જ્યોતિષમાં એક ઉક્તિ પ્રચલિત છે કે ‘રાહુ જિસકા દસમે દુનિયા ઉસકે બસમે.’ દસમો ભાવ ઉપચય ભાવ હોઈ, તુલા રાશિના જાતકો માટે રાહુનો કર્ક પ્રવેશ સફળતાના નવા દ્વાર ખોલનાર સાબિત થશે. નોકરી અને વ્યવસાયમાં બઢતી થાય. નવા કાર્યોમાં સફળતા હાથ લાગે. સામાજિક જીવન અને કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. આ સમય દરમિયાન તમારા કાર્યક્ષેત્રને લગતી મહત્વની સકારાત્મક ઘટના ઘટી શકે.

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના જાતકોને રાહુ નવમ ભાવે આવશે. નવમ ભાવે આવતો રાહુ, તમને વિદેશથી સફળતાના યોગ કરે છે. આ સમય દરમિયાન તમે દૂરના સ્થળોએ મુલાકાત લો તેવું બને. વ્યવસાયમાં તમે શરૂઆતમાં તકલીફ અનુભવો પરંતુ સમય જતાં તમે પોતાના આત્મવિશ્વાસમાં વધારો અનુભવશો. પિતા પક્ષે તકલીફ જણાય. ધાર્મિક બાબતો અને ઉચ્ચ અભ્યાસ સાથે સંકળાયેલા વિષયોમાં તમારે વધુ ધ્યાન આપવું જરૂરી જણાશે. ધાર્મિક કાર્ય કે સંકલ્પ હોય તો તે સત્વરે પૂર્ણ કરવો જોઈએ.

ધન:

ધન રાશિના જાતકોને રાહુ અષ્ટમ ભાવે આવશે. અષ્ટમ ભાવ એ અજાણ્યા જગતનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમય દરમિયાન તમે જીવનમાં આર્થિક બાબતને લઈને વધુ સક્રિય રહેશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને તે માટે તમારે વધુ પ્રયત્નો કરવા જરૂરી રહેશે. વડીલ વર્ગે તેમના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી જોઈએ. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં રુચિ ઘટે, વધુ એકાગ્રતાની જરુર જણાશે. રાહુનું અષ્ટમ ભાવે ભ્રમણ પડકારરૂપ અને અજાણ્યા સાહસથી દૂર રહેવા કહે છે.

મકર:

મકર રાશિના જાતકોને રાહુ સપ્તમ ભાવે આવશે. નોકરી અને લગ્નવિષયક બાબતો આ સમય દરમિયાન તમારા માટે મહત્વની બની રહેશે. જે જાતકો લગ્ન બાબતે નિર્ણય લેવા માગે છે તેમને આ સમય દરમિયાન નિર્ણય લેવામાં વિલંબનો સામનો કરવો પડી શકે. નોકરી અને વ્યવસાયમાં રુકાવટ અને પરેશાની થઇ શકે. મકર રાશિના જાતકોએ પોતાના જીવનસાથી પક્ષે વિશેષ ધ્યાન આપવું જરુરી જણાશે.

કુંભ:

કુંભ રાશિના જાતકોને રાહુ છઠ્ઠા ભાવે આવશે, રાહુ અહીં પ્રગતિદાયક છે. છઠા ભાવે ભ્રમણ કરતો રાહુ શત્રુનાશ અને કાયદાકીય બાબતોમાં વિજયનો સંકેત કરે છે. કુંભ રાશિના જાતકો વ્યવસાયમાં પોતાના હરીફોને હંફાવી શકશે. ઘર અને કુટુંબમાં નાણાકીય તકલીફ દૂર થતી જણાય. માતૃપક્ષે લાભ થઇ શકે. છઠે ભ્રમણ કરતો રાહુ શુભ છે, છતાં કુંભ રાશિના જાતકોએ નોકરીમાં વધુ ધ્યાન આપવું પણ એટલું જ મહત્વનું રહેશે.

મીન:

દ્વિસ્વભાવ અને જળતત્વની રાશિ મીન માટે રાહુ પંચમ ભાવે આવશે, રાહુનું પંચમ સ્થાનગત ભ્રમણ આર્થિક રોકાણ અને સંતાનસંબંધી બાબતો માટે વધુ મહત્વનું બની રહેશે. સંતાનસંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે. પંચમ સ્થાન એ શેર અને સટ્ટાકીય બાબતો સાથે સંકળાયેલું છે, રાહુ અહી આવતાં તમે સરળતાથી ઉપ્લબ્ધ નાણાકીય સ્રોત તરફ વધુ પસંદગી રાખો તેવું બને, પરંતુ તમારે આર્થિક રોકાણ બાબતે સંયમથી જ નિર્ણય લેવો હિતાવહ રહેશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS