Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નોટબંધી વખતે બેંકોએ ગોટાળા કર્યાં તેમાં સીબીઆઈ તપાસ ચાલી રહી છે. આ તપાસમાં નવાઇ લાગે પણ જાણીતી બેંકો ફસાઈ ગઈ છે. માર્ચ મહિનામાં બેંકોના એટીએમમાં ‘નો કેશ’ના પાટીયાં હતાં. જો કે હજી પણ કેટલીય બેંકોના એટીએમ ખાલી પડ્યાં છે. આમ પબ્લિક ડેબિટ કાર્ડ લઈને આમથી તેમ ફરી રહી છે. પણ રોકડ ન મળે તેવી સ્થિતિથી ખાતેદારનો વિશ્વાસ ભંગ થયો છે. જાહેર જનતાના નાણાનું યોગ્ય સંચાલન કરતી બેંકો પોતાની જવાબદારી નિભાવવામાં ઉણી ઉતરી છે, તે સ્પષ્ટ થઈ રહ્યું છે.

તાજેતરમાં સમાચાર આવ્યાં છે કે વીતેલાં નાણાકીય વર્ષમાં બેંક ક્રેડિટ ગ્રોથ પાછલા 60 વર્ષોમાં સૌથી નીચાસ્તરે પહોંચી ગયો છે. વર્ષ 2016-17માં ક્રેડિટ ગ્રોથ 5.1 ટકા રહ્યો છે. આ પહેલા વર્ષ 1953-54માં ક્રેડિટ ગ્રોથ 1.7 ટકા સુધી ઘટ્યો હતો. આરબીઆઈના સત્તાવાર આંકડા મુજબ 31 માર્ચ, 2017 સુધી બેંકોની ઉધારી 78.82 લાખ કરોડ પહોંચી ગઈ છે. આ ક્રેડિટ ગ્રોથ ખરેખર બેંકો માટે ચિંતાનો વિષય છે. ચારે બાજુ અચ્છે દિન… ન્યૂ ઈન્ડિયા…. ઈકોનોમીમાં સુધારો… નવું વિદેશી રોકાણ આવી રહ્યું છે… જીડીપી ગ્રોથ ડબલ ડિજિટમાં આવી જશે… એવા સ્વપનમાં સરકાર રાચી રહી છે… જીએસટીનો અમલ પહેલી જુલાઈથી થશે પછી દેશનો વિકાસ થશે… આવા બધા સ્વપ્ન કેન્દ્ર સરકાર સેવી જનતાને દેખાડી રહી છે.

બેંકોનું એનપીએ 6.8 લાખ કરોડ રૂપિયા છે, જેમાંથી 70 ટકા મોટા ઉદ્યોગગૃહોનું છે. એપ્રિલથી ડિસેમ્બર 2016-17ના ગાળામાં જાહેર ક્ષેત્રની બેંકોના ફસાયેલાં નાણાં એક લાખ કરોડ વધ્યાં છે. 2015-15માં બેંકોનું એનપીએ 5,02,068 કરોડ હતું.
કેન્દ્ર સરકાર, નાણાં મંત્રાલય અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સંયુક્ત રીતે એક રોડમેપ બનાવી રહ્યાં છે. બેંકના મોટા ડિફોલ્ટરો પર તવાઈ આવશે, અને સરકાર તે અંગે રણનીતિ બનાવી રહી છે.

પણ હકીકતે જોવા જઈએ તો દેશની બેંકોની હાલત સારી નથી. એનપીએમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર અને આરબીઆઈ એનપીએ ઘટાડવા માટે પગલાં લઈ રહી છે. પણ કોણ જાણે દર ત્રીજા મહિને કવાર્ટરલી પરિણામ જાહેર થાય ત્યારે બેંકોની એનપીએમાં વધારો થતો જોવા મળે છે. બેંકો પર બેડ લોનનો બોજ તો છે જ, અને બીજી તરફ કોર્પોરેટ ઈન્વેસ્ટમેન્ટ અટકી ગયું છે. નિષ્ણાતો એમ કહી રહ્યાં છે કે નોટબંધીને કારણે ક્રેડિટ ગ્રોથ પર અસર પડી છે. ઓકટોબરથી ડિસેમ્બર 2016ની વચ્ચે બેંક ક્રેડિટ ગ્રોથ 2.3 ટકા રહ્યો હતો. જ્યારે આ સમયમાં તેના પહેલાંના વર્ષમાં 2.7 ટકા હતો.

બેંકોની હાલત સારી નથી તે આપણે જોયું, પણ બેડ લોનની સાથે આરબીઆઈને બીજી ચિંતા સતાવે છે કે બેંકો પાસે વધારાની રોકડ પડી છે. બેંકોને એકતરફ ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને બીજી બાજુ તેમની પાસે જમા રકમ સતત વધતી જઈ રહી છે. આ નાણાકીય વર્ષમાં બેંકોમાં ડિપોઝિટમાં 11.8 ટકાનો વધારો થયો છે. અને હવે બેંકો પાસે અંદાજે 108 લાખ કરોડ રૂપિયા જમા છે. ઉધાર આપવાના દરમાં ઘટાડો, બેડ લોનમાં વધારો ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો, એનપીએનો ઊંચો દર આ તમામ બાબતોથી બેંકો પરેશાન છે કે કેવી રીતે બધું બેલેન્સ કરીશું.

એનપીએ અને બેડ લોન બાબતે સરકાર ઝડપથી પગલાં ભરે, નહીં તો ઘોડો નાસી છૂટ્યાં પછી તબેલાને તાળું મારવા જેવો ઘાટ સર્જાશે. બેંકોએ હવે જંગી રકમની નવી લોન આપતાં પહેલા સો ગરણે પાણી ગાળીને પીવું જોઈએ. નહીં તો નવી બેડ લોન ઉભી થશે. વિજય માલ્યા જેવા મોટી લોન લઈને દેશ છોડીને જતાં રહે તો પણ તંત્ર સુષુપ્ત અવસ્થામાં રહ્યું હતું. આવું ન થાય તે માટે બેંકોએ સજાગ રહેવાની જરૂર છે.

બેંકો પર ધ્યાન રાખતી અને નિયંત્રણ રાખતી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ કઠેડામાં આવી ગઈ છે. તેણે શું ધ્યાન રાખ્યું તેવો પ્રશ્ન કેમ નથી પૂછાતો. ખરેખર તો બેંકોની એનપીએ વધે તો આરબીઆઈએ તરત જ બ્રેક મારવી જોઈએ. તમામ બેંકોના ડેટા આરબીઆઈ પાસે આવે જ છે. તો કેમ આરબીઆઈ તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી. મોડે મોડે પણ સરકાર જાગીને પગલાં ભરશે તો બેંકોએ ગુમાવેલા અને ખાતેદારોના પસીનાના પૈસા પાછાં આવશે. નહીં તો બેંકોએ આ રકમને માંડવાળ કરવી પડશે. બેંકો નાના ખાતેદારો પાસેથી વિવિધ ચાર્જિસ લાદીને એનપીએની કસર કાઢી રહી છે. આવા પણ આક્ષેપો સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS