Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વિશ્વમાં સોનાની ડિમાન્ડ ઘટી છે, પણ ભારતમાં સોનાની ડિમાન્ડ વધી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષ 2017ના એપ્રિલથી જૂન મહિનામાં સોનાની ડિમાન્ડ વીતેલા વર્ષની સરખામણીએ 10 ટકા ઓછી રહી છે. વર્ષ 2016ના એપ્રિલ-જૂનમાં સોનાની કુલ ડિમાન્ડ 1,055.60 ટન રહી હતી. બીજી તરફ ભારતમાં સોનાની ડિમાન્ડ 37 ટકા વધીને આવી છે. ભારતમાં કુલ સોનાની ડિમાન્ડ 167.40 ટન રહી છે. વીતેલા વર્ષે એપ્રિલથી જૂનમાં ભારતમાં સોનાની ડિમાન્ડ 122.10 ટન રહી હતી. તેમજ ભારતમાં ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ 41 ટકા વધી 126.70 ટન નોંધાઈ છે.

  • ચાલુ વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં ભારતમાં સોનાના દાગીનાની ડિમાન્ડ 41 ટકા વધી 126.70 ટન રહી, જે વીતેલા વર્ષે80 ટન હતી
  • 2016ના વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં એક્સાઈઝ ડયૂટીનો વિરોધ હતો. જેથી ગોલ્ડ ડિમાન્ડ પર ગંભીર અસર પડી હતી
  • 2017ના બીજા કવાર્ટરમાં વેલ્યુ ટર્મમાં દાગીનાની ડિમાન્ડ 36 ટકા વધી રૂ.33,000 કરોડ થઈ
  • 2016ના બીજા કવાર્ટરમાં વેલ્યુ ટર્મમાં દાગીનાની ડિમાન્ડ રૂ.24,350 કરોડ થઈ હતી
  • ભારતમાં કુલ ઈન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ 26 ટકા વધી 40.7 ટન નોંધાઈ છે, જે 2016માં 32.3 ટન હતી

વિશ્વમાં ચીન પછી ભારત સોનાની સૌથી મોટી ઘરાકી ધરાવતો દેશ છે. ભારતમાં સોનાની ડિમાન્ડ સતત વધતી રહી છે, ભાવ આસમાને હોવા છતાં ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ જરાય ઓછો થયો નથી. હા… ટૂંકાગાળા માટે સીઝન વગર સોનાની ડિમાન્ડ ઘટી હોય તેવું બને, પણ લાંબાગાળે જોવા જઈએ તો સોનાની આયાત અને તેની સાથે ડિમાન્ડ વધતી જ રહી છે. આપણે ઉપર જોયું કે વિશ્વમાં સોનાની ડિમાન્ડ 10 ટકા ઘટી છે, પણ ભારતમાં 37 ટકા ડિમાન્ડ વધી છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. સોનાના ભાવ ઉતરોત્તર વધતાં જ રહેવાના છે. અત્યાર સુધીનો ઈતિહાસ કહે છે કે લાંબાગાળાના રોકાણ તરીકે સોનું શ્રેષ્ઠ અને સલામત રોકાણના વિકલ્પ તરીકે ઉભરીને આવ્યું છે. ઑનલાઈન સ્ટોક માર્કેટના પ્લેટફોર્મ પર ગોલ્ડ ઈટીએફ આવ્યા તેમાં તો રોકાણકારો રોકાણ કરે જ છે, પણ સાથે સાથે ફિઝિકલી પણ એટલું જ આકર્ષણ જળવાઈ રહ્યું છે. નહી તો પહેલા ડર હતો કે ગોલ્ડ ઈટીએફ આવશે પછી ગોલ્ડની ફિઝિકલી રીતે ડિલિવરી લઈને રોકાણ કરનારાની સંખ્યા ઘટશે. પણ ઉલટુ થયું છે. સોનાની ડિલિવરી લઈને ઘરમાં મુકી રાખવાનું આકર્ષણ અંકબંધ રહ્યું છે.

કોમેક્સમાં ગોલ્ડનો ભાવ 5 ઓગસ્ટ, 2017ના રોજ 1258 ડૉલર અને સિલ્વરનો ભાવ 16.32 ડૉલર હતો. જ્યારે અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનાનો દસ ગ્રામનો ભાવ રૂ.29,600, હૉલમાર્ક દાગીના રૂ.29,450 તેમજ ચાંદી ચોરસાનો એક કિલોનો ભાવ રૂ.38,800 બોલાતો હતો.

જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ શાંતિભાઈ પટેલે chitralekha.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એપ્રિલથી જૂનના સમયગાળામાં સોનાની ડિમાન્ડ વધવાના બે કારણ હતા. એક તો સોના પર 3 ટકા જીએસટી આવ્યો, જીએસટી અમલી બને તે પહેલા જોરદાર ખરીદી આવી હતી. બધાને એવો ડર હતો કે સોના પર જીએસટી વધુ લાગશે, જે ધારણાથી અગાઉથી જ સોનામાં ભારે ખરીદી જોવાઈ હતી. બીજુ દેશમાં સ્થિર સરકાર છે, આર્થિક સુધારા થઈ રહ્યા છે, જેને કારણે દેશનો જીડીપી ગ્રોથ વધીને આવી રહ્યો છે. જેને પરિણામે સોનામાં ખરીદી કરનારાની સંખ્યા વધી છે. આ બે કારણોથી સોનામાં ડિમાન્ડ વધારે રહી છે.

વધુમાં શાંતિભાઈએ કહ્યું હતું કે પગારપંચ અમલી બન્યા પછી સેલરી પીપલની આવક વધી છે. જે વધારાની આવકનું રોકાણ સોનામાં આવ્યું હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે. નોટબંધી પછી જે સ્લેકનેસ આવી હતી, તે ઝડપથી દૂર થઈ ગઈ છે. અને માર્કેટ થાળે પડી ગયું છે. ચોમાસું સારુ જઈ રહ્યું છે. લગ્નગાળો સારો છે. આથી આગામી દિવસોમાં પણ સોનાની ડિમાન્ડ જળવાઈ રહેશે. હમણાં મુંબઈમાં યોજાયેલ પ્રદર્શનમાં પણ જ્વેલરીના ઓર્ડર સારા એવા મળ્યા છે. જીએસટી પહેલા સોના પર 1 ટકો વેટ અને 1 ટકો એક્સાઈઝ હતી. હવે સોના પર 3 ટકા જીએસટી આવ્યો છે. વધુ બોજો નથી, જેથી પણ બજારે રાહત અનુભવી છે અને આથી સોનાચાંદી બજારમાં ફરીથી નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.

જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના સેક્રેટરી જીગર સોનીએ chitralekha.com ને જણાવ્યું હતું કે એપ્રિલથી જૂનમાં સોનાની ડિમાન્ડ ખુબ વધીને આવી છે, તેની પાછળનું એક કારણ એ છે કે પહેલી જુલાઈથી જીએસટી લાગુ થવાનો હતો, તે અગાઉ જીએસટી બચાવવા માટે રોકાણકારો અને જરૂરિયાતવાળાઓએ મોટાપાયે ખરીદી કરી હતી. અને ઓર્ડર બુક કરાવી દીધા હતા. જેમના ઘરમાં લગ્ન છ મહિના પછી આવવાના હતા, તેવા લોકોએ પણ સોનાની 24 કેરેટની લગડી અથવા દાગીનાની ડિઝાઈન પસંદ કરીને ઘરમાં મુકી દીધા છે. બીજુ વિશ્વમાં જે રીતનો હાલ માહોલ છે તે જોતા સોનું એ સલામત રોકાણ તરીકે લોકોની પંસદગી રહી છે, અને ભવિષ્યમાં પણ રહેશે જ. આગામી દિવસોમાં સોનાનો ભાવ રૂ.29,500થી 30,500ની રેન્જમાં રહેશે. હાલ રક્ષાબંધનની સારી ઘરાકી જોવાઈ રહી છે, અને તે પછી સાતમ-આઠમ-જન્માષ્ટમીના તહેવારો, તે પછી નવરાત્રી, દિવાળી આવશે, આથી હવે પછીના દિવસો સારી ઘરાકીના હું જોઈ રહ્યો છું. આ સંજોગોમાં સોનાના ભાવ વધુ ઘટે તેમ નથી દેખાતું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS