વડોદરાઃ કોર્પોરેટર હસમુખ પટેલને ઝાડ સાથે બાંધી માર મરાયો

0
2596

વડોદરા- શહેરના બાપોદ વિસ્તારના કોર્પોરેટર હસમુખ પટેલ આજે ટોળાંના ભારે રોષનો ભોગ બન્યાં હતાં. દબાણ કરીને બનાવાયેલાં આવાસ તોડી પડાતાં સ્થાનિકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો.લોકોએ હસમુખ પટેલને ઝડપી લઇ ઝાડ સાથે રસ્સીથી બાંધી દીધાં હતાં અને માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ બનાવાયો હતો જે ઝડપથી ફેલાઇ ગયો હતો. પોલિસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હસમુખ પટેલને મુક્ત કરાવ્યાં હતાં.

બાપોદના દબાણ તોડી પડાયેલાં લોકોમાં મહિલાઓ સહિત આશેરે 100 જેટલાં લોકોના ટોળાંએ હસમુખ પટેલને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. આ ઘટનાના પગલે શહેરભરમાં તેમ જ શાસક ભાજપમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

નાગરિકો દ્વારા કાનૂની કાર્યવાહીનો વિરોધ કરી નગરસેવકને માર મારવામાં આવવાની ઘટનાનો વિપક્ષ દ્વારા પણ વખોડી કાઢવા સાથે લોકોના રોષનો ભોગ બનવું પડે તેવી ઘટનાઓ ન બને તે રીતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. વિપક્ષે ઘટનાની તપાસ કરવાની માગણી કરી હતી. શાસક પક્ષ દ્વારા આ ઘટના બનવા માટે વિપક્ષ કોંગ્રેસનું કાવતરું હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો.