શ્રીનગરઃ BSF કેમ્પમાં ઘુસેલા 3 આતંકવાદી ઠાર, 5 કિલો વિસ્ફોટક મળી આવ્યો

શ્રીનગર– શ્રીનગરના એરપોર્ટની નજીક આવેલા ગોગો હુમહમા વિસ્તારમાં સ્થિત બીએસએફ કેમ્પ પર આતંકી હૂમલો થયો છે. મંગળવારે સવારે અંદાજે 4.30 વાગ્યે આતંકી હૂમલો થયો હતો. આ હૂમલો બીએસએફની 182મી બટાલિયન પર થયો હતો. છેલ્લા સમાચાર મુજબ ત્રણેય આતંકવાદીઓને ઠાર કરાયા છે. આ અથડામણમાં સેનાના ત્રણ જવાનો ઘાયલ થયા છે, જેમાં છેલ્લે મળેલા સમાચાર મુજબ એક સહાયક સબ ઈન્સ્પેક્ટર શહીદ થયા છે.

આતંકવાદીઓ પાસે પ કિલોગ્રામ વિસ્ફોટકનો જથ્થો ઝડપાયો છે. આ વિસ્ફોટક બીએસએફ કેમ્પના દરવાજા પાસેથી મળ્યો છે. જાણવા મળ્યા મુજબ પહેલા આતંકવાદીઓએ આ વિસ્ફોટક પોતાની પાસે રાખ્યો હતો. આતંકવાદીઓ વહેલી પરોઢે 4.30 વાગ્યે બીએસએફ કેમ્પમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. આતંકવાદી ગતિવિધીની ખબર પડતાં જવાનોએ ફાયરિંગ કર્યું હતું, અને ત્યાર પછી બીએસએફના જવાનોએ મોરચો સંભાળી લીધો હતો.

આતંકી જે બિલ્ડીંગમાં હતા, તે બિલ્ડીંગને ચારેતરફથી સુરક્ષાદળોએ ઘેરી લીધા હતા. બિલ્ડીંગની ચારેય બાજુ સીઆરપીએફ, 53આરઆર, બીએસએફ અને એસઓજીના જવાન તૈનાત હતા. આ વિસ્તારમાં એક સ્કુલ હતી, તેને પણ બંધ કરાવાઈ હતી. આઈજી કશ્મીરનું કહેવું હતું કે હજી સુધી એ જાણવા મળ્યું નથી કે આતંકી કયા સંગઠનના હતા.

આતંકવાદી હૂમલાને કારણે શ્રીનગર એરપોર્ટને પણ બંધ કરી દેવાયું હતું. સુત્રોના કહેવા પ્રમાણે શ્રીનગર એરપોર્ટ પર આતંકવાદી હૂમલો થવાની ગુપ્ત જાણકારી મળી હતી, પણ સીઆરપીએફની સઘન સુરક્ષાને કારણે તેઓ એરપોર્ટમાં પ્રવેશી શક્યા ન હતા. આ હૂમલા પાછળ જૈશ એ મુહમ્મદના અફઝલ ગુરુ સ્કવૉર્ડનો હાથ હોવાની આશંકા છે.