અફઘાનિસ્તાનને આંચકો, ફાસ્ટ બોલર ઝદરાન ઈજાગ્રસ્ત થતાં ભારત સામે રમી નહીં શકે

નવી દિલ્હી – ભારત સામે 14-18 જૂને બેંગલુરુમાં રમાનાર ઐતિહાસિક પ્રથમ ટેસ્ટ મેચ પૂર્વે અફઘાનિસ્તાનને મોટો ફટકો પડ્યો છે, કારણ કે એનો ફાસ્ટ બોલર દવલત ઝદરાન ઘૂંટણમાં ઈજા થવાને કારણે આ મેચમાં રમી શકવાનો નથી.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે એક યાદીમાં જણાવ્યું છે કે ઝદરાન બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાનની 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં પણ રમી નહીં શકે, જે 3 જૂનથી રમાવાની છે.

અફઘાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા મુજબ, 30 વર્ષીય ઝદરાનને ભારતમાં જ તાલીમ લેતી વેળાએ ઈજા થઈ હતી અને ડોક્ટરોએ એને એક મહિનો આરામ કરવાની સલાહ આપી છે.

ઝદરાને 105 આંતરરાષ્ટ્રીય મેચોમાં 137 વિકેટો લીધી છે અને એ સારા ફોર્મમાં છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર-2018 પૂર્વેની એક વોર્મ-અપ મેચમાં એણે હેટ-ટ્રિક પણ લીધી હતી.

અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ હાલ ભારતમાં ગ્રેટર નોઈડામાં ફિલ સિમોન્સના કોચિંગ હેઠળ તાલીમ લઈ રહી છે.