વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ફાઈનલમાં મેરીન સામે સિંધુની હાર થઈ; રજત ચંદ્રક મળ્યો

નાન્જિંગ (ચીન) – અહીં વિશ્વ બેડમિન્ટન સ્પર્ધામાં આજે રમાયેલી મહિલાઓની સિંગલ્સ ફાઈનલ મેચમાં ભારતની પી.વી. સિંધુનો સ્પેનની કેરોલીના મેરીન સામે 19-21, 10-21થી પરાજય થયો છે. આ પરિણામ સાથે મેરીને ગોલ્ડ અને સિંધુએ સિલ્વર મેડલ જીત્યો છે.

તૃતિય સીડ સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આજની મેચ પૂર્વે ત્રણ વખત મેડલ જીતી ચૂકી હતી. ગોલ્ડ મેડલ એને હાથતાળી આપતો રહ્યો હતો, અને આજે પણ તે એ મેળવવામાં નિષ્ફળ રહી છે.

સાતમી સીડ અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી મેરીન પહેલી ગેમ સિંધુએ લડત આપ્યા બાદ જીત્યા બાદ બીજી ગેમમાં જોરદાર આક્રમક રમત રમી હતી અને શરૂઆતથી જ પ્રભુત્વ જમાવી દીધું હતું.

રિયો ઓલિમ્પિક્સમાં મેરીન સામે જ હારી જવાથી રજત ચંદ્રક મેળવનાર સિંધુ અહીંની સ્પર્ધાની સેમી ફાઈનલમાં જાપાનની એકેની યામાગુચી પર 21-16, 24-22થી વિજય મેળવીને ફાઈનલમાં પ્રવેશી હતી. બીજી બાજુ, 2016ની રિયો ઓલિમ્પિક્સની ગોલ્ડમેડલ વિજેતા મેરીને તેના સેમી ફાઈનલ મુકાબલામાં ચીનની છઠ્ઠી ક્રમાંકિત હી બિન્જીયાઓને 13-21, 21-16, 21-13થી પરાજય આપ્યો હતો.

સિંધુ ગયા વર્ષે પણ આ સ્પર્ધાની ફાઈનલમાં હારી ગઈ હતી. એ વખતે એનો પરાજય જાપાનની નોઝોમી ઓકુહારા સામે થયો હતો.

ત્રણ વખત વિશ્વ વિજેતાપદ જીતનાર મેરીન દુનિયાની પહેલી જ ખેલાડી બની છે. આ સ્પર્ધામાં છેલ્લી ચાર ફાઈનલમાંથી એ ત્રણવાર વિજેતા બની છે.