કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વેઈટલિફ્ટર સંજિતા ચાનુ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ

0
762

નવી દિલ્હી – કોમનવેલ્થ ગેમ્સમાં બે વખત ચેમ્પિયન બનેલી વેઈટલિફ્ટર સંજિતા ચાનુ એક પ્રતિબંધિત એનાબોલિક સ્ટરોઈડ માટેની ટેસ્ટમાં પકડાઈ ગઈ છે. એને કામચલાઉ રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, એવું ઈન્ટરનેશનલ ફેડરેશને જણાવ્યું છે.

ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશને તેની વેબસાઈટ પર જણાવ્યું છે કે તાજેતરના ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રકૂળ રમતોત્સવમાં મહિલાઓની 53 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનાર સંજિતા ટેસ્ટોસ્ટેરોન માટેની ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે. એને પગલે, એન્ટી-ડોપિંગ નિયમના ઉલ્લંઘન બદલ એને કામચલાઉ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

ફેડરેશને જણાવ્યું છે કે ધારો કે એવું સાબિત થશે કે એથ્લીટ ચાનુએ એન્ટી-ડોપિંગ નિયમનો ભંગ કર્યો નથી તો સંબંધિત નિર્ણયની જાણ કરવામાં આવશે.

સંજિતા ગયા વર્ષના નવેંબરમાં અમેરિકામાં યોજાઈ ગયેલી વિશ્વ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં 13મા ક્રમે આવી હતી. ત્યારબાદ ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં એ 53 કિ.ગ્રા. વર્ગમાં કુલ 192 કિ.ગ્રા. વજન ઉંચકીને પ્રથમ સ્થાને આવી હતી. એણે 2014ની ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.