ડોપ ટેસ્ટ પરિણામઃ વેઈટલિફ્ટર સંજીતા ચાનુનો આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ સંઘને પડકાર

નવી દિલ્હી – ભારતીય મહિલા વેઈટલિફ્ટર સંજીતા ચાનૂ જે તાજેતરમાં યોજાઈ ગયેલી ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં બે વાર ચેમ્પિયન બની હતી. જેમાં તેણીએ મહિલાઓની 53 કિ.ગ્રા. શ્રેણીમાં કુલ 193 કિ.ગ્રા. વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ 2014માં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પણ 48 કિ.ગ્રા. શ્રેણીમાં તેણીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પણ હાલમાં તેના ઉપર લેવામાં આવેલા ડોપ પરીક્ષણમાં તે નિષ્ફળ જવાથી આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ સંઘે તેને તાત્પૂરતી સસ્પેન્ડ કરી છે.

જો કે રાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ સંઘના અધ્યક્ષ સહદેવ યાદવનું સંજીતાને સમર્થન છે. તેઓ બોલ્યા કે, ‘સંજીતા ઉપર ડોપ પરીક્ષણનો નમૂનો ગયા નવેંબરમાં અમેરિકામાં લેવામાં આવ્યો હતો, જે વિશ્વ ચેમ્પિયનશીપની સ્પર્ધામાં ભાગ લેતા પહેલાં લેવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેણીએ એપ્રિલમાં રમાયેલી ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો. મને એ નથી સમજાતું કે પરીક્ષણનું પરિણામ જાહેર કરવામાં આટલી બધી વાર કેમ લગાડવામાં આવી.’ ‘ડોપ પરીક્ષણમાં અમે હજી આગળની ‘બી’ ટેસ્ટ કરાવીશું અને પરિણામ આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ સંઘમાં એની રજૂઆત કરવા સિનિયર વકીલની સેવા લઈશું. મને પૂરો વિશ્વાસ છે કે તેણીએ કોઈ પ્રતિબંધિત દવાઓ નથી લીધી. સંજીતાને નિર્દોષ સાબિત કરવામાં અમે સફળ થઈશું.’

સંજીતાએ ગયા વર્ષે વિશ્વ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો જેમાં એ 13મા સ્થાને હતી. 24 વર્ષીય આ ખેલાડીનું નામ ખેલ મંત્રાલયે એશિયાઈ રમતોત્સવની તૈયારી માટે ઓલિમ્પિક પોડિયમ યોજના (TOP)માં સહભાગી થવા 9મી મેએ ઉમેર્યું હતું. પરંતુ જો બીજી ટેસ્ટમાં પણ એ નિષ્ફળ જશે તો તેણીનું નામ પડતું મૂકવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના દબાણ હેઠળ આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ સંઘે ટોકિયો ઓલિમ્પિકમાં ડોપિંગ કેસ જ્યાં વધુ હોય એવા દેશોના રમતવીરોનો કોટા લિમિટેડ રાખવાનો નિર્ણય લીધો છે.

સંજીતાના કેસ પહેલાં 2008 થી અત્યાર સુધીમાં 12 જેટલા વેઈટલિફ્ટરોનું ડોપિંગ પરીક્ષણ પોઝિટિવ આવ્યું છે.