વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી બે ODI માટે ભારતીય ટીમ જાહેર; પંતનો સમાવેશ

મુંબઈ – વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી બે વન-ડે ઈન્ટરનેશનલ મેચ માટેની ટીમનું નેતૃત્વ વિરાટ કોહલી કરશે. 14-સભ્યોની ટીમમાં વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ડાબોડી બેટ્સમેન પંતની આ પસંદગી પરથી પસંદગીકારોએ સંકેત આપ્યો છે કે એ આઈસીસી વર્લ્ડ કપ-2019 માટે ભારતની યોજનાનો એક ભાગ બની શકે છે.

એશિયા કપ સ્પર્ધામાં કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને ટીમનું સુકાન રોહિત શર્માને સોંપવામાં આવ્યું હતું.

શર્માના સુકાનીપદ હેઠળ ભારતે એશિયા કપ જીત્યા બાદ એવી અટકળો ઊભી થઈ હતી કે ક્રિકેટ બોર્ડ કદાચ વન-ડે ટીમનું સુકાન રોહિત શર્માને જ સોંપી દેશે અને કોહલીને એના હાથ નીચે રમવું પડશે. જ્યારે ટેસ્ટ ટીમનું સુકાન કોહલી પાસે જ રહેશે.

પરંતુ, ભૂતપૂર્વ વિકેટકીપર એમ.એસ.કે. પ્રસાદની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ આગામી સીરિઝની આજે પહેલી બે મેચ માટે કોહલીને જ કેપ્ટન ઘોષિત કરીને એ અટકળોનો અંત લાવી દીધો છે.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ 5 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમાવાની છે. પહેલી મેચ 21 ઓક્ટોબરે ગુવાહાટીમાં અને બીજી 24 ઓક્ટોબરે વિશાખાપટનમમાં રમાશે. ત્યારબાદ ત્રીજી મેચ 27 ઓક્ટોબરે પુણેમાં, ચોથી મેચ 29 ઓક્ટોબરે મુંબઈમાં (બ્રેબોર્ન સ્ટેડિયમમાં) અને પાંચમી તથા છેલ્લી મેચ 1 નવેંબરે તિરુવનંતપુરમમાં રમાશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી બે વન-ડે મેચ માટેની ટીમ આ પ્રમાણે છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, મનીષ પાંડે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ એહમદ, શાર્દુલ ઠાકુર, કે.એલ. રાહુલ.