અમ્પાયરને વધારે પડતી અપીલ કરી; કોહલીને 25 ટકા મેચ ફીનો દંડ

સાઉધમ્પ્ટન – અહીં ગયા શનિવારે અફઘાનિસ્તાન સામેની આઈસીસી વર્લ્ડ કપ-2019 મેચ વખતે અમ્પાયરને વધારે પડતી અપીલ કરવા બદલ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસી સંસ્થા દ્વારા એની મેચ ફીની 25 ટકા રકમનો દંડ કર્યો છે.

વર્લ્ડ કપ મેચો દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સંસ્થાએ ઘડેલી આચારસંહિતનો ભંગ કરવા બદલ કોહલીને આ દંડ ફટકારવામાં આવ્યો છે.

તે મેચમાં ભારત 11-રનથી વિજયી થયું હતું.

તે મેચમાં કોહલીએ ખેલાડીઓ માટેની આઈસીસી આચારસંહિતાની કલમ 2.1નો ભંગ કર્યો હોવાનું નિશ્ચિત થયું હતું. આ કલમ કોઈ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વધારે પડતી અપીલ કરવાને સંબંધિત છે.

તે બનાવ અફઘાનિસ્તાનના દાવની 29મી ઓવર વખતે બન્યો હતો. જસપ્રિત બુમરાહ બોલર હતો અને કોહલીએ બેટ્સમેન એલબીડબલ્યુ આઉટ થયો હોવા વિશે અમ્પાયર અલીમ દર સામે આક્રમક રીતે અપીલ કરી હતી.

કોહલીએ તેનો ગુનો કબૂલ કર્યો છે અને મેચ રેફરીએ સૂચવેલા દંડનો સ્વીકાર કર્યો છે, તેથી કોઈ વિધિસર સુનાવણી કરવાની જરૂર પડી નથી, એમ આઈસીસીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

એ જ મેચમાં કોહલી એક ડીઆરએસ કોલ બાદ પણ ફિલ્ડ અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો.

દંડ થવા ઉપરાંત કોહલીના શિસ્તભંગ રેકોર્ડમાં હવે એક ડીમેરિટ પોઈન્ટનો ઉમેરો પણ થયો છે. 2016ના સપ્ટેંબરમાં નવી રચાયેલી આચારસંહિતા લાગુ કરાઈ ત્યારથી આ કોહલીનો બીજો ગુનો બન્યો છે.

15 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે પ્રીટોરિયામાંની ટેસ્ટ મેચ વખતે એને એક ડીમેરિટ પોઈન્ટ મળ્યો હતો. આમ, તેના હવે બે ડીમેરિટ પોઈન્ટ થયા છે.

વર્તમાન વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારત હવે 27 જૂને વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. અત્યાર સુધીમાં પાંચ મેચમાંથી ચારમાં જીત્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી.